• બેકાબુ કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ હવે લોકો વકરી રહ્યા છે
  • શહેરના પાણીગેટ વિસ્તારમાં બુટલેગરના પુત્રએ બર્થડેની ઉજવણી કરી
  • વાડી પોલીસે મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી
  • અત્યાર સુધી રાત્રી કર્ફ્યુ દરમિયાન થયેલી ઉજવણી મામલે પોલીસ દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ

Watchgujarat. કોરોના કાબુમાં આવતા જ હવે લોકો બેકાબુ બની રહ્યા છે. અને અવાર નવાર રાત્રી કર્ફ્યુમાં પણ બર્થ ડે ઉજવવાનું ચુકતા નથી. શહેરના પાણીગેટ વિસ્તારના નામચીન બુટલેગરના પુત્રએ ગત રાત્રીએ રાત્રી કર્ફ્યુમાં 50 જેટલા લોકોની હાજરીમાં તલવારથી બર્થડે કેક કાપી હતી. જેને કારણે વધુ એક વખત પોલીસની રાત્રી કર્ફ્યુની અમલવારી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

કોરોનાની બીજી વેવ ખુબ ઘાતક નીવડી હતી. હોસ્પિટલો ફુલ થઇ જતા હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. જો કે, સરકાર અને તબિબોની સખત મહેનતના કારણે હાલ કોરોના પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી છે. ત્યારે હવે લોકો બેકાબુ બનીને ભીડ ભેગી કરી રહ્યા હોય તેવા અત્યંત બેદરકારીભર્યા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગત રાત્રે શહેરના પાણીગેટ વિસ્તારમાં પણ કંઇક એવું જ બન્યું હતું. વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્રએ 50 જેટલા સાગરીતોને ભેગા કરીને તલવાર વડે બર્થ ડે કેક કાપી હતી. જેને કારણે રાત્રી કર્ફ્યુની અમલવારી કરતી પોલીસના કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર,ગત રાત્રે 12 વાગ્યે પોલીસ કંટ્રોલમાં માહિતી મળી હતી કે, પાણીગેટ ખાનગાબ મહોલ્લા માસુમ એપાર્ટમેન્ટ નીચે જુનેદ સિંધીનો બર્થડેની ઉજવણી કરવામાં આવી રહી છે. અને કારના સ્પીકરોમાં જોર જોરથી ગીતો વગાડવામાં આવ્યા, જેમાં 50 જેટલા લોકો ભેગા થયા છે. જાણકારી મળતા જ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસને જોતા જ ટોળું વિખેરાઇ ગયું હતું. સ્થળ પરથી એક કાર મળી આવી હતી. વાડી પોલીસે સમગ્ર મામલે 12 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જુનેદ સિંધીના પિતા સલીમ સિંધી વિસ્તારના બુટલેગર છે. શહેરમાં રાત્રી કર્ફ્યુના નિયમોનું ઉલ્લંઘન કરીને બર્થડેની ઉજવણી કરવી કોઇ નવી વાત નથી. પરંતુ અત્યાર સુધી થયેલી ઉજવણી મામલે પોલીસ દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કરીને રાત્રી કર્ફ્યુમાં પણ લોકો બિંદાસ્ત બનીને ઉજવણીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

કાયદો તોડ્યા બાદ વિડીયો શેર કર્યો

કાયદાની બીક ના હોય તેમ બુટલેગરના પુત્રના બર્થડેની ઉજવણીના વિડીયો સોશિયલ મીડિયામાં તેના મિત્રો દ્વારા મુકવામાં આવ્યા હતા. આ મામલે કાયદો તોડ્યા બાદ લોકોની હિંમત જોઇને પોલીસની કાર્યવાહી સામે ખરેખર સવાલો ઉઠવા જોઇએ. સામાન્ય નાગરીક સામે કાર્યવાહી દરમિયાન કડકાઇ બતાવતી પોલીસ બુટલેગરો પર પોતાની પકડ બનાવવામાં નિષ્ફળ રહી છે, તેવું આ કિસ્સા પરથી સ્પષ્ટ પણે જોઇ શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud