• સોશિયલ મીડિયાના માધ્યમથી ઇવેન્ટ મેન્જમેન્ટનું કામ માટે બંને યુવતીને વડોદરા બોલાવી
  • 181 અભયમની ટીમે બંને યુવતીઓને છોડાવીને પોલીસને સોંપી
  • યુવતીઓએ અભયમની મદદ લેતા ટીમ ફ્લેટ સુધી પહોંચી
  • દરવાજો ન ખુલતા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
  • પોલીસે એક યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી

WatchGujarat દિલ્હી અને કોલકત્તાની ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીઓને વડોદરા બોલાવીને ફ્લેટમાં ગોંધી રાખી બે થી ત્રણ યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરતી બે યુવતીને અભયમની ટીમે બચાવી પોલીસને સોંપી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઇવેન્ટ મેન્જમેન્ટનું કામ મળ્યાબાદ વડોદરા આવેલી બંને યુવતીઓને અભયમની મદદ લેતા યુવતીઓને ફ્લેટમાંથી બચાવી લેવામાં આવી હતી. અને જે.પી. રોડ પોલીસને સોંપી હતી. પોલીસે ફ્લેટમાં રહેલા એક યુવકની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇનના સુત્રોથી મળતી માહિતી અનુસાર, બંને યુવતીઓએ મંગળવારે મોડી રાત્રે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી અને જણાવ્યું હતું કે, તેઓને કોઇએ રૂમમાં પૂરી દીધી છે, પરંતુ, તેઓ વડોદરામાં પ્રથમવાર આવ્યા હોવાથી અમે કઈ જગ્યાએ છીએ, તેની ખબર પડતી નથી, જોકે, આવતી વખતે થોડી દુકાન અને કોમ્પલેક્ષ જોવા મળ્યા હતા. તેમ જણાવતા અભયમ ટીમે લોકેશન સર્ચ કરીને સતત તેમની સાથે મોબાઈલમાં સંપર્ક ચાલુ રાખી તેઓને રાખવામાં આવેલા ફ્લેટ સુધી પહોંચી હતી. ત્યાં જઇને જોયુ તો ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો.

ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી અભયમની ટીમે ખોલવાની કોશિશ કરવા છતાં દરવાજો ખુલ્યો ન હતો, ત્યારે અભયમની ટીમ દ્વારા પીસીઆર વાનની મદદ લેવામાં આવતા જે.પી. પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. પોલીસે પણ દરવાજો ખોલવા ભારે જહેમત ઉઠાવી પણ દરવાજો ખુલ્યો ન હતો. આખરે ફાયર બ્રગેડની મદદ લેવામાં આવી હતી. જ્યાં ફાયર બ્રિગેડના જવાનોને દરવાજો તોડવામાં સફળતા મળી હતી. રૂમમાં જય તપાસ કરતા રૂમની અંદર એક યુવક વ્યસન કરીને સુઈ રહેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોલીસે ઝડપી પડ્યો હતો . દરમિયાન ફ્લેટના અંદરના રૂમનો મેઈન દરવાજો તોડીને બે યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી. અને તેને સાંત્વના આપવામાં આવી હતી.

ત્યારબાદ બંને યુવતીઓએ સમગ્ર હકીકત પોલીસ અને અભયમની ટીમને જણાવી હતી. જેમાં બંને યુવતીઓ ઇવેન્ટ મેનેજમેન્ટની કામગીરી કરે છે અને તેઓ સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર લે છે. ઓર્ડર મળ્યા બાદ જ્યાં ઇવેન્ટ હોય ત્યાં જઇ ઇવેન્ટનું કામ કરે છે. દરમિયાન એક અઠવાડિયા પહેલા પકડાયેલા યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો. સંપર્ક થયાબાદ મેસેન્જર દ્વારા વાતચીત કરી હતી અને કામ લીધું હતું. જેમાં એક દિવસના કામના 2000 રૂપિયા નક્કી કર્યાં હતા, જેથી તેઓ 7 ફેબ્રુઆરીના રોજ વડોદરા આવ્યા હતા અને ગ્રાન્ડ હોટેલમાં રોકાયા હતા, ત્યાર બાદ તેઓને મુજમહુડા લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ યુવતીઓના આક્ષેપ પ્રમાણે, 8 ફેબ્રુઆરીના રોજ સવારે 2 અજાણ્યા યુવકો આવ્યા હતા અને દિલ્હીની યુવતી સાથે જબરદસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતું અને બીજી એક યુવતી જે કોલકત્તાની હતી, તેની સાથે બીજા યુવકે જબરદસ્તી કરી હતી અને શારીરિક સંબંધ બાંધ્યા હતા, ત્યાર બાદ બન્ને છોકરીઓને ધમકાવી હતી અને કહ્યું હતું કે, જે કરવું છે તે કરવા દો નહીં તો મારીશું, જેથી બન્ને છોકરીઓ ડરી ગઈ હતી. આજ સવારે પણ અન્ય યુવક આવ્યો હતો અને ફરી જબરદસ્તી કરી હતી, જેથી તેઓએ પોતાની રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને બેસી રહી હતી.

બંને યુવતીઓએ અંદરથી રૂમનો દરવાજો બંધ કર્યાબાદ મિત્રનો સંર્પક સાધ્યો હતો. દરમિયાન મિત્ર દ્વારા 181 અભયમના નંબરની જાણકારી આપવામાં આવી હતી. જેથી, બંને યુવતીએ 181 અભયમને ટીમનો સંપર્ક કરતા તેમને મદદ મળી હતી. પોતાની સાથે ઘેટલી અઘટનીય ઘટનાથી બંને યુવતીઓ ડરના માહોલમાં પ્રસરી ગઇ હતી. જેથી અભયમની ટીમ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું . પરંતુ, તેઓ ડરી ગયા હોવાથી અને ગુનાની ગંભીરતા જોતા પરપ્રાંતીય યુવતીઓને જે. પી. પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. આ અંગે જે. પી. પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud