• આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ હોવાને કારણે વડોદરા સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
  • માંજલપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
  • કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર કલ્પેશ પટેલને ડાયસ પર સ્થાન નહિ મળતા ચાલુ કાર્યક્રમે સંભળાવ્યું
  • પાલિકાના અધિકારીએ કોર્પોરેટરને હાથ જોડી વિનંતી કરી

WatchGujarat. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં માંજલપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેટર કલ્પેશ પટેલ (જય રણછોડ)ને ડાયસ પર જગ્યા નહિ અપાતા મામલો ગરમાયો હતો. અને મહિલા ધારાસભ્ય મનીષાહબેન વકીલની સામે જ પાલિકાના અધિકારી સામે કોર્પોરેટરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

દેશમાં ખુરથી માટે એમ તો શું નથી થતું. ખાસ કરીને જો રાજનેતાઓને ખુરશી  ન મળે અથવાતો ન આપવામાં આવે તો જાહેર પ્રસંગમાં પણ વિરોધ દર્શાવવાનું ચુકતા નથી. વડોદરામાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ હોવાને કારણે વડોદરા સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવો જ એક કાર્યક્રમ વડોદરાના માંજલપુરમાં યોજાયો હતો. જેમાં મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના લોકો કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમમાં એક વસ્તુની ખામી રહી ગઇ હતી. સ્થાનિક કોર્પોરેટર કલ્પેશ પટેલને ડાયસ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું. કાર્યક્રમ શરૂ થતા કલ્પેશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રથમ તેઓ લોકોની સાથે અગ્ર હરોળમાં બેઠા હતા.

જો કે, ત્યાર બાદ કાર્યક્રમ શરૂ થતા જ તેઓએ ડાયસ પર હાજર પાલિકાના અધિકારી સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. એટલું જ નહિ મહિલા ધારાસભ્ય અને લોકોની મોટી સંખ્યામાં હાજરીને અવગણીને તેમણે પોતાને ડાયસ પર સ્થાન નહિ આપવા અંગેના નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઇને એક તબક્કે મહિલા ધારાસભ્ય પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે પાલિકાના અધિકારીએ આખરે હાથ જોડીને બેસી જવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખીય છે કે, કલ્પેશ પટેલ (જય રણછોડ) અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચુક્યા છે. ગત વર્ષો પાલિકાની સ્થાનિક કચેરીમાં તેઓએ લેંઘો કાઢી નાંખ્યો હતો. અને જેતે સમયે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પણ તેમના વિરોધને લઇને તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા. આજે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ખુરશી મામલે બોલા ચાલી થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud