• વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી હોવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે
  • ગોરવા વિસ્તારમાં બાપુની દરગાહ સામે કુંભ સોસાયટીમાં રખડતા કુતરાઓનો ભારે આતંક છે
  • વિકાસની મોટી મોટી વાતો કરવાનું પસંદ કરતા ચુંટાયેલા લોકપ્રતિનીધીઓ લોકોને પડતી નાનામાં નાની મુશ્કેલીઓનું સમાધાન લાવે તેવી સ્થાનિકોની માંગ

WatchGujarat. વડોદરાના પ્રથમ નાગરિક મેયરના ઇલેક્શન વોર્ડમાં રખડતા કુતરાઓના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરની બહાર નિકળેલી કિશોરીને કુતરાઓ બચકા ભરીને લોહી લુહાણ કરી દીધી હતી. હવે તો લોકો એ હદે ત્રસ્ત થયા છે કે ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. વડોદરાનો વિકાસ થઇ રહ્યો હોવાનું ગાણું ગાઇ રહેલા મેયરના વોર્ડમાં જ લોકો આ પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા હોય ત્યારે શહેરને લગતી વિવિધ સમસ્યાઓનું શું થતું હશે તેનો અંદાજો તમે લગાડી શકો છો.

વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી હોવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે, શાસકોના દાવાઓ અને જમીની હકીકત વચ્ચે આભ અને જમીન જેટલું અંતર લોકો જાતે જ અનુભવી રહ્યા છે. ત્યારે મેયરના વોર્ડમાં જ કુતરાના આતંકથી લોકો ઘરની બહાર નહિ નિકળી શકતા હોવાના ભય સાથે લોકો જીવી રહ્યા છે. ઘરની બહાર નિકળે કે રખડતા કુતરાઓ પાછળ પડી જાય છે. એટલું જ નહિ કુતરાઓ કરડી પણ લે છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોરવા વિસ્તારમાં બાપુની દરગાહ સામે કુંભ સોસાયટી આવેલી છે. સોસાયટીમાં રખડતા કુતરાઓનો ભારે આતંક છે. કેટલીક વખતતો જો ઘરની બહાર નિકળ્યા હોય અને કુતરૂ પાછળ પડે તો ઘરમાં ભરાઇ જવું પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આજે સવારે સોસાયટીમાં રહેતી કિશોરી ઘરની બહાર નિકળી તો તેને રખડતા કુતરાએ બચકું ભરી લીધું હતું. જેને કારણે એક તબક્કે તેનો પગ લોહી લુહાણ થઇ ગયો હતો. સોસાયટીમાં રહેતા વૃદ્ધો અને બાળકો રખડતા કુતરાના ત્રાસનો ભોગ બની ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર મેયરના વોર્ડમાં આવે છે. શહેરનું નેતૃત્વ જેના હાથમાં છે તેવા મેયરના વોર્ડમાં રખડતા કુતરાઓને ત્રાસ દુર ન થાય તે અચરજ પમાડે તેવી હકીકત છે. મેયરની સાથે વિસ્તારના સ્થાનીક કોર્પોરેટર રાજેશ પ્રજાપતિ પણ આ પ્રશ્નનો ઉકેલ લાવી શક્યા નથી. વિકાસની મોટી મોટી વાતો કરવાનું પસંદ કરતા ચુંટાયેલા લોકપ્રતિનીધીઓ લોકોને પડતી નાનામાં નાની મુશ્કેલીઓનું સમાધાન લાવે તેવી સ્થાનિકોની માંગ છે. હવે આ મામલે કેટલા સમયમાં અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud