• પિતા સાથે વાત કર્યાંના કલાકો બાદ દીકરીએ આપઘાત કર્યાંના સમાચાર મળ્યા
  • સાસરીયાએ દહેજ પેટે એક લાખ રૂપિયા અને બાઇકની માગ કરી હતી
  • દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવી
  • બાપોદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરામાં સાસરીયા દ્વારા લગ્નના એક મહિના બાદ દહેજ પેટે પિયરમાંથી એક લાખ રૂપિયા અને બાઈક લઈ આવવા પરિણીતાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યો હતો અને દીકરીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ પ્રમાણે ઉત્તરપ્રદેશની વતની 20 વર્ષીય રાગીણી દેવીના લગ્ન વર્ષ-2020માં સમાજના રીતરિવાજ મુજબ શિવપૂજન ચૌધરી(રહે, ભાગ્ય લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, વડોદરા, મૂળ રહે, ઉત્તરપ્રદેશ ) સાથે થયા હતા. 12 એપ્રિલના રોજ યુવતીએ તેના પિતાને વીડિયો કોલ કરી પરિવાર સાથે વાતચીત કરીને પોતે ખુશ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ગણતરીના કલાકો બાદ તેમના જમાઈ શિવપૂજન ચૌધરીએ જાણ કરી હતી કે, રાગીણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

નોંધનીય છે કે, લગ્નના એક મહિના બાદ રાગીણીની સાસુ હીરાવતી, જમાઈ શિવપૂજન તેમજ તેના કાકા સસરા અમરસિંગ ચૌધરીએ લગ્નમાં આપેલા દાગીના લઈને વધુ એક લાખ રૂપિયા અને બાઈકની માગણી કરી હતી અને જો ન આપે તો રાગીણીને જાનથી મારી નાખવાની વાત કરતા હતા.

વારંવાર આ પ્રકારની માગણી કરીને રાગીણીને માનસિક ત્રાસ આપતા હતા, ત્યાર બાદ પતિ-પત્ની વડોદરામાં આવીને વસવાટ કર્યાં બાદ 20 દિવસ અગાઉ ઘરના કામકાજ બાબતે તકરાર થઇ હતી. સાસરીયાની દહેજની માગ પૂરી ન થતાં તેઓએ રાગીણીને સતત માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા પર મજબૂર કરી હતી.

જેથી આવેશમાં આવીને પરિણીતાએ 12 એપ્રિલના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેવી ફરિયાદ મૃતકના પિતાએ નોંધાવી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે શિવપૂજન, હીરાવતી ચૌધરી અને અમરસિંગ ચૌધરી વિરૂદ્ધ આપઘાત કરવા દુષ્પ્રેરણા તથા સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud