• આજરોજ વડોદરામાં પ્રથમ વખત કર્ફ્યુના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી
  • બીજી તરફ પોલીસ દ્વારા અન્ય વિસ્તારોમાં ટ્રાફિકના નિયમન પર ધ્યાન નહિ આપવાની ઘટના સામે આવી
  • પીક અવર્સમાં પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે અને બ્રિજ પર મોટી સંખ્યામાં ટ્રાફીક જામ સર્જાયો
  • ટ્રાફિક જામથી બચવા લોકો રોંગ સાઇડ બ્રિજ પર વાહનો લઇ જીવના જોખમે નિકળ્યા

Watchgujarat. વડોદરામાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે શહેરમાં 40 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ચુસ્ત પણે પાલન થયું હોવાનું નજરે પડતું હતું. જો કે બીજી તરફ નોકરી ધંધા પર જતા લોકો માટે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે બ્રિજ પર રોંગ સાઇડ લોકો જઇ રહ્યા હતા. જેને કારણે બ્રિજ પર અકસ્માત થવાની શક્યતામાં વધારો થયો હતો.

વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા માટે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત હતું. જો કે, આખરે નિયમાનુસાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજુરી આપી દેવામાં આવી હતી. આજરોજ વડોદરામાં પ્રથમ વખત કર્ફ્યુના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા અન્ય વિસ્તારોમાં ટ્રાફિકના નિયમન પર ધ્યાન નહિ આપવાની ઘટના સામે આવી હતી.

સામાન્ય રીતે સવારે 10 – 30 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં લોકો વેપાર – ધંધા અને નોકરીના સ્થળે જતા હોય છે. એટલે તેને પીક અવર્સ તરીકે પણ ઓળખાય છે. અને આ સમયે રસ્તા પર વાહનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આજરોજ પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે અને બ્રિજ પર મોટી સંખ્યામાં ટ્રાફીક જામ સર્જાયો હતો. જેને કારણે સવારે નોકરી પર જતા લોકો અટવાયા હતા.

કેટલાક લોકોતો દુરથી જ ટ્રાફિક જામને ભાળી જઇને રોંગ સાઇડ બ્રિજ પર જઇ રહ્યા હતા. આમ કરવાથી તેઓએ અન્યના જીવને પણ જોખમ ઉભુ થાય તેવી સ્થિતીનું નિર્માણ કર્યું હતું. પંડ્યા બ્રિજથી લઇને ગેંડા સર્કલ સુધી લક્ઝરી બસ, કાર, ટુ વ્હીલર અને રીક્ષાઓની લાંબી લાઇનો જોવા મળી હતી. આ લાઇનોને ટાળવા માટે લોકો બેફિકર બનીને રોંગ સાઇડ જઇ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રથયાત્રાના બંદોબસ્તમાં કોઇ પણ ચુક ન રહી જાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને કારણે આજે નિયમાનુસાર રથયાત્રા નિકળી શકી હતી. પરંતુ પોલીસ દ્વારા સામાન્ય જનતાને ટ્રાફિક ન નડે તે માટે પ્રયાસો કર્યા હોત તો લોકોએ મસમોટી લાઇનોમાં સલવાવવાનો વારો ન આવ્યો હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud