• વેપારીએ દાગીના વેચી તેમજ મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા
  • વ્યાજખોરો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપતા હતા
  • પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે અપહરણ, ખંડણી, વ્યાજખોરી અને ધાક-ધમકી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં

WatchGujarat. કોરોના મહામારીમાં કન્સ્ટ્રકશનનો વેપાર પડી ભાંગતા નવા વ્યવસાય માટે લોન માટે મિત્રો પાસેથી મેળવેલી રકમ પરત કરવા વેપારીએ પોતાની સ્કોર્પિઓ કાર ભરવાડ પાસે ગીરવે મૂક્યા બાદ વ્યાજની ચૂકવણી ન કરતા વ્યાજખોરોએ વેપારીના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી અને વેપારી તથા તેની પત્નીનું અપહરણ કરી 5 કલાક હોટલમાં ગોંધી રાખવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છાણી પોલીસે ગના ભરવાડ, વિરાજ પુરોહિત તથા અજય ભરવાડ વિરુદ્ધ અપહરણ, ખંડણી, વ્યાજખોરી અને ધાક-ધમકી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

મહેસાણાના રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના છાણી ગામમાં રહેતા નિલેશકુમાર પટેલ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોના મહામારીના પગલે કન્સ્ટ્રકશનના વેપાર ઉપર માઠી અસર પહોંચી હતી. જેથી 6 મહિના અગાઉ તેમણે પશુનો તબેલો બનાવવા માટે લોન સંદર્ભે એજન્ટ સુરેશભાઈ સુથા (રહે, ભાયલી ગામ , વડોદરા)નો સંપર્ક સાધ્યો હતો. એજન્ટે સાડા ત્રણ કરોડની લોન પાસ કરાવવા ટુકડે-ટુકડે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા નિલેશકુમારે પોતાના દાગીના વેચી તેમજ મિત્રો પાસેથી ઉછીના લઇ આપ્યા હતા.

નિલેશકુમારે મિત્રો પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ચૂકવવાનો સમય આવતા ઓળખીતા અજય ભરવાડને રજૂઆત કરતા તેણે ગનાભાઈ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી અને સ્કોર્પિયો ગાડી ગીરવે મૂકી કોઈપણ જાતના લખાણ વગર 10 ટકા લેખે રૂપિયા 80 હજાર વ્યાજે લીધા હતા. તેમજ રૂપિયાની સગવડ થાય ત્યારે રૂપિયા ચૂકવીને ગાડી લઈ જવા નક્કી થયું હતું. ત્યાર બાદ સતત ચાર મહિના સુધી તેનું વ્યાજ ચુકવ્યું હતું, પરંતુ, છેલ્લા બે મહિનાથી વેપાર પડી ભાંગતા વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતા. જેથી ગનાભાઈ ભરવાડ અને તેનો સાગરિત અજય ભરવાડ અવાર-નવાર ફોન કરી હાથ-પગ તોડી નાખવાની ધમકી આપતા હતા.

ગનાભાઈ ભરવાડ અને તેની સાથે અન્ય એક સાગરિત વિરાજ પુરોહિત 8 એપ્રિલના રોજ કાર લઈને નિલેશકુમારના ઘરે ધસી ગયા હતા અને પરિવારની હાજરીમાં તારે રૂપિયા આપવા છે કે નહીં તેમ કહી અપશબ્દો બોલી નિલેશકુમાર તથા તેની પત્નીને જબરજસ્તીથી કારમાં બેસાડી કપુરાઈ હાઈવે ચોકડી પાસે આવેલી દ્વારકેશ હોટલ ઉપર લઇ જઇને 5 કલાક સુધી બેસાડી રાખ્યા હતા. જ્યાં અજય ભરવાડ પણ આવી પહોંચ્યો હતો.

નિલેશકુમાર પાસે ત્રણેય વ્યક્તિએ રૂપિયાની જબરજસ્તી ઉઘરાણી કરી હતી. અને જણાવ્યું હતું કે, જો રૂપિયા નહીં આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં અપહરણકારોએ પતિ અને પત્નીને મુક્ત કર્યાં હતા. અને દંપતી રીક્ષામાં હેમખેમ પરત ફર્યું હતું. દરમિયાન વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા નિલેશ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગના ભરવાડ, વિરાજ પુરોહિત અને અજય ભરવાડ વિરૃદ્ધ અપહરણ, ખંડણી, વ્યાજખોરી અને ધાક-ધમકી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud