• માળી મહોલ્લામાં દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી
  • દૂષિત પાણીના કારણે બાળકો સહિત 20 ઉપરાંત લોકો ઝાડા, ઉલટી, તાવ સહિત બિમારીમાં પટકાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો
  • વોર્ડમાં આજે રજુઆત કરવા જતા અધિકારી ન મળતા ટોળાએ કમ્પ્યુટર, ટેબલ, ખુરશી સહિત ફર્નિચરની તોડફોડ કરી રોષ ઠાલવ્યો
  • સમગ્ર મામલે પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો

Watchgujarat. શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8 ની કચેરીમાં કચેરીની સામે આવેલ માળી મહોલ્લાના લોકોએ તોડફોડ કરી હતી. દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધતા લોકો  માં રોષે ભરાયા હતા. અને  આજે સવારે વોર્ડ કચેરીમાં ધસી જઇ કચેરી બાનમાં લીધી. આ બનાવની જાણ પોલીસને પોલીસ પહોંચી જઇ મામલે થાળે પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, નાગરવાડા વિસ્તારમાં વહીવટી વોર્ડ નંબર 8ની કચેરીની  બરોબર સામે માળી મહોલ્લો આવેલો છે. આ મહોલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હતું. સ્થાનિકોએ અનેક વખત દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો ન હતો. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા દૂષિત પાણીના કારણે બાળકો સહિત 20 ઉપરાંત લોકો ઝાડા, ઉલટી, તાવ સહિત બિમારીમાં પટકાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. તે સાથે તંત્રમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો.

સ્થાનિકના મતે ઝાડા ઉલટી થવાના કારણે એક મહિલાનું મોત થતાં ગભરાયેલા લોકો સવારે વોર્ડ કચેરીમાં વોર્ડ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ, અધિકારી ન મળતા ટોળાએ કમ્પ્યુટર, ટેબલ, ખુરશી સહિત ફર્નિચરની તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો.

રોષે ભરાયેલા લોકો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કચેરી દ્વારા પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો કચેરી ખાતે પહોંચી ગયો હતો. અને મામલો થાળે પાડ્યો હતો. કચેરી બહાર ટોળે વળેલા લોકોથી માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

બીજી બાજુ અનેક વખત રજૂઆત કર્યા પછી પણ દુષિત પાણીનો પ્રશ્ન હલ ન કરનાર તંત્ર તોડફોડ બાદ માળી મહોલ્લામાં પાણીની ટેન્કરો મોકલવાનું શરૂ કરી દીધું હતું. તે સાથે ઘરે ઘરે જઇ પાણીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત આરોગ્ય ટીમને પણ ઘરે ઘરે જઇ સારવાર કરવા સુચના આપી હતી.

સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દુષિત પાણી પીવાના કારણે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. અને 20 ઉપરાંત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા માળી મહોલ્લામાં દુષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં લોકોને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનો વખત આવ્યો છે.

આ અંગે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શૈલેષ નાયકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી દુષિત પાણીનો પ્રશ્ન સર્જાયો છે. એકાએક ઝાડા ઉલટીથી કોઇનું મોત થાય નહીં. છતાં, તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે. તે સાથે માળી મહોલ્લાનો દુષિત પાણીનો પ્રશ્ન યુધ્ધના ધોરણે કરવામાં આવશે.

માળી મહોલ્લાના લોકોએ વોર્ડ કચેરીમાં તોડફોડ કર્યા બાદ પાણીની ટેન્કર મોકલવામાં આવતા લોકોએ ઘરના કામ પડતાં મૂકી પાણી ભરવા માટે કતારો લગાવી હતી. દુષિત પાણી પ્રશ્ને માળી મહોલ્લાના લોકોએ વોર્ડ કચેરીમાં મચાવેલા હોબાળાએ ભારે ચકચાર જગાવી મુકી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud