• સ્વીટી પટેલ ગુમ થતા તેને ઓસ્ટ્રેલીયા રહેતા પુત્રએ ફેસબુક ‘Justice for my mom’ પર નામનું પેજ શરૂ કર્યું
  • અજય દેસાઇ અને તેના સાગરીતની સ્વીટી પટેલ હત્યા મામલે ધરપકડ બાદ ઇમોશનલ સોશિયલ મીડિયા પોસ્ટ મુકી
  • સોશિયલ મીડિયા પોસ્ટમાં મીડિયા અને ગુજરાત પોલીસનો આભાર પ્રગટ કર્યો

WatchGujarat. સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં તેનો પતિ PI અજય દેસાઈ જ હત્યારો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. એકસાથે બે-બે લગ્ન કરી બે મહિલાઓની જિંદગી ખરાબ કરનારા અજય દેસાઈને કડકથી કડક સજા મળે તેવી તેના પરિવારજનોની માંગ છે. ત્યારે સ્વીટીના ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરા રિધમે પણ પોતાની માતાના હત્યારાને કડક સજા મળે તે માટે સોશિયલ મીડિયામાં એક હ્રદય દ્રાવક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારી મમ્માને આવી અમાનવીય મોત આપવાવાળાને, અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માતાથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે.

રિધમે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું

ઓસ્ટ્રેલિયામાં રહેતા રિધમે ફેસબુક પર ‘Justice for my mom’ નામના પેજ પર ગતરોજ એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી અમે સંપર્કમાં નહોતા પણ અમે માનસિક રીતે તૈયાર નહોતા અને અમને થોડી પ્રાઈવસીની જરૂર હતી. જે લોકોએ અમને અત્યાર સુધી સાથ આપ્યો છે અને અમારા અવાજને સાચા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે એ લોકોને અમારા દિલથી નમન. મીડિયાનો ફાળો પણ ખૂબ મોટો રહ્યો છે. અમે ગુજરાત પોલીસ અને ભારતની કાનૂન વ્યવસ્થાના પણ ખુબ આભારી છીએ.

‘2 વર્ષના નિર્દોષ ભાઈને માતાથી અલગ કરનારને કડક સજા મળે’

રિધમ આગળ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખે છે, આપ સૌએ સચ્ચાઈ શોધવામાં અમારી ખુબજ મદદ કરી છે. હવે એનાથી મોટી મદદની જરૂર છે. મારી મમ્માને આવી અમાનવીય મોત આપવાવાળાને, અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માતાથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરી જ રહી છે, તેમ છતાં આપ સૌનો સાથ જોઈશે.

અજય દેસાઈની મિલકતોની તપાસ કરવા સ્વીટીના ભાઈની માંગ

બીજી તરફ સ્વીટી પટેલ કેસના આરોપી અજય દેસાઇની આવક તથા મિલકતો તથા કિરીટસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબી સમક્ષ માગ કરી છે. જયદીપે DGPને લખેલા પત્રમાં રજૂઆત કરી કે, અજયે પહેલા લગ્ન સ્વીટી સાથે કર્યા બાદ બીજા લગ્ન પૂજા સાથે કર્યા એ ગેરકાયદે છે. સ્વીટીનો પુત્ર હાલ પૂજા પાસે છે. પહેલા લગ્ન કરેલા હોવા છતાં બીજા લગ્ન કરવા એ ગુનો બને છે. તેમના ભાણિયાનું ચોક્કસ ધ્યાન રખાતું નથી, તેમને બાળકનો કબજો સોંપવો જોઇએ.

અત્રે ઉલ્લેખીય છે કે, સમગ્ર મામલે અજય દેસાઇ આરોપી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સ્વીટી પટેલને ન્યાય અપાવવા માટે તેના પુત્ર રિધમે ઓસ્ટ્રેલીયાથી ડિજીયલ અભિયાન શરૂ કર્યું છે. અને તેણે છેલ્લી પોસ્ટમાં આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ સ્વીટી પટેલને ભાઇએ અજય દેસાઇ વિરૂદ્ધ એસીબી અને તેના લગ્ન મામલે તપાસ કરવા માટે ચીઠ્ઠી લખીને માંગ કરી હતી. સમગ્ર ઘટના ક્રમ જોતા આવનારા દિવસોમાં અજય દેસાઈની મુશ્કેલીઓ વધી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud