• ડો. અરવિંદલાલ ટેલર વાઘોડિયામાં રહે છે. અને બોડેલીમાં ડેન્ટીસ્ટ કરીકે પ્રેક્ટીસ કરે છે
  • તબિબ 6 ઓગષ્ટના સવારે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પુત્ર રોહનકુમાર સાથે બોડેલી ખાતે ગયા હતા
  • તબિબના પરિજને ઘરમાં ચોરી થયાની જાણ કરી

WatchGujarat. શહેર પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી  રહેલા તસ્કરોએ વાઘોડિયા રોડ ઉપર પ્રણવ બંગલોમાં રહેતા ડોક્ટર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂપિયા 5.50 લાખ મળી કુલ્લે રૂપિયા 7.38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને પગલે પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે.

બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના વાઘોડિયા રોડ ઉપર સી-15 પ્રણવ બંગલોઝમાં 70 વર્ષિય ડો. અરવિંદલાલ ડાહ્યાલાલ ટેલર પરિવાર સાથે રહે છે. તેઓ બોડેલી ખાતે ડેન્ટીસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે. તા.6 ઓગષ્ટના સવારે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પુત્ર રોહનકુમાર સાથે બોડેલી ખાતે ગયા હતા. જ્યાંથી રોહન સુરત ગયો હતો. ડોક્ટરનું બીજુ મકાન બોડેલીમાં પણ હોવાથી તેઓ બોડેલીમાં રોકાઇ ગયા હતા.

દરમિયાન ડો. અરવિંદલાલ ટેલરને તેના ભત્રીજા મુકેશ ટેલરે (રહે – બી-25, પ્રણવ બંગલોઝ, વાઘોડિયા રોડ) ફોન કરીને જણાવ્યું કે, તમારા મકાનના તાળા તૂટેલા છે. ઘરમાં ચોરી થઇ હોવાનું જણાઇ છે. ભત્રીજાએ ડોક્ટરને ઘરમાં ચોરી અંગેનો મેસેજ આપતાજ તેઓ વડોદરા દોડી આવ્યા હતા. ઘરમાં આવીને જોતા મકાન સ્થિત તિજોરીઓની અંદરનો સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરે ઘરમાં વધુ તપાસ કરતા તસ્કરો મકાનની તિજોરીમાંથી રોકડ રૂપિયા 5.50 લાખ ઉપરાંત સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હોવાનું જણાતા તુરંત જ  તેઓએ બાપોદ પોલીસને જાણ કરતા પી.આઇ. જિગ્નેશ પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

ડો. અરવિંદકુમાર ટેલરે બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તસ્કરો મકાન સ્થિત તિજોરીમાંથી રોકડ રૂપિયા 5.50 લાખ તેમજ બેડરૂમમાં મુકેલા લોખંડના લોકરનું તાળું તોડી ડોક્ટરની પત્ની કૈલાશબહેનનો 3 તોલાનો સેટ, 3 તોલા સોનાના પાટલાની 1 જોડ, અડધા તોલાની સોનાની 1 વીંટી, દોઢ તોલાનું સોનાનું ડોકીયું, પુત્ર રોહનકુમારની અડધા તોલાની સોનાની લકી, પુત્ર વધૂ કિંજલબહેનનો સોનાનો હિરા જડીત 3 તોલાનો સેટ,  દોઢ તોલાનું સોનાનું મંગળ સુત્ર, બે તોલાનું સોનાનું હાથનું પહોંચ્યું, અડધા તોલોની સોનાની 1 જોડ બુટ્ટી, અને 150 ગ્રામના ચાંદીના છડા મળી કુલ્લે રૂપિયા 7.38 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

બાપોદ ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તે સાથે  પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. ડેન્ટીસ્ટ અરવિંદકુમાર ટેલરના મકાનમાંથી રૂપિયા 7.38 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થતાં પ્રણવ બંગલોઝ સહિત વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો બીજી બાજુ શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોએ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં અછોડા તુટવાની ઘટના સામે આવી હતી. અને ઘટનાના બીજા જ દિવસે ડોક્ટરના ઘરમાં તસ્કરોએ લાખો રૂ. ની ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. એક પછી એક ચોરીની ઘટના સામે આવતા વડોદરામાં જાણે ચોરોને ખુલ્લુ મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud