• વડોદરા વેક્સિન ગ્રાઉન્ડમાં ગત તા. 29 ઓકટોબરના રોજ 18 વર્ષીય યુવતિ પર બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.
  • બળાત્કરાનો ભોગ બનેલી પીડિતાનો ગત તા. 3 નવેમ્બરની મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન સ્થિત ગુજરાત ક્વિન ટ્રેનમાંથી ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી.
  • પીડિતા સાથે બનેલી ઘટના તેને જ લખેલી રાઝદાર ડાયરીએ ખોલી
  • ગેંગ રેપ કરનાર નરાધમો સુધી પહોંચવા પોલીસની 25 જેટલી ટીમો કામે લાગી પણ કંઇ હાથ ન લાગ્યું
  • આખરે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી રેલવે એસ.પી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિત 6 અધિકારીઓના સુપરવિઝન હેઠળ ચાલશે તપાસ

WatchGujarat. રાજ્ય ભરમાં ચકચાર મચાવી રહેલા વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ ગેંગ રેપની ઘટનામાં પોલીસની અસંખ્ય ટીમો દિવસ રાત કામે લાગી છે. પરંતુ નરાધમો સુધી પહોંચવા માટે પોલીસને કોઇ કળી મળતી નથી, છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી પોલીસ તપાસમાં જાણે સંસ્થા તરફથી પુરતો સહકાર ન મળતો હોવાની ચર્ચા છે. જેથી તપાસ ઠેરની ઠેર રહીં છે. તેવામાં બે નરાધમો સુધી પહોંચવા માટે હવે સ્પેશ્યલ ઇન્વેસટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જેમાં સિનીયર પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તપાસનો દોર ચાલશે.

ગત તા. 29 ઓકટોબરના રોજ મૂળ નવસારીની અને વડોદરા રહેતી યુવતિ પર વેક્સિન ગ્રાઉન્ડમાં ખૂબ જ બેરહેમીપૂર્વક બે નરાધમો દ્વારા ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. જે બાદ પીડિતાએ તેની સાથે બનેલી આ સમગ્ર ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ગત તા. 3 નવેમ્બરની મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પહોંચેલી ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડી-12 કોચમાંથી પીડિતાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે તપાસ કરતા પીડિતાના થેલામાંથી એક ડાયરીમાં મળી આવી હતી. જે ડાયરીએ સમગ્ર ઘટનાનો રાઝ ખોલી દેતા આપઘાતની ઘટના પહેલા તેની સાથે ગેંગ રેપ થયો હોવાનુ ખુલ્યું હતુ.

આ બાદ રેલવે પોલીસની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ ચકચારી કેસની તપાસમાં જોડાઇ હતી. પોલીસની 25થી વધુ ટીમો દ્વારા 500થી વધારે સીસીટીવી કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, અસંખ્ય રિક્ષા ડ્રાઇવરોની પુછતાછ હાથ ધરી હતી. પરંતુ નરાધમોની કોઇ કળી પોલીસને સાપડી ન હતી.

જેથી હવે આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 6 સિનીયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશ્યલ ઇનવેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જેમાં સી.આઇ.ડી ક્રાઇમ આઇ.જી સુભાષ ત્રિવેદી જનરલ સુપરવિઝન હેઠળ વડોદરા રેલવે એસ.પી  પરિક્ષીતા રાઠોડ (સુપરવિઝન અધિકારી), વડોદરા ડી.સી.પી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા (સુપરવિઝન અધિકારી), વડોદરા રેલવે ડી.વાય.એસ.પી બી.એસ જાદવ (તપાસ અધિકારી), વડોદરા રેલવે પી.આઇ એસ.બી જાડેજા, સુરત રેલવે પી.આઇ કે.એમ ચૌધરી તથા વલસાડ રેલવે પોલીસના પી.એસ.આઇ જે.બી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud