• 150થી વધુ મકાનોના રહીશોએ ભેગા મળીને માટલા ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો
  • પાલિકામાં સમાવેશ થયા પછી પણ પાણી ન મળતા ટેન્કરથી પાણી મંગાવવુ પડે છે
  • પાલિકાના પાણી સહિતના વેરા બિલો ભરીએ છીએ, તેમ છતાં પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પાણીની સુવિધા પુરી પાડવામાં આવી નહીં

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઇને પ્રજામાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી બંગલોઝના રહીશોએ પાણીની સમસ્યાને લઇને માટલા ફોડીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

શહેરના વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી બંગલોઝના રહીશોને પાલિકા દ્વારા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી. સોસાયટીના રહીશોને હાલની તકે પણ ટેન્કરથી પાણી મંગાવવુ પડે છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બંગલોઝના રહીશોએ આજે ભેગા થઇને પાલિકા સામે વિરોધ કર્યો હતો અને સોસાયટીના ગેટ સામે માટલા ફોડી પાલિકા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તક્ષ ગેલેક્સી બંગ્લોઝના 150થી વધુ મકાનોના રહીશોએ ભેગા મળીને પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

વાઘોડિયા ચોકડી પાસે આવેલી તક્ષ ગેલેક્સી બંગલોઝના પ્રમુખ કિશોરભાઇએ જણાવ્યું હતું કે, વોર્ડ નં-5માં અમારી સોસાયટી આવેલી છે. વર્ષ-2019માં અમારી સોસાયટીનો પાલિકામાં સમાવેશ થઈ ગયો હતો અને ત્યાર બાદ અમે પાલિકાના પાણી સહિતના વેરા બિલો ભરીએ છીએ, તેમ છતાં પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પાણીની સુવિધા પુરી પાડવામાં આવ્યું નથી. અમે વુડા અને પાલિકા બંનેમાં ટેક્સ ભર્યો છે.

અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને તેઓએ અમને સમસ્યાનું સમાધાન થઈ જશે, તેવી બાંહેધારી આપી હતી, જોકે, 4 મહિનાનો સમય વિતી ગયો છે અને ચૂંટણી આવી ગઈ હોવા છતાં અમારી પાણીની સમસ્યાનું સમાધાન થયું નથી, જેથી અમે આજે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અમારી માંગણી છે કે, જલ્દીમાં જલ્દી અમારી પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં આવે, નહીં તો અમે મતદાન નહીં કરીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud