• 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન શહેરી અને ગ્રામીણ મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સમાન બની રહી છે.
  • શહેર અને જિલ્લાના 8 તાલુકાઓમાં 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન ત્રણ વાનો દ્વારા અહર્નિશ સેવાઓ આપી રહી છે.

WatchGujarat રાજય સરકારે મહિલાઓની સુરક્ષાના સંકલ્પને સાકાર કરવા અનેકવિધ વ્યવસ્થાઓ કરી છે. જેમાં 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન શહેરી અને ગ્રામીણ મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સમાન બની રહી છે. રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગૃહ વિભાગ અને રાજ્ય મહિલા આયોગના આ સહયોગી અભિગમનું સંચાલન 2013 થી કરવામાં આવી રહ્યું છે અને જીવીકે ઇ.એમ.આર.આઇ.ના નેજા હેઠળ અતિ આધુનિક ઇમરજન્સી કોલ સેન્ટર દ્વારા તેની સેવાઓનું સંકલિત સંચાલન કરવામાં આવી રહ્યું છે અને પીડિત અને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને સુરક્ષા ઉપલબ્ધ કરાવી આ સેવા સાચી સહેલી સમાન બની રહી છે. કૉવિડની કટોકટી વચ્ચે પણ આ સેવાની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો અને ક્ષેત્રીય ટીમો મહિલા સુરક્ષા માટે સતત કાર્યરત રહીને જાગૃત કર્મયોગ નો દાખલો બેસાડ્યો છે.

વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકાઓમાં 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન ત્રણ વાનો દ્વારા અહર્નિશ સેવાઓ આપી રહી છે. 2020ના અઘરાં કૉવિડ વર્ષમાં વડોદરા અભયમે મહિલા સુરક્ષાની સતર્ક અને સશક્ત કામગીરી બજાવતાં 181 ને આધારે મળેલા 5974 જેટલા કોલ હેઠળ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને જરૂરી મદદની સાથે હૂંફ અને સધિયારો પૂરો પાડ્યો હતો. મોટેભાગે ઘરેલુ હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, સોશિયલ મીડીયાના માધ્યમથી હેરાનગતિ, છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં પીડિત મહિલાઓને મદદની કામગીરી કૉવિડના જોખમથી ડર્યા વગર અવિરત કરવામાં આવી.

વર્ષ 2020માં લાંબા લોક ડાઉનની એક આડ અસરરૂપે ઘરેલુ હિંસા સામે બચાવ માટે મળતા કૉલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો એવી જાણકારી આપતાં વડોદરા અભયમના કો-ઓર્ડિનેટર ચંદ્રકાંત મકવાણાએ જણાવ્યું હતું કે, અમને મળતા કુલ કોલમાં સામાન્ય સંજોગોમાં ઘરેલુ હિંસા વિષયક કોલનું પ્રમાણ 24 થી 26 ટકા હોય છે, પરંતુ કૉવિડ કટોકટીમાં એ વધીને 42 થી 44 ટકા જેટલું થઈ જતાં અમારી કામગીરી વધી. પરંતુ આવા કોલની સામે જરૂરી મદદ પહોંચાડી, સમજાવટનો અભિગમ રાખી, કુટુંબ ભાવનાનું મહત્વ સમજાવી અમે મુસીબતમાં મુકાયેલી બહેનોને મદદરૂપ બની શક્યા.

કોવિડના ચેપનો ડર એવો ગહન અને વ્યાપક હતો કે નર્સિંગ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલી કોરોના વોરિયર બહેનોને હેરાનગતિનો અનુભવ થયો ત્યારે અમારી ટીમ એ સમજાવટ અને કાયદાના ડર નો વિનિયોગ કરી આવી બહેનોને પણ મદદ કરી. જો કે અભયમ સેવાની ટીમો ને તેમની સમર્પિત સેવાઓની ઈશ્વરે કદર કરી હોય એવી સુખદ અનુભૂતિ પણ થઈ. અમારી ટીમોના સદસ્યો ઈશ્વર કૃપાથી આ રોગથી મુક્ત રહ્યાં. અમે સમયાંતરે તમામ લોકોના ટેસ્ટ કરવા, સેફ્ટી કીટ અને સેનેતાઈઝર, માસ્ક વિગેરેનો સતત ઉપયોગ કરવો જેવા કૉવિડ પ્રોટોકોલનું સતત પાલન કર્યું જેનું ઘણું સારું પરિણામ મળ્યું છે.

2020ની કામગીરીની વિગતવાર જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, વર્ષ દરમિયાન ઘરેલું હિંસાના પ્રસંગો એ રક્ષણ મેળવવા મુશ્કેલીગ્રસ્ત બહેનોના કે તેમને મદદરૂપ થવાનો આશય રાખતા લોકોના 4109 કોલ મળ્યા જેમાં સમયસર યોગ્ય મદદ કરી, બહેનોને ઉગારવાની કામગીરી અમારી ટીમો એ કરી. 2014થી વાત કરીએ તો ઘરેલુ હિંસા વિષયક કુલ 21,907 કોલ્સ સામે અભયમ,વડોદરા એ મદદ પૂરી પાડી છે. વિગત વર્ષમાં પાડોશીઓ સાથે વિવાદ, ઝઘડામાં મદદ માંગતા કુલ 943 કોલ મળ્યા હતા જેમાં અમારી ટીમો એ સમજાવટ અને મધ્યસ્થીના અભિગમથી જરૂરી મદદ કરી હતી.

બાળ લગ્ન એ એક સામાજિક દૂષણ અને કાયદા હેઠળ અપરાધ છે.વડોદરા અભયમને ક્યાંક બાળ લગ્ન યોજાયાં હોય તો તે અટકાવવા માટે પણ કોલ મળે છે. 2020ના વર્ષમાં આવા 4 કોલ હેઠળ બાળ લગ્ન અટકાવવા, સંબંધિત પરિવારોને દૂષણની સમજ આપવાની સાથે, કાયદા હેઠળ આ અપરાધની સજા થી માહિતગાર કરી, બાળ લગ્નો અટકાવવામાં મદદ કરવામાં આવી છે. 2014 થી 2020 સુધીમાં આવા 39 કોલમાં અભયમે બાળ લગ્નો અટકાવવા જરૂરી સકારાત્મક દખલ કરી છે. તેવી જ રીતે, શરાબખોરી, નશાખોરી અને અન્ય અસરો હેઠળ હિંસા અને હેરાનગતિની ફરિયાદોના મળેલા 730 કોલમાં જરૂરી મદદ અને સુરક્ષા પૂરી પાડી હતી.

ટેલીફોનિકની સાથે સોશીયલ મીડિયાના વિવિધ આયામો દ્વારા બહેનોની હેરાનગતિ સામે રક્ષણ મેળવવા ૨૦૨૦માં અભયમ, વડોદરાને 188 કોલ મળ્યા જેમાં પણ જરૂરી મદદની નિષ્ઠાસભર કામગીરી ટીમો દ્વારા કરવામાં આવી હતી. આમ, 181 અભ્યમ હેલ્પ લાઇન, વડોદરાએ 2020માં કૉવિડ કટોકટી વચ્ચે પણ સતત ફરજો બજાવી મહિલા સુરક્ષાનું કર્તવ્ય સુપેરે નિભાવ્યું છે. હાલમાં આ સેવાના 3 રેસ્ક્યુ વાહનો અને ટીમો શહેરના બાપોદ અને મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ તેમજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે ખડે પગે રહીને મુશ્કેલીમાં મુકાયેલી,પીડિત બહેનો ને મદદરૂપ થવાનું કામ સાતેય દિવસ અને ચોવીસે કલાક સતત કરે છે. 181 પર કોલ કરીને પીડિત બહેનો તેની મદદ મેળવી શકે છે અને તમે પણ આ નંબર પર કોલ કરી સંકટગ્રસ્ત સ્ત્રીઓને મદદરૂપ બનવાનો નાગરિક ધર્મ અદા કરી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud