• હોમગાર્ડ જવાને કાર ચાલક મહિલાને રોકતા કાર ઉભી રાખી ન હતી
  • શહેરમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટ થવાના બનાવો સતત વધી રહ્યા છે.

WatchGujarat ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન માસ્ક નહિ પહેરનાર મહિલા કાર ચાલકે દંડ ભરપાઈ બાબતે પોલીસ સાથે તુતુ મેમે કરી હતી. મહિલા કાર ચાલકે મહિલા PSIને હું તને સસ્પેન્ડ કરાવી દઈશ હું કાયદેસર ટેક્સ ભરું છું, તેમાંથી તમારો પગાર થાય છે તેવી ધમકી આપતા ગોત્રી પોલીસે મહિલાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે શહેરમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટ થવાના બનાવો સતત વધી રહ્યા છે.

શહેરના ગોત્રી વિસ્તારના ઘડિયાળ સર્કલ પાસે પોલીસ દ્વારા માસ્ક ચેકિંગની કામગીરી કરવામાં આવી રહીં હતી, ત્યારે નિલાંબર સર્કલ તરફથી કાર ઘસી આવી હતી, જે કાર એક મહિલા ચલાવતી હતી. જો કે મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી કારને હોમગાર્ડના જવાનોએ ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, મહિલાએ કાર ઉભી રાખી ન હતી, ત્યારબાદ થોડા અંતરે આવેલા અન્ય હોમગાર્ડ જવાનોએ કારને રોકતા મહિલાએ કાર રોકી હતી.

હોમગાર્ડનો જવાન કાર ચાલક મહિલાને ફરજ પર હાજર PSI કે.એચ. ઝનકાત સમક્ષ લઇ ગયા હતા. ત્યારે કારચાલક મહિલાએ પોતાનું નામ એશ્વર્યા મૂર્તિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે માસ્ક કેમ નથી પહેર્યું અને તે બાબતે દંડ ભરવાનું કહેતા મહિલાએ તમે બધા પોલીસવાળા લુંટ ચલાવો છો. અને કારમાંથી પોતાનો મોબાઇલ લાવી પોલીસ કામગીરીનું વિડીયો શુટીંગ કરીને મોટેથી બૂમો પાડી હતી કે, પોલીસ મારી પાસેથી 500 રૂપિયા માંગે છે અને મારો મોબાઇલ ફોન લઈ લીધો છે અને હેલ્પ હેલ્પની બુમો પાડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. દરમિયાન મહિલાએ સોશ્યિલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી “હું તને સસ્પેન્ડ કરાવી દઈશ હું કાયદેસર ટેક્સ ભરું છું, તેમાંથી તમારો પગાર થાય છે, તારી શું ઓકાત છે તને કોઈ હક નથી કે, તું મને આ રીતે રોકી શકે” તેવા આક્ષેપો કર્યા હતા.

બનાવના પગલે કાયદેસરની ફરજ બજાવવામાં રુકાવટ કરવાના અને પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવા બદલ ગોત્રી પોલીસે કાર ચાલક મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud