• એક અંદાજ પ્રમાણે તમાકુ જન્ય રોગો થી વિશ્વમાં વર્ષે 80 લાખ મોત થાય છે જે પૈકી 12 લાખ નિર્દોષ લોકો અન્ય દ્વારા ધૂમ્રપાનથી થતી અસરોથી મૃત્યુ પામે છે
  • ધૂમ્રપાન કરનારાઓમાં ગંભીર કોવિડ અને તેનાથી મરણ ની શક્યતા 50 ટકા વધી જાય છે
  • તમાકુ ન ખાનારાઓને પણ કેન્સર થાય છે પરંતુ તમાકુના સેવનને લીધે કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે

Watchgujarat. સયાજી હોસ્પિટલના કેન્સર સારવાર વિભાગમાં એક વિચિત્ર સત્ય સામે આવ્યું છે.તમાકુના સેવનને લીધે જેમને કેન્સર થયું હોય તેવા રોગીને લઈને આવેલા સ્વજનો આ સત્ય જાણવા છતાં છૂટથી તમાકુ ખાતા કે ધૂમ્રપાન કરતાં જોવા મળે છે. ડીનાયલ મોડ તરીકે ઓળખાતી આ મનોસ્થિતિ હેઠળ તેઓ એવું માનતા હોય છે કે એમને ભલે થયું અમને કશું ના થાય!

તમાકુના વિવિધ પ્રકારે સેવનથી વિવિધ પ્રકારના કેન્સર ઉપરાંત દમ, ટીબી, ધૂમ્રપાનથી રક્ત નલિકાઓ સંકોચાવાથી હૃદય રોગ, મગજના રોગો થવાની સંભાવનાઓ જોતાં તમાકુનું સેવન એ જીવલેણ આદત છે એવું કહેવામાં કશું જ ખોટું નથી.

તમાકુની આરોગ્ય પરની આ માઠી અસરોને અનુલક્ષીને યુનો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોમાં 1987 થી 31 મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. જેનો આશય તમાકુ સેવનની સીધી અને આડકતરી ખરાબ અસરો સામે લોકોને સાવધ કરવાનો છે. આ દિવસે જીવલેણ તમાકુ થી દુર રહેવાનો લોકોને સંદેશ આપવામાં આવે છે.

કોરોના કટોકટી અને તમાકુ સેવનની આડઅસરોને જોડતા સયાજી હોસ્પિટલના રેડીએસન ઓનકોલોજી વિભાગના વડા ડો.અનિલ ગોયલ જણાવે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને ગંભીર કોવિડ અને તેનાથી મૃત્યુ ની સંભાવના 50 ટકા વધી જાય છે કારણકે ધૂમ્રપાનને લીધે આવા લોકોના ફેફસાં ઓલરેડી અસર પામેલાં હોય છે.તેઓ કહે છે કે અમારે ત્યાં કેન્સરની સારવાર લેવા આવનારની પહેલી પૂછપરછ તેમની તમાકુ સેવનની આદત અંગે કરવામાં આવે છે.

તેમના જણાવ્યા પ્રમાણે તમાકુ ખાવા કે ધૂમ્રપાન કરવાથી મોઢા,ગલોફા, તાળવા કે જડબા અને ગળાના કેન્સર ઉપરાંત શ્વાસ નળી,અન્ન નળી,સ્વરપેટી ના કેન્સર સીધે સીધા થાય છે.તે ઉપરાંત પિત્તાશય, મહિલાઓમાં ગર્ભાશય,સર્વિક્સ, પેશાબની કોથળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.ગુટખા રૂપે કે અન્ય રૂપે ચાવીને,છીંકણીના રૂપમાં તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા લગભગ પુરુષો જેટલી જ છે.તમાકુના ઘાતક તત્વો શરીરમાં શોષાઈને લગભગ તમામ અંગોને, અરે! ન્યુક્લિયસ અને ડી.એન.એ.ને પણ દૂષિત કરે છે.

ડો.અનિલ જણાવે છે કે, કેન્સર એક એવો રોગ છે જે વિવિધ કારણોથી થાય છે.માત્ર તમાકુના સેવનથી કેન્સર થાય છે એવું નથી. પરંતુ તમાકુના સેવન ને લીધે કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે.એટલે કે આવા લોકોમાં કેન્સરનું રિલેટિવ રિસ્ક વધુ જણાયું છે.

તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે અમારા વિભાગમાં કેન્સરના અંદાજે 350 જેટલા કેસો આવ્યા જે પૈકી લગભગ 300 કેસોમાં તમાકુ જવાબદાર જણાયું. ગર્ભાશયના કેન્સરના લગભગ 40 કેસોમાંથી 30 માં અને ફેફસાના કેન્સરના અંદાજે 50 માંથી 40 કેસોમાં તમાકુનો પ્રભાવ કારણભૂત જણાયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આ વિભાગમાં આવનારા દર્દીઓ અને તેમના પરિવારજનો નું તમાકુની ખરાબ અસરો અને તે છોડવાની જરૂર અંગે કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એવું ધ્યાનમાં આવ્યું છે કે વડીલોની દેખાદેખી લગભગ 14 – 15 વર્ષની ઉંમર થી કિશોરો તમાકુ ખાવા કે પીવાની આદતે ચઢી જાય છે. તેઓને લાગે છે કે વડીલો સેવન કરે છે એટલે આપણે કરીએ.

તમાકુ નિષેધ દિવસનું આ વર્ષનું મુખ્ય સૂત્ર વિજેતા બનવા તમાકુ છોડો એવું છે. ખરેખર તમાકુ છોડીને ઘણાં લોકો જિંદગીના જંગમાં વિજેતા બની શકે છે. આમ,તમાકુ સેવન એ  માત્ર એક વ્યક્તિ નહિ પેઢીનું આરોગ્ય બગાડનાર આદત છે.તેનાથી અંતર પાળવામાં જ માનવજાત ની ભલાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud