• સ્થાનિકોએ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ભુસ્તર વિભાગમાં ફરિયાદ કરી હતી
  • કોરોનાકાળમાં તમામ વેપાર-ધંધા બંધ વચ્ચે ભુમાફિયાઓ બેલગામ

WatchGujarat. ઝઘડિયા તાલુકામાં આવેલાં ટોઠિદરા ગામે નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ખનનની પુન: ફરિયાદો ઉઠી છે. ત્યારે ભરૂચના ભુસ્તર વિભાગ દ્વારા તુરંત એક્શનમાં આવી સ્થળ પર પહોંચી રેતી ખનન કરતાં 5 મશીનો તેમજ 4 નાવડીઓ જપ્ત કરી હતી.

ઝઘડિયા તાલુકામાં આવેલાં ટોઠિદરા ગામે નર્મદા નદી કિનારે કેટલાક લીઝ સંચાલકો દ્વારા પોતાને ફાળવેલી લીઝમાંથી રેતી ખનન નહીં કરી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી રેતી ખનન તથા વહનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ભૂસ્તર વિભાગને માહિતી મળી હતી, ત્યારે ટોઠીદરા ગામની સરકારી પડતર જમીનમાં નર્મદા નદીના પટમાં વડોદરાના તથા ભરૂચ જિલ્લાના લીઝ હોલ્ડરના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે મશીનો તથા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં નાવડીઓ મૂકી ડીઝલ એન્જિન દ્વારા રેતી ખેંચવામાં આવતી હોવાનું ભરૂચ ભૂસ્તર વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને ગ્રામજનો દ્વારા ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી.

ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગામે પહોંચી હતી. ત્યારબાદ 5 રેતી ખનન અને ભરવા માટે વપરાતા મશીનો અને 4 જેટલી રેતી ખનન પ્રવૃત્તિમાં વપરાતી નાવડીઓ જપ્ત કરવામાં આવી હતી. જોકે, ભૂસ્તર વિભાગે જપ્ત કરેલ મશીનરી તથા નાવડી રાજપારડી પોલીસ મથકે લઈ જવા માટે ગ્રામજનોએ જણાવ્યું હતું. પરંતુ મોટી મશીનરી પાર્ક કરવા માટે જગ્યાની સુવિધા ન હોવાથી તમામ મુદ્દામાલ અને મશીનરીને સ્થળ પર સીલ કરવામાં આવી હતી.

ગેરકાયદે હશે તો નિયમાનુસાર દંડ થશે

સ્થાનિકોની ફરિયાદને પગલે તુરંત સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળેથી રેતી ખનન માટે વપરાતી મશીનો અને નાવડીઓ જપ્ત કરી છે. હાલમાં સ્થળની માપણીની કવાયત હાથ ધરાઇ છે. પરવાનગી કરતાં વધુ વિસ્તારમાંથી ખનન કરાયું હશે તો સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

લીઝધારકોએ અગાઉ પુલિયા બનાવી દીધાં હતાં

ટોઠિદરા ગામે નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનનો કારસો રચનારા લીઝધારકો દ્વારા અગાઉ પણ નર્મદા નદીનો પ્રવાહ અવરોધાય તે પ્રમાણે ટ્રક-ડમ્પરની અવર-જવર માટે ગેરકાયદે રીતે પુલિયા બનાવી દીધાં હતાં. તંત્ર દ્વારા જે-તે સમયે કાર્યવાહી કરાઇ હોવા છતાં લીઝધારકો દ્વારા પુન: ગેરકાયદે પ્રવૃત્તિ કરાઇ રહી છે.

GPSથી લીઝની માપણી કરાશે

ભરૂચ ખાણખનીજ વિભાગના અધિકારી કેયુર રાજપરાએ જણાવ્યું હતી કે, રેતી ખનન મુદ્દે કાર્યવાહી કરાઇ છે. જોકે, સંચાલકો પાસે લીઝની મંજૂરી હોઇ તેમની લીઝની માપણી કરવા માટે GPSથી સર્વે કરવામાં આવશે. રેતી ખનનનું સ્થળ ભરૂચ અને વડોદરાની બોર્ડર પર હોઇ જો સ્થળ વડોદરામાં આવતું હશે તો ત્યાંથી અહેવાલ મંગાવવામાં આવશે. GPSથી માપણી કર્યાં બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud