• ભરૂચ જિલ્લાના PHC, CHC અને સિવિલ હોસ્પિટલમાં વોરિયર્સનું બિરૂદ પરત આપતા કર્મીઓ
  • રાજ્ય સરકારની અન્યાયી અને ભેદભાવભરી નિતીઓના વિરોધમાં લીધેલા નિર્ણયની અમલવારી
  • ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ વિરોધનો આગળ વધતો કાર્યક્રમ

Watchgujarat. ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ગુરૂવારથી તેઓને અપાયેલું કોરોના વોરિયર્સનું બિરૂદ પરત આપી વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.

ભરૂચ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓએ તેઓના વોરિયર્સના બિરૂદ પરત કર્યા હતા. આરોગ્ય કર્મચારીઓની કોરોનાકાળમાં કામગીરીથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વોરિયર્સનું બિરૂદ આપી સમ્માનિત કર્યા હતા.

આરોગ્ય કર્મીઓના સમ્માનમાં ગુજરાતની જનતાએ થાળીઓ વગાડી હતી , મીણબત્તીઓ પેટાવી હતી. જેના કારણે આરોગ્ય કર્મીઓને લાગ્યું હતું કે કોરોનાનું સંકટ ટળી ગયા બાદ ગુજરાતની સંવેદનશીલ સરકાર પડતર માંગણીઓનું નિરાકરણ લાવી યોગ્ય રીતે પુરસ્કૃત કરશે. એજ આશામાં આરોગ્ય વિભાગના રાજ્યના તમામ કર્મચારીઓ છેલ્લા 15 મહિનાથી દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે.

આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની શોષણભરી નિતીઓ નાબુદ કરવી , આઉટસોર્સિગથી ફરજ બજાવતા વર્ગ 3- 4 ના કર્મચારીઓ તેમજ નેશનલ હેલ્થ મિશન ( NHM ) ના 11 માસ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા , વર્ગ 4 ની કાયમી ભરતી ફરી શરૂ કરવી , આશાવર્કર અને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો , અપહેવ-ફિમેલ હેલ્થ વર્કરને 2800 , સ્ટાફનર્સને 4200 , ફાર્માસિસ્ટને 4600 અને લેબ ટેક્નિશિયનને 4200 ગ્રેડ પે આપવો સહિતની આરોગ્ય કર્મીઓની પડતર માંગો છે.

સાથે જ ફરજ દરમિયાન કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓના પરિવારના એક સભ્યને કાયમી નોકરી, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર , બોનસ , એરિયર્સ , ડ્રેસ વોશિંગ એલાઉન્સ , ઇપીએફ , ઈએસઆઇસીના નાણાંમાં એજન્સીઓ દ્વારા ઉચાપતની તપાસ કરવા SIT રચના કરવામાં આવે.

જે 10 માગણીઓનું નિરાકરણ લાવી કામગીરીને સમ્માનિત કરી જુસ્સામાં વધારો કરવાની જગ્યાએ સરકાર દ્વારા પોલીસ કેસ કરવાની ધાકધમકીઓ આપી અસંવેદનશીલ વલણ દાખવી રહી છે તેવો આક્ષેપ ગુજરાત જનતા જાગૃત મંચે આરોગ્ય કર્મચારીઓ વતી કર્યો છે. સરકાર અમો પણ કોરોના વોરિયર્સ છીએ અને પણ જીવ હથેળી ઉપર રાખીને કામ કરી રહ્યા છીએ એ ભુલી અમારી સાથે ભેદભાવ કરી રહી હોય લાગણીઓને ખુબજ ઠેસ પહોંચી હોવાનો સુર વ્યક્ત કરાયો છે.

કોરોના વોરિયર્સનું બિરૂદ માત્ર ખુશ કરવા અને ગુજરાતની સાડા છ કરોડ જનતાને ગેરમાર્ગે દોરવા જ આપવામાં આવ્યું હોવાનું પ્રતિત થતાં ફક્ત નામ પુરતું આપેલ કોરોના વોરિયર્સનું ભારેખમ બિરૂદ 20 મે થી પરત કરવાનું શરૂ કર્યું છે. આજ પછી અગાઉની જેમ જ આરોગ્ય કર્મચારીઓને પણ સામાન્ય કર્મચારી જ ગણવા નમ્ર વિનંતી સાથે કોરોના વોરિયર્સનું બિરૂદ પાછું આપવાનું અભિયાન શરૂ કરાયું છે. જે હેઠળ મુખ્યમંત્રી CM વિજય રૂપાણીને પણ RPAD થી કોરોના વોરિયર્સના બિરૂદ પરત ભરૂચ જિલ્લા સહિત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ મોકલી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud