• મિશન 76 લઇને ચાલતા શહેરના ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ અને ટોળકીએ સ્થાનિકોની ધરાર અવગણના કરીને માલેતુજારોને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો
  • અમારા વિસ્તારમાં પાયાના કાર્યકરને પણ જો ટીકીટ આપવામાં આવી હોત તો તેનો કોઇ વાંધો નહિ ઉઠાવતા – રાજુ ઠક્કર
  • પારિવારિક સંબંધ ધરાવતા ધારાસભ્યની સમજાવટ બાદ પણ અપક્ષ તરીકે ચુંટણી લડવો મક્કમ

WatchGujarat. વડોદરા મહાનગર સેવાસદનની તમામ બેઠકો પર જીત મેળવવાના દિવા સ્વપ્ન સેવતાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ સહિતના મોવડીઓ દ્વારા ભારે મસક્કત કરીને એવાં ઉમેદવારો પસંદ કર્યા છે. જેની સામે શહેરના તમામ વોર્ડના સ્થાનિક કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો છે. “મિશન 76″નું સૂરસૂરીયું થશે તેવી ચર્ચા ભાજપી કાર્યકરોમાં જ ઉઠવા પામી છે. ત્યારે મોવડીઓની મનમાનીથી નારાજ ભાજપી કાર્યકરો દ્વારા પક્ષની સામે જ બાંયો ચડાવવામાં આવી છે. વોર્ડ નં. 12માં છેલ્લાં 20 વર્ષોથી સક્રિય એવાં ભાજપી કાર્યકર રાજુભાઈ ઠક્કરે પક્ષમાં થયેલી અવગણના સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પોતાના વિસ્તારમાં સ્કાયલેબ ઉમેદવારથી નારાજ રાજુભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી મોટી લીડ સાથે વિજેતા બનવાનો દાવો કર્યો છે.

રાજુભાઇ ઠક્કરે watchgujarat.com સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. અને પાર્ટી સાથે રહીને લોક સેવાના કાર્યો કરતો આવ્યો છું. હાલ હું શિક્ષણ સમિતીનો સભ્ય છું. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મેં પણ દાવેદરી કરી હતી. પાર્ટી દ્વારા મને ટીકીટ આપી ન હતી. તેનો કોઇ વાંધો નથી. પરંતુ ભાજપા દ્વારા વિસ્તારમાં જેમને 90 ટકા લોકો ઓળખતા નથી તેમને ટીકીટ આપી છે. તે વાત નો વિરોધ છે.

અમારા વિસ્તારમાં પાયાના કાર્યકરને પણ જો ટીકીટ આપવામાં આવી હોત તો તેનો કોઇ વાંધો નહિ ઉઠાવતા. સ્થાનિક લોકોની સેવા થકી પાર્ટીના પાયાના કાર્યકરને પણ વિસ્તારમાં જંગી બહુમતિથી જીત અપાવવા માટે અમે સક્ષમ છીએ. પરંતુ જે લોકોને પાર્ટીએ ટીકીટ આપી તેઓ સ્કાય લેબ બનીને ખાબક્યા છે. જેને ટીકીટ આપવામાં આવી તેઓ બિલ્ડરોના સગા થાય છે તેવું જાણવા મળ્યું છે. તેના વિરોધમાં મેં આજે મારા વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ગતરોજ વડોદરા જિલ્લાના એક ધારાસભ્ય જેમની સાથે મારા પારિવારીક સંબંધ છે તેઓ મને મળવા આવ્યા હતા. તેમણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અપક્ષ ચુંટણી લડવા માટે મેં મારી મક્કમતા અને તેની પાછળના કારણો ધારાસભ્ય સમક્ષ રજુ કર્યા હતા. અને ત્યાર બાદ આજે સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી કરી હતી.

હું મારા નિર્ણય પર અડગ છું. કોઇ પણ સંજોગોમાં ફોર્મ પાછુ નહિ ખેંચું. અને લોકો વચ્ચે જઇને ચુંટણી લડીશ. અટલું જ નહિ સમગ્ર વડોદરામાં સૌથી વધારે લીડથી જીત મને મળશે. તેવો મને ભરોષો છે. હું ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદીની વિચારધારાને વરેલો છું. અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા બાદ જો ભવિષ્યમં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવોનો મોકો મળશે તો હું જોડાઇ જઇશ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud