• રૂપાણી સરકારે કાર્યક્રમો નહીં યોજવા કરેલાં આદેશ, સી.આર. પાટીલ અને શહેર ભાજપે ફગાવી
  • “રૂપાણી V/S પાટીલ” શીતયુદ્ધના ભણકારાં વચ્ચે આજરોજ વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સી.આર. પાટીલની હાજરીને લઈ વહેતી થયેલી અનેક અટકળો
  • ભાજપાના કાર્યક્રમમાં નિયમમુજબ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં ઉડ્યાં

WatchGujarat. છેલ્લાં કેટલાંક સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે શીતયુદ્ધ શરૂ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં આજરોજ શહેર ભાજપા દ્વારા સરકારની જાહેરાતનું ઉલ્લંઘન કરી યોજાયેલાં કાર્યક્રમોમાં સી.આર. પાટીલ આવી પહોંચ્યા હતાં. વડોદરામાં સી.આર. પાટીલની હાજરીને પગલે રાજકીય મોરચે વિવિધ અટકળો વહેતી થઈ છે.

બંગાળમાં સભા સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે વડોદરામાં શિવજી કી સવારી કાઢી પોતાની મનમાની કરનાર મંત્રી યોગેશ પટેલ હોય… કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવું એ ભાજપાવાળાઓ માટે સત્તા પ્રાપ્ત કર્યાનો એક ભાગ સમાન છે. સામાન્ય જનતા એકતરફ કોરોનાના હાહાકારમાં હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે બીજી તરફ, ભાજપા દ્વારા યોજાતાં ઉદ્ઘાટન કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરાં ઉડાડવામાં આવે છે.
મુખ્યમંત્રી તો ઠીક, વડાપ્રધાને કીધું છે એ પણ નથી માનવું?

કોરોના મહામારીની ગંભીર સ્થિતિને પગલે રાજ્યની રૂપાણી સરકારે રાજકીય કાર્યક્રમો નહીં યોજવા આદેશ આપ્યો હતો. જોકે, આજે યોજાયેલા કાર્યક્રમો પરથી એમ કહી શકાય કે, શહેર ભાજપા અને સી.આર. પાટીલે રૂપાણી સરકારના આદેશો ફગાવી દીધાં હતાં. મુખ્યમંત્રી તો ઠીક હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પ્રજાજોગ સંબોધનમાં અપીલ કરે છે કે, ‘કામ વગર બહાર ના નિકળો’ શહેર ભાજપા અને સી.આર. પાટીલે વડાપ્રધાનની અપીલને પણ ગણકારી ના હોય એમ કહેવું ખોટું નહીં લેખાય. કારણકે, સી.આર. પાટીલ ના આવ્યા હોતો તો પણ, પ્લાઝ્મા ડોનેશન કેમ્પ યોજાત, નમો આઈસોલેશન સેન્ટર પણ શરૂ થઈ શકત. આજે યોજાયેલા કાર્યક્રમો શરૂ કરાવવા માટે સી.આર. પાટીલે ખાસ હાજર રહેવું પડે, તેની પાછળ કોઈ વિશિષ્ટ કારણ સ્પષ્ટ થતું નથી.

રેલ માર્ગે વડોદરા પહોંચેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજરોજ કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્ક મેદાનમાં યોજાયેલા પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. તેમજ ખોડિયારનગર ખાતેની શાનેન સ્કૂલમાં ભાજપા દ્વારા શરૂ કરાયેલાં સત્યમ પાર્ટી પ્લોટ, હરણી અને માય શાનેન સ્કુલ, વાઘોડિયા તથા વ્રજધામ મંદિર સંકુલ, માંજલપુર ખાતે આઇસોલેશન સેન્ટરના ઉદ્ધઘાટન કરવા સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપી હતી. સી.આર. પાટીલની સાથે મેયર કેયૂર રોકડીયા, સાંસદ રંજનબહેન ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ડૉ. વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના અગ્રણીઓ પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતાં.

કોરોના મહામારીમાં એક તરફ નાગરીકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે ત્યારે આવા કાર્યક્રમો યોજવામાં આવતાં ભાજપીઓમાં જ તેના પ્રત્યે અણગમો વ્યાપેલો જોવા મળે છે. કોરોના કાળમાં જનતાલક્ષી કાર્ય કરવામાં રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે ત્યારે સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આવાં કાર્યક્રમો યોજીને શહેર ભાજપા દ્વારા કોઈ અલગ જ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોય તેવી ચર્ચા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud