• ભરૂચના મસિહ દંપતી માટે સિવિલના મહિલા ગાયનેક અને સ્ટાફ સાબિત થયા મસિહા
  • હાઇપર બ્લડ પ્રેશરના કારણે 6.5 મહિનાના ટ્વીન્સનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું
  • ગાયનેક ડો. વિજયાલક્ષ્મી કાછેલા અને સ્ટાફે 24 કલાક સુધી સારવાર આપી બન્ને મૃત ટ્વીન્સની સફળ નોર્મલ ડિલિવરી કરાવી માતાને આપ્યું નવજીવન
  • પ્રસુતાનું BP 190 અને 110 રહેતા પ્રથમ પ્રેગ્નન્સીમાં જ ગર્ભમાં રહેલા બાળકો મૃત્યુ પામતા માતાના જીવને પણ જોખમ ઉભું થયું હતું
  • પાનોલીની સોલ્વે કંપનીમાં હાઉસ કિપિંગ વિભાગમાં કામ કરતા પતિ મુકેશ મસીહે સિવિલના મહિલા તબીબ અને સ્ટાફને મસીહા ગણી આભાર માન્યો

WatchGujarat. ઝારખંડના મસિહ દંપતી માટે ભરૂચ સિવિલના મહિલા ગાયનેક અને સ્ટાફ મસિહા સાબિત થયા છે. પત્નીની પહેલી પ્રસૂતિમાં 190 અને 110 હાઈબીપીના કારણે ગર્ભમાં રહેલા 6.5 મહિનાના 2 ટ્વીન્સ મૃત્યુ પામ્યા હતા. ગર્ભમાં જ 3 દિવસથી 2 જોડિયા મૃત બાળકોને લઈ ફરતી પ્રસૂતાની 24 કલાકની મહિલા તબીબની મહેનત બાદ નોર્મલ સફળ ડિલિવરી કરાવી માતાને નવજીવન પ્રદાન કરાયું હતું.

ઝારખંડથી રોજીરોટી માટે પેટયું રળવા આવેલા મસીહ દંપતી અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે સ્થાયી થયું હતું. પતિ મુકેશની નોકરી સોલ્વે કંપનીમાં હાઉસ કિપિંગ વિભાગમાં લાગી હતી. દંપતીનો ઘર સંસાર સુખમય ચાલી રહ્યો હતો ત્યારે પત્ની આરતીબેનને સારા દિવસો જતા ખુશીમાં અનેકગણો વધારો થયો હતો. પ્રથમ પ્રેગ્નન્સીને લઈ દંપતી ખુશખુશાલ હતું. દરમિયાન આરતીબેનને 6.5 મહિના થયા હતા.

જોકે તેઓનું બ્લડ પ્રેશર ઊંચું રહેવાથી સમસ્યા સર્જાય રહી હતી. સામાન્ય 120 અને 80 ના સ્થાને તેમને હાઈ બ્લડ પ્રેશર 190 અને 110 રહેતા પગે સોજા ચઢવા સહિત અન્ય શારીરિક તકલીફને લઈ 17 મે એ પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાં પતિ મુકેશભાઈ પત્ની આરતીબેનને ચેકઅપ કરાવવા લાવ્યા હતા.

સિવિલના ગાયનેક મહિલા તબીબ ડો. વિજયાલક્ષ્મી કાછેલાએ સગર્ભાની સ્થિતિ જોતા સોનોગ્રાફી કરાવી હતી. જેમાં ગર્ભમાં 6.5 મહિનાના જુડવા ટ્વીન્સ મૃત હોવાનું નિદાન થયું હતું. ગર્ભમાં 2 દિવસથી મૃત ટ્વીન્સના કારણે પ્રસૂતા ઉપર પણ જીવનું જોખમ વર્તાયું હતું. જેના કારણે ખેંચ આવવી, શરીરમાં ઝેર ફેલાતા મૃત્યુ સહિતનો માતાને ખતરો રહેલો હતો.

આવી સ્થિતિ માં ડો. વિજયા લક્ષ્મી અને તેમના સ્ટાફે તુરંત પ્રસૂતાને દાખલ કરી સારવાર શરૂ કરી દીધી હતી. જરૂરી ઇન્જેક્શનો, ગોળીઓ અને બોટલો ચઢાવી 24 કલાકમાં ગર્ભમાં રહેલા બન્ને જોડિયા ટ્વીન્સ મૃત બાળકોની સફળ નોર્મલ ડિલિવરી કરાવી માતાનો જીવ બચાવી લીધો હતો.

પતિ મુકેશભાઈએ ગદગત થઈ મહિલા ગાયનેક ડોકટર અને તેમની ટીમ સહિત સિવિલનો આભાર માની મસીહ પરિવાર અને તેમની પત્ની માટે સિવિલ હોસ્પિટલ મસીહા સાબિત થઈ હોવાનું  હર્ષ સાથે જણાવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ખર્ચવા છતાં પણ તેની પત્નીનો જીવ બચી શકત કે નહિ તે અંગે સવાલો હતા ત્યારે સિવિલમાં વિના મૂલ્યે તબીબ અને સ્ટાફે 24 કલાક સારવાર કરી પત્નીને નવજીવન બક્ષ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud