• કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન લાદી દીધું છે. અને બીજી તરફ વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે
  • કારેલીબાગ વિસ્તારમાં આવેલા વેક્સીન સેન્ટર પર બીજો ડોઝ લેવા માટે દંપત્તિ સવારથી ટોકનની લાઇનમાં ઉભા રહ્યા
  • ટોકન લીધાના 2 કલાક બાદ વેક્સીન લેવાનો નંબર આવતા સ્ટાફે ના પાડી દીધી
  • સોફટવેરમાં અપડેટ આવવાને કારણે હવે પ્રથમ વેક્સીન લીધાના 42 દિવસ બાદ બીજી વેક્સીન મળી રહેશે
  • વેક્સીન લેવા માટે લોકોને કોઇ SMS આવતા નથી, જાતે જ દિવસોની ગણતરી રાખવી પડે છે

WatchGujarat.  કોરોનાની રસી લેવા માટે હવે દિવસેને દિવસે વધુ અવ્યવસ્થા સામે આવી રહી છે. જેને લઇને વેક્સીનની રાહ જોઇને બેઠેલા લોકોએ સેન્ટરનો ફોગટ ફેરો થઇ રહ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક સેન્ટર પર વેક્સીન લેવા માટે ટોકન મેળવ્યા બાદ જ્યારે દંપત્તિ સ્થળ પર પહોંચ્યા તો સ્ટાફે સોફ્ટવેર સિસ્ટમમાં તમારૂ નામ નથી તેમ કહીને તેમને પાછા મોકલી આપ્યા હતા. આમ, વહીવટી તંત્રની અવ્યવસ્થાને કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો હતો. તેવા સમયે કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન લાદી દીધું છે. તો બીજી તરફ વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે. આંશિક લોકડાઉનને કારણે હવે વેપારીઓ સરકાર સામે આવાજ ઉઠાવી રહ્યા છે. અને વેક્સીનેશનની કામગીરી પણ અનેક વખત સવાલોના ઘેરમાં આવી ચુકી છે. હવે વધુ એક વખત વેક્સીનેશનમાં ઉપગોયી થનાર સોફ્ટવેર સિસ્ટમના દગાને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

ટોકન નંબર 100 પછીનો હોવાને કારણે ટોકન કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ બે કલાક બાદ આવવા જણાવ્યું

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કાર્યરત એક સેન્ટર પર વેક્સીન લેવાની ટોકન મેળવવા માટે માટે દંપત્તિ વહેલી સવારે 8 વાગ્યાથી જ લાઇનમાં ઉભું હતું. અડધો કલાક જેટલો સમય વિતી ગયા બાદ તેઓને ટોકન મળી હતી. દંપત્તિનો ટોકન નંબર 100 પછીનો હોવાને કારણે ટોકન કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ બે કલાક બાદ આવજો તમારો નંબર આવશે તેમ જણાવ્યું હતું.

વેક્સીનની ટોકન મેળવવા માટે હું સવારે 8 – 15 થી લાઇનમાં ઉભો હતો

સરકારી અવ્યવસ્થાનો ભોગ બનેલા મહેશભાઇએ watchgujartat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું, સેવાસી રહું છું. અને સ્કુલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. હાલ સ્કુલો બંધ હોવાથી કામકાજ નથી. મેં અને મારી પત્નીએ વેક્સીનનો પ્રથમ ડોઝ કારેલીબાગ સ્થિત સેન્ટર પરથી લીધો હતો. એટલે બીજો ડોઝ પણ લેવા પણ અમે અહિંયા જ આવ્યા હતા. આજે સવારે 8 – 15 વાગ્યાની આસપાસ હું અહિંયા આવ્યો ત્યારે ટોકનની લાઇનમાં ઉભો હતો. અડધો કલાક રાહ જોયા બાદ મારો નંબર આવ્યો અને મને ટોકન આપવામાં આવી. ટોકન 100 નંબર પછીની હોવાને કારણે અમને ત્યાર બાદનો નંબર મળ્યો હતો. ટોકન સેન્ટર પર બેઠેલા સ્ટાફે મને જણાવ્યું કે, બે કલાક પછી આવજો તમારો નંબર લાગશે

અમને જાણ થઇ હોત તો અમે મોડા જ વેક્સીન લેવા આવતા

હું અને મારી પત્ની બે કલાક શહેરમાં ફરીને વિતાવ્યા. જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે અમને વેક્સીન આપવાની ના પાડી દીધી હતી. અમે ચોંક્યા કે ટોકન લેતી વખતે વેક્સીન નહિ આપો તેવું તો કંઇ જણાવ્યું ન હતું. આટલી રાહ જોયા બાદ કેમ અચાનક ના પાડી. હાજર નર્સિંગ કર્મીએ જવાબ આપ્યો કે, તમે ટોકન લેવા આવ્યા ત્યારે ઓનલાઇન સોફ્ટવેર સિસ્ટમ ચાલુ ન હતી. જેને લઇને તમને ટોકન અપાઇ હતી. આજથી સોફ્ટવેર સિસ્ટમ અપડેટ થઇ છે. હવે વેક્સીનનો પહેલો ડોઝ લીધાના 45 દિવસ બાદ જ તમને બીજો ડોઝ આપવામાં આવશે. હવે સિસ્ટમ સામે તો કોનું ચાલે. મારી અને મારી પત્નીને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધાને 42 દિવસ થયા હતા. અમને જાણ થઇ હોત તો અમે મોડા જ વેક્સીન લેવા આવતા.

વેક્સીનનો ડોઝ લેવા માટે કોઇ SMS નથી આવતો, જાતે જ દિવસો ગણી રાખવા પડે છે

મહેશભાઇએ ઉમેર્યું હતું કે, વેક્સીન લેવા માટે અમને કોઇ SMS આવ્યો નથી. પહેલા ડોઝથી બીજા ડોઝ સુધી અને જાતે જ દિવસે ગણ્યા હતા. જો સમયસર SMS મળ્યા હોત તો અમારો ધક્કો બચી જાત. હવે 45 દિવસ પુર્ણ થયા બાદ ફરી વેક્સીન લેવા માટે ની ટોકલ લેવાની લાઇનમાં ઉભા રહીશું

સોફ્ટવેર સિસ્ટમ બદલાયા અંગેની નોટીસ મારવામાં આવશે

પાલિકાના સુત્રના જણાવ્યા પ્રમાણે, સોફ્ટવેર સિસ્ટમમાં આજે બદલાવ જોવા મળ્યો છે. વેક્સીનનો પ્રથમ ડોઝ લીધાના 45 દિવસ બાદ જ બીજો ડોઝ લઇ શકાશે. વાત લોકોના ધ્યાને આવે તે માટે વેક્સીનેશન સેન્ટર પર નોટીસ ચોંટાડવામાં આવશે. જો કે, આજે મહેશભાઇની જેમ અનેક લોકોએ પાલિકાની  અવ્યવસ્થાને કારણે હાલાકી ભોગવવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud