• દર્દીને જ્યારે વધુ ઓક્સિજનની જરૂર હોય ત્યારે બાયપેપના વચગાળાના વિકલ્પ તરીકે આ સિસ્ટમ ખૂબ ઉપયોગી
  • બેઇન સિસ્ટમના આધારે દર્દીઓમાં વેન્ટિલેટર ની જરૂર ટાળી શકાય છે – ડો. બેલીમ ઓ.બી.
  • દર્દીના શરીરમાં ઓકસીજન ના સિંચન માટે ની આ જૂની સિસ્ટમ ખૂબ ઉપયોગી અને આશીર્વાદ રૂપ છે

WatchGujarat. સયાજી અને સમરસ હોસ્પીટલમાં છેલ્લા 20 – 25 દિવસથી આ ટેકનિક નો સફળ ઉપયોગ વેન્ટિલેટર ના વિકલ્પ તરીકે 250 થી 300 દર્દીઓ પર કરવામાં આવ્યો છે.

કોરોના એક એવો નવો રોગ છે જેના ફેફસાં પર ઘાતક પ્રભાવને લીધે શ્વાસ લેવા અને બહાર કાઢવાની કુદરતી વ્યવસ્થા ખોરવાઈ જાય છે.એટલે આ રોગમાં દર્દીની જીવન રક્ષા માટે જરૂર પ્રમાણે  નાક વાટે, એન.આર.બી.એમ.દ્વારા બાય પેપ અને ઇન્વેઝીવ વેન્ટિલેટર દ્વારા, દર્દીની સ્થિતિ પ્રમાણે જરૂરી પ્રેશર થી ઓકસીજન આપવો એ સારવાર નો અનિવાર્ય ભાગ છે. હાલમાં હાઈ પ્રેશર ઓકસીજન ની જરૂર વાળા દર્દીઓ ની સંખ્યા ખૂબ વધી છે અને તેની સરખામણી માં વ્યાપક વ્યવસ્થા કરવા છતાં વેન્ટિલેટર ની અછત વર્તાય છે.

આવા કટોકટીના સમયે ખાસ કરીને બાય પેપ અને અંતિમ ઉપાય જેવા ઇન્વેઝિવ વેન્ટિલેટર ના વચગાળા ના સરળ,સુવિધાજનક અને અસરકારક ઉપાય ના રૂપમાં બેઇન સર્કિટ તરીકે ઓળખાતી એક જૂની એનેસ્થેસીયા ડિલિવરી સિસ્ટમ ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહી છે.આમ, કોરોના ના નવા નક્કોર રોગમાં જૂનો ગણાય એવો ઈલાજ અસરકારક અને ઉપયોગી બની રહ્યો છે.

સયાજી હોસ્પિટલ ના એનેસ્થેસિયા વિભાગના  ડો.નેહા શાહ, ડો.મમતા પટેલ અને ડો.દેવયાની દેસાઈ જણાવે છે કે, આ એનેસ્થેસિયા વિજ્ઞાન ની ઘણી જૂની ટેકનિક છે. 1972 માં બેઇન નામના વૈજ્ઞાનિક તબીબે દર્દીઓને વધુ પ્રેશર થી ઓકસીજન આપવામાં આ સિસ્ટમ કે ટેકનિક ની ઉપયોગીતા નવેસર થી ઉજાગર કરી પછી તેનો ઉપયોગ વધુ પ્રચલિત અને વ્યાપક બન્યો છે.ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ એવી દર્દીના ફેફસાં સુધી જરૂરી માત્રામાં ઓકસીજન પહોંચાડવા અને ઉચ્છવાસમાં કાર્બન ના સલામત નિકાલ માટે ની આ ટેકનિક વેન્ટિલેટર ની સગવડ ના હોય તેવી નાની હોસ્પિટલોમાં તેના વિકલ્પે વચગાળાના સાધન તરીકે ખૂબ ઉપયોગી જણાઈ છે.

આ સિસ્ટમમાં ઉચિત ડાયામીટરની શ્વાસ અંદર લેવા માટેની ઇન્સ્પિરેટરી અને શ્વાસ બહાર કાઢવા માટે ની એકસપિરેટરી ટ્યુબ નો સમાવેશ થાય છે.આ સિસ્ટમ ફેફસાં સુધી ખૂબ જ ઓછા સમયમાં પૂરતા પ્રમાણમાં ઓકસીજન પહોંચાડી શકે છે અને તમામ ઉંમરના દર્દીઓ માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે સયાજી અને સમરસ હોસ્પિટલોમાં એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબો ની દેખરેખ હેઠળ બાય પેપના વિકલ્પે પૂરતા દબાણ થી શ્વાસના સિંચન માટે બેઈન સિસ્ટમ નો ઉપયોગ શરૂ કર્યો છે જે રાહતરૂપ જણાયો છે.અત્યાર સુધી 250 થી 300 દર્દીઓ પર તેનો ઉપયોગ થયો છે અને તે પૈકીના 50 થી 60 દર્દીઓમાં આ સિસ્ટમ ના ઉપયોગ થી વેન્ટિલેટર ની જરૂર ટાળી શકાય છે.નેચરલી તેના પગલે વેન્ટિલેટર ની જેમને વધુ અને અનિવાર્ય જરૂર છે એવા દર્દીઓને તેની સુવિધા આપવામાં સરળતા થઈ છે.આ સિસ્ટમ ખૂબ ઓછી ખર્ચાળ હોવા થી દાતાઓ તે દાનમાં આપી શકે છે.

કોરોના નો બીજો વેવ વધુ ઘાતક છે અને તેનો અકસીર ઈલાજ હજુ મળ્યો નથી  ત્યારે તબીબો અને સંશોધકો શ્વાસ સંબંધી અન્ય રોગોમાં રાહત આપતી દવાઓ અને તબીબી સાધનોનો સારવાર માટે અસરકારક અને સફળ વિનિયોગ કરી લોકોના જીવન બચાવી રહ્યાં છે.તેવા સમયે દર્દીના શરીરમાં ઓકસીજન ના સિંચન માટે ની આ જૂની સિસ્ટમ ખૂબ ઉપયોગી અને આશીર્વાદ રૂપ જણાઈ છે.સાચે જ આવશ્યકતા જ શોધની જનની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud