• તબિબિ સારવાર બાદ કેટલાક કિસ્સામાં સારવાર બાદ અપેક્ષિત પરિણામ ન મળતા ક્યારેક ડોક્ટરોએ દર્દીઓના સગાના રોષનો ભોગ બનવો પડે
  • ચાર મહિના પહેલા કરવામાં આવેલા ઓપરેશન બાદ કોઈ ફર્ક ન પડતા દર્દીને મિત્રે હોસ્પિટલમાં પહોંચી હોબાળો મચાવ્યો
  • દર્દીના મિત્રએ ડોક્ટરને માર મારતા હોસ્પિટલ સ્ટાફે ડોક્ટરને બચાવ્યા
  • વારસિયા પોલીસે ડોક્ટરને માર મારનાર અને ગાળો ભાંડનારની ધરપકડ કરી


WatchGujarat. કોરોના કાળમાં તબીબોએ ભગવાન સમકક્ષ માન મેળવનાર ડોક્ટરને દર્દીના સગા દ્વારા માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગુરુવારે મોડી સાંજે ધવલ ચાર રસ્તા પાસે આવેલી કિડની કેર હોસ્પિટલના ડોક્ટર પ્રતીક શાહને દર્દીના મિત્રએ લાફા માર્યા હતા. જેને કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

તબીબોને ભગવાન ગણવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં સારવાર બાદ અપેક્ષિત પરિણામ ન મળતા ક્યારેક ડોક્ટરોએ દર્દીઓના સગાના રોષનો ભોગ બનવું પડે છે. ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ડો. પ્રતીક દિલીપકુમાર શાહ હરણી રોડ પર આવેલા કર્મા લાઈફ સ્ટાઇલમાં રહે છે. અને ધવલ ચાર રસ્તા પાસે આવેલી કિડની કેર હોસ્પિટલમાં તબિબિ પ્રેક્ટિસ કરે છે. ગુરુવારે સાંજે ડોક્ટર પ્રતીક શાહ કિડનીકેર હોસ્પિટલમાં હતા. દરમિયાન રાજેન્દ્ર નારસિંહ રાઠોડ અને રતિલાલ મંગળભાઈ સોલંકી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. અને ડોક્ટરની કેબિનમાં જઈને હોબાળો મચાવ્યો હતો.

રાજેન્દ્રસિંહ નારસિંહ રાઠોડે ડોક્ટરને કહ્યું કે, આજથી આશરે અગાઉ ચારેક માસ પૂર્વે મારા મિત્ર યશવંતભાઈ રાઠોડે તમારી હોસ્પિટલમાં દૂરબીન વડે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં પેશન્ટને કોઈ ફર્ક પડ્યો નથી. આટલું બોલતા જ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉશ્કેરાયા હતા અને ડોક્ટર પ્રતીક શાહને તેમની કેબિનમાં બે ત્રણ લાફા મારી દીધા હતા. તથા રાજેન્દ્રસિંહ સાથે આવેલા રતિલાલમંગળભાઈ સોલંકીએ ડોક્ટરને બેફામ ગાળો આપી હતી.

ડોક્ટરને માર મારવાની ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ડોક્ટરને છોડાવ્યા હતા. સમગ્ર મામલે વારસિયા પોલીસને જાણ કરતા તાત્કાલિક PI કિરીટ લાઠીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડોક્ટરને માર મારનાર અને ગાળો આપનાર બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તાપસ માટે હોસ્પિટલના સીસીટીવી તથા સ્ટાફ દ્વારા ઘટના વેળાએ ઉતારવામાં આવેલો વિડીયો મેળવ્યા હતા. પોલીસે ગુજરાત મેડિકેર સર્વિસ પર્સન એન્ડ મેડિકેર સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રિવેન્શન ઓફ વાયોલન્સ એન્ડ ડેમેજ ઓર લોસ ઓફ પ્રોપર્ટી એક્ટ 2012 અંતર્ગત ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી હતી.

ડોક્ટરને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના (IMA) સ્થાનિક હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud