• મારા પુત્ર સહજાનંદને ભાજપમાંથી ટિકિટ ન મળી તેની સામે મને કોઈ નારાજગી નથી -બાળકૃષ્ણ પટેલ
  • પુત્ર સહીત અન્ય 4 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
  • ટિકિટ નહિ મળવાનો કકળાટ BJP ને તારશે કે ડુબાડશે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે

WatchGujarat. ડભોઈના માજી ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ (ઢોલાર)ના પુત્રને ભાજપમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતાં તેમણે બળવો પોકારીને પુત્ર સહિત ટીમના 4 ઉમેદવારોને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો પર અપક્ષ ઊભા રાખ્યા છે. માજી ધારાસભ્યે પુત્રને ટિકિટ ન મળતાં પક્ષ સામે નારાજગી ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ પાર્ટીને પોતાની શક્તિ બતાવવા માટે પુત્ર સહિતની ટીમ અપક્ષ તરીકે પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

બાળકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, મારા પુત્ર સહજાનંદને ભાજપમાંથી ટિકિટ ન મળી તેની સામે મને કોઈ નારાજગી નથી, કારણ કે, હવે તેણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. જેથી નારાજગી રાખીને પણ શું કામ છે. હવે તો પાર્ટીને પોતાની શક્તિ બતાવવાનો વારો આવ્યો છે. હું જમીન પર ચાલનાર વ્યક્તિ છું, લોકો માટે કામ કરું છું અને અનેક કાર્યકર્તાઓ મારી સાથે છે.

દીકરા સહિત 5 ઉમેદવારોના અપક્ષ ભરાયેલાં ફોર્મ પાછાં ખેંચવાં માટે ભાજપ મોવડી મંડળ તરફથી કોઈ પ્રેશર કરાયું છે કે કેમ તેવા સવાલના જવાબમાં માજી ધારાસભ્યે જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી મને કોણ દબાણ કરવાનું. અને આ મારી અંગત વાત છે. મારે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળમાં કેતન ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ, દિનુમામાએ ક્યારેય પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું નથી તો મારો પુત્ર અને મારી ટીમના મેમ્બર અપક્ષ તરીકે પોતાનું ફોર્મ ક્યારેય પરત નહીં ખેંચે. ડભોઈમાં તો અનેક અસંતુષ્ટોએ અપક્ષમાં ફોર્મ ભર્યાં છે, જેથી પાર્ટી અંગે મને કોઈ ચિંતા નથી.

બાળકૃષ્ણ ઢોલારના દીકરા સહજાનંદને ભાજપમાંથી ટિકિટ ન મળતાં તેમને ડભોઈની સીમલિયા જિલ્લા પંચાયત બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત માજી ધારાસભ્યે પોતાના 4 વ્યક્તિને પણ ચાર તાલુકા પંચાયત સીટોમાં અપક્ષ તરીકે ઊભા રાખ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud