WatchGujarat. વર્ષ ૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૮માં આવેલી ઇન્સિડિયસ ફિલ્મ્યુંના ચારેય ચેપ્ટર એકબીજા સાથે ગુંદરની જેમ ચોંટેલા છે. એકેય ભાગ (ભૂલથી પણ!) જોવાનો બાકી રહી ગ્યો હોય તો આગળની પિક્ચરુ ગતાગમ વગરની કંટાળાજનક બની જાય છે. ‘ઇન્સિડિયસ’ હોરર સીરિઝનાં ચાહક હશો તો પસંદ પડવાની સંભાવના છે!

૨૦૧૦માં જ્યારે ઇન્સિડિયસનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે દુનિયા તેનાં દિગ્દર્શક જેમ્સ વોન પર આફરિન પોકારી ગઈ. એનાબેલ, કન્જુરિંગ અને સો (SAW) જેવી ખૌફનાક (સફળ) હોરર સીરિઝનાં બેતાજ બાદશાહે ભૂતિયા ફિલ્મોની પ્રેક્ષક સામે એક નવો દાખલો બેસાડ્યો. જોગાનુજોગ ૨૦૧૩માં આવેલી ઇન્સિડિયસનો બીજો ભાગ પણ સફળ થયો. સપનાની દુનિયામાં જન્મ લેતાં ડરામણા શૈતાનની આ દુનિયા પ્રેક્ષકોને ખૂબ પસંદ પડી. પરંતુ ત્રીજા ભાગથી ફ્રેન્ચાઈઝી થોડીક ડામાડોળ થવા માંડી. ચોથા ભાગની વાત કરીએ તો, ફિલ્મ ધાર્યા પ્રમાણે દર્શકોને ખુશ કરવામાં નાકામયાબ નીવડી છે.

પહેલા ભાગ પછીની દરેક ઇન્સિડિયસ ફિલ્મનો સમાવેશ પ્રિક્વલ સીરિઝમાં કરી શકાય. ‘ધ લાસ્ટ કી’ની વાર્તા ત્રીજા ભાગનાં અંતથી શરૂ થાય છે. જોકે, અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. અત્યાર સુધીનાં દરેક ભાગોમાં એલિસ રેઈનર (લિન શે) પોતાનાં ક્લાયન્ટનાં કેસ સોલ્વ કરતી આવી છે. જ્યારે ચોથા ભાગમાં આખી વાર્તા તેની પોતાની ઈર્દગિર્દ ઘુમ્યે રાખે છે. એલિસનો ભૂતકાળ અને તેનાં પરિવારની ટ્રેજેડી દેખાડ્યા બાદ ફિલ્મ ૨૦૧૦નાં કેલિફોર્નિયામાં આકાર પામે છે, જ્યાં તેને મેક્સિકો શહેરમાંથી એક અજાણ્યો ફોન આવે છે.

કોલરનું નામ ટેડ ગાર્ઝા (કિર્ક એક્વેડો). ટેડ સાથે બનતી અજીબો-ગરીબ ઘટનાઓ પાછળ તેનું પોતાનું ભૂતિયા ઘર જવાબદાર છે; જેમાં જોગાનુજોગ, એલિસનું નાનપણ વીત્યું હોય છે. પોતાનાં સાથીદારો સ્ટીવન (લેહ વનેલ) અને ટકર (એન્ગસ સેમ્પસન) સાથે મેક્સિકો પહોંચતાંની સાથે જ એલિસ પોતાનાં સગા ભાઈની બે દીકરીઓ ઈમોગન રેઈનર (કેત્લિન જેરાર્ડ) અને મેલીસા રેઈનર (સ્પેન્સર લૂકે)ને મળે છે. પોતાનાં જ ભૂતિયા ઘરમાં રહેલા શૈતાનને દૂર ભગાવવાની પ્રક્રિયામાં એલિસનો વર્ષો જૂનો ભૂતકાળ તેની નજર સમક્ષ પ્રગટ થઈ જાય છે અને ફિલ્મ એક રોમાંચક રૂપ ધારણ કરી લે છે.

ઇન્સિડિયસ ફિલ્મોનું મુખ્ય પાસું તેનો ફેમિલી ડ્રામા છે. ચીલાચાલુ હોરર ફિલ્મોની માફક અહીં કોઈ ગ્લેમરસ હીરોઈન કે કબાટમાંથી ડોકિયા કરતાં ભૂતો નથી દેખાડાયા. પ્રત્યેક દ્રશ્ય અને સંવાદોનું પોતપોતાનું મહત્વ જળવાયું છે. છ-સાત સીન તો એટલા બધા ભયાવહ બતાવ્યા છે કે પ્રેક્ષક પોતાની બેઠક પરથી રીતસરનો ઉભો જ થઈ જાય! બીજી એક ખાસ વાત એ છે કે ચારેય ફિલ્મોમાં લીડ કરનાર હીરોઈન લિન શે ૭૪ વર્ષનાં છે અને આ ઉંમરે આવડી મોટી ફિલ્મનો ભાર પોતાનાં ખભા પર ઉઠાવી લેવો તે ખરેખર દાદ માંગી લે તેવું કામ છે. કોઈ જાતનાં ગ્લેમર વગર પ્રેક્ષકને છેક છેલ્લા દ્રશ્ય સુધી જકડી રાખવાની કળામાં તેમણે મહારથ હાંસિલ કરેલી છે. પરંતુ હ્યુમર પીરસવા બાબતે ફિલ્મનાં રાઈટર લેહ વનેલ (જે અહીં સ્ટીવનનો કિરદાર પણ નિભાવે રહ્યા છે) ઘણા કાચા પડ્યા છે. ઉપરાંત, અમુક ટ્વિસ્ટને બાદ કરતાં ફિલ્મ એકંદરે થોડીક ધીમી પડી ગઈ હોય તેવું લાગ્યા કરે છે !

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ : ફક્ત ને ફક્ત ફિલ્મનાં ક્લાયમેક્સને લીધે ઉપર તમામ ક્ષતિઓ માફીને લાયક છે! (અન-પ્રિડેક્ટેબલ, અન-ઈમેજીનેબલ, અનફર્ગેટેબલ!) 

સાંજ સ્ટાર : ત્રણ ચોકલેટ.

કેમ જોવી? – ઈચ્છા થાય તો !

કેમ ન જોવી? – પહેલાની ત્રણ ફિલ્મો અત્યંત સારી અને ચોથી ફિલ્મ થોડી નબળી છે માટે !

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud