બોસ, ભારે કડક છાપ ઉભી કરીને દબંગ અધિકારી તરીકે વડોદરાનાં પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર શમશેરસિંહ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. શિવજી કી સવારી હોય કે સી.આર. પાટીલ દ્વારા નમો આઈસોલેશન સેન્ટરના ઉદ્ઘઘાટન કાર્યક્રમો, ખૂબ જ સાવચેતીપૂર્વક કામગીરી કરનાર પોલીસ કમિશનરની દૂરદર્શિતા સામે સવાલ ઉભો કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.

પોલીસ કમિશનરે કરેલાં આદેશને પગલે પોલીસ કર્મીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એની પ્રત્યક્ષતા પરખવાનો આજે મને લ્હાવો પ્રાપ્ત થયો. ખોટું નહીં કહું, પત્રકાર હોવાના નાતે પોલીસ કર્મીઓએ મને માત્ર ઠપકો આપીને જવા દીધો… પણ, જો હું ભાજપાનો અગ્રણી હોત તો કદાચ ઠપકો આપવાનું ઔચિત્ય પણ પોલીસ કર્મીઓએ દાખવ્યું ના હોત. (ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાયો હોવાનું દુઃખ આજે મને હૃદયમાં શૂળની માફક ભોંકાઈ રહ્યું છે, આ માત્ર જાણ ખાતર)

મૂળ વાત એવી છે કે, છેલ્લાં ઘણાં મહિનાઓથી હું મારી ઓફિસની પાસે આવેલાં ગલ્લા પર સિગરેટ પીવા જઉં છું. (વૈધાનિક ચેતવણી – સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે) આજે દ્રશ્ય અલગ જ હતું, હું નિત્યક્રમ અનુસાર સિગરેટ માંગું એ પહેલાં એક ખાખીધારીએ કહ્યું બાજુમાં આવો… રિસિપ્ટ ફાડવી પડશે. કોરોના કાળમાં નાણાંની આમેય તંગી – ઉધારનું વ્યસન કરવાનું અને એમાં માસ્ક નાકથી નીચે હોવાના કારણે પોલીસ 1000 રૂપિયાની માગણી કરે… આ બધી વાતો મગજમાં ગોઠવાઈ નહીં… એટલે પ્રેમપૂર્વક કહી દીધું કે, પત્રકાર છું સાહેબ, ઓફિસ અહીં જ છે…સિગરેટ પીવાની (કુ)ટેવ છે. પત્રકાર શબ્દ સાંભળીને પોલીસ કર્મીના મનમાં રામ વસ્યા.. મોટા સાહેબ પાસે લઈ ગયાં અને ઓફિસમાં બેસીની સિગરેટ પીવાની બહુમૂલ્ય સલાહ આપીને તેમણે મને જવા દીધો… બીજા કેટલાંકને દંડ ફટકારવા લઈ ગયાં… એ એમના નસીબ બીજું શું?

ગલ્લા પર માસ્ક પહેરીને સિગરેટ પીવી જોઈએ. એવું જાહેરનામું રૂપાણી સરકારે કે શમશેરસિંહે પ્રસિદ્ધ કર્યું હોય? એ શોધવાની મથામણ કરવાનો કોઈ અર્થ નહોતો. મને જેટલો ભરોસો મોદી સરકાર પર છે એટલો ભરોસો રૂપાણી સરકાર પર છે અને હવે તો શમશેરસિંહનાં જનહીતના નિર્ણયો પર પણ છે જ. અને એટલે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલાં વ્યવહાર અંગે શાંતિથી (જે અત્યારે હોતી નથી) વિચાર કરતાં શમશેરસિંહના ગૂઢાર્થને પામી શક્યો. બહુ વિચાર કરતાં મને સમજાયું કે, ગલ્લા પર આ રીતે પોલીસની કામગીરી કરવા પાછળ વડોદરાના પોલીસ કમિશનરનો આશય માત્ર એટલો જ કે, લોકો વ્યસનમુક્ત રહે. 10 – 20 રૂપિયાની સિગરેટ પીવા જતાં 1000 રૂપિયાનો દંડ ભરવો પડે તો કયો સામાન્ય માનવી વ્યસન કરવા જવાનો? ગલ્લાવાળા પાસે ઉધારમાં વ્યસન કરનારને બચાવીને પોલીસ એક પ્રકારનું વ્યસનમુક્તિ અભિયાન જ ચલાવી રહી છે.

આખા રાજ્યની તો બહુ ખબર નથી પણ વડોદરા બહુ નસીબદાર છે કે પોલીસ કમિશનર તરીકે શમશેરસિંહ એની પાસે છે. જેમણે હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. શિવજી કી સવારીથી માંડીને નમો આઈસોલેશન સેન્ટરના ઉદ્ધઘાટન માટે વડોદરા પધારેલાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમને કોઈપણ જાતની પરવાનગી નહીં આપનાર શમશેરસિંહનો હોમ ક્વોરેન્ટાઈન નો ભંગ કરનારા સામેનો નિર્ણય ખૂબ જ આવકાર્ય છે.

સાહેબ શ્રી, આપની કામગીરીને નીચું દેખાડવાનો પ્રયાસ આપનું પોલીસ તંત્ર જ કરી રહ્યું છે. આપશ્રી માત્ર પોલીસ પર જ દાદાગીરી કરો છો, રોજ સવાર – સાંજ 30 લોકોને માસ્કના મુદ્દે દંડ કરવાનો ટાર્ગેટ આપો છો. આપ સામાન્ય નાગરીકોની સુરક્ષા કરતાં રાજકારણીઓની ગુડબુકમાં નામ રખાવવાં કામ કરો છો એવી ઘણીવાતો થાય છે. પણ હું માનવા તૈયાર નથી. સ્હેજપણ નહીં. જોકે, તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની આપની મનોચ્છામાં કોર્પોરેશન તંત્ર આપના આડે આવે શકે છે.

બીજા કોઈની વાત નહીં કરું સાહેબ, આજથી 20 દિવસ પહેલાં મારી પત્ની કોરોના પોઝિટીવ આવી હતી. જોકે, એ સાજી થઈ જવાને આજે આટલાં દિવસ થવા છતાં કોર્પોરેશનમાંથી કોઈએ દવા આપવાની કે એક સામાન્ય પુછપરછ કરવાની ચિંતા કરી. તો આ હોમ ક્વોરેન્ટાઈનનો ડેટા આપને ક્યાંથી પ્રાપ્ત થશે?

સાહેબશ્રી, આપને હોમ ક્વોરેન્ટાઈનના નામે બદનામ કરવામાં આવે એ પહેલાં ચેતી જજો. શિવજી કી સવારીમાં પત્રકારોને ધક્કો માર્યા પહેલાં ચેત્યાં નહોતાં માટે કહું છું. બાકી, હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનારના નામે પોલીસ તોડ પાડી રહી છે એવી નામોશી આપના શીરે ચડે એ મને યોગ્ય નથી લાગતું.

(ખાસ નોંધઃ- વડોદરા શહેરમાં શિવરાત્રિ પર્વે કોરોના કાળમાં નિકળેલી ‘શિવજી કી સવારી’માં મોટી સંખ્યામાં ટોળાં જામ્યાં હતાં. જેને પગલે કોરોના સંક્રમણ વકરે તો જવાબદાર કોણ? એવાં પ્રશ્નના ઉત્તરમાં શિવજી કી સવારીના આયોજક એવાં મંત્રી યોગેશ પટેલે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતાં. બાદમાં કોરોના સંક્રમણ વધ્યું પણ તંત્ર દ્વારા ભગવાનની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતાં. તેવી જ રીતે આ લેખ મેં લખ્યો નથી, ભગવાને સુઝાડેલી બુદ્ધિ પ્રમાણે લખાયો છે. તેથી કોઈને લેખ સામે વાંધો હોય તો 33 કરોડ દેવી – દેવતાં પૈકીના કોઈપણ એક ભગવાનને જવાબદાર ગણી. એમની સમક્ષ રોષ વ્યક્ત કરવો. ધન્યવાદ)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud