• 27 નવેમ્બર 2019ના રોજ ધારાસભ્ય જીતુ સુખડિયા, પૂર્વ મેયર સહિત સ્થાનિક ભાજપી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું.
  • 70 લાખના ખર્ચે 9 માસમાં કામગીરી પૂરી કરી દેવાશે તેવો પૂર્વ મેયર દ્વારા દાવો કરાયો હતો.
  • ગાયને બચાવવા જતાં કાર ખુલ્લી કાંસમાં ખાબકી, સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.
  • ક્રેઈન દ્વારા કાર કાંસમાંથી બહાર કાઢવામાં આવી.

Watch Gujarat. ચૂંટણીની ઢોલ ઢબૂકવા માંડ્યા છે ત્યારે બીજી તરફ શહેરના સત્તાધારી પક્ષના કામનો દેખાડો કરનારા અગ્રણીઓ સામે પ્રજામાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગોત્રી વિસ્તારની ખુલ્લી કાંસમાં કાર ખાબકતાં સ્થાનિક લોકોમાં ખાતમુહૂર્તના ફોટા પડાવવામાં શૂરા ભાજપી અગ્રણીઓની બેદરકારી – નિષ્કાળજી ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 27 નવેમ્બર 2019ના રોજ પૂર્વ મેયરના હસ્તે ખુલ્લી કાંસને આરસીસી સ્લેબ ભરીને ઢાંકી દેવાની કામગીરીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુ સુખડિયા સહિતના સ્થાનિક ભાજપી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને એ દિવસે તત્કાલિન મેયર દ્વારા દાવો કરાયો હતો કે, 70 લાખમાં થનારી આ કામગીરી નવ મહિનામાં પૂરી કરી દેવાશે.

ગોત્રીથી ઉંડેરા સુધીની ખુલ્લી વરસાદી કાંસમાં પડી જવાથી ગાયના મૃત્યુ નિપજ્યા હોવાના બનાવો અગાઉ બન્યા હતાં. ચોમાસાની ઋતુમાં કાંસમાં પુષ્કળ પાણી ભરાઈ જવાને કારણે તે રસ્તાને સમાંતર થઈ જતી હતી અને રાહદારીઓ તેમજ ઢોર ઢાંખર માટે જોખમી સાબિત થતી હતી. રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી કાંસ ખુલ્લી હોઈ બાળકો માથે પણ જોખમ તોળાતું હતું અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો હતો.

પ્રજાજનોની હાલાકી દૂર કરવાના આશય સાથે વર્ષ 2019માં આખરે કોર્પોરેશન તંત્રએ 200 મીટર લાંબી ખુલ્લી કાંસને આરસીસી સ્લેબ બનાવી ઢાંકી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 70 લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત 27 નવેમ્બર 2019ના રોજ કરવામાં આવ્યું હતું. ખાતમૂહૂર્ત પ્રસંગે મેયર જીગીષાબહેન શેઠે બાળકો – ઢોર ઢાંખર અને રાહદારીઓની ચિંતા વ્યક્ત કરવા સાથે આગામી નવ માસમાં કામગીરી પૂરી થઈ જશે તેમ જણાવ્યું હતું.

જોકે, કોરોના કાળ પૂર્વેના ચાર માસ દરમિયાન કોઈ નક્કર કામગીરી હાથ ધરી શકાઈ નહોતી. અને આજેય કાંસ ખુલ્લો છે. આજે સવારે એક શખ્સ કાર લઈ અમદાવાદ જવા નિકળ્યો હતો. તે નારાયણ ગાર્ડન પાસેથી પસાર થતો હતો ત્યારે માર્ગ પર બે ગાય લડતી હતી. ગાયથી બચવા જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ખુલ્લી કાંસમાં ખાબકી હતી. બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને કાર ચાલકને બહાર કાઢ્યો હતો. બાદમાં ક્રેઈન દ્વારા કારને કાંસમાંથી બહાર કાઢવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈ કાલે મકરપુરા વિસ્તારના મતદારોએ પણ ખાતમુહૂર્ત કરીને કામગીરી કરવામાં આવી ના હોવાના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud