WatchGujarat. વર્ષ 2015માં વડોદરામાં પાલિકાની ચૂંટણી માટે 48.71 % મતદાન નોંધાયું હતું. જયારે ચાલુ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં 47.99 % મતદાન નોંધાયું હતું. ચાલુ વર્ષે મતદાન કરવા માટે વધારે સમય આપ્યો હોવા છત્તા લોકોએ મતદાન કરવામાં નીરસતા દાખવી હતી. ગત વર્ષની સરખામણીએ 0.72 % ઓછું મતદાન થયું હતું.
પાલિકાની 76 બેઠક માટે કોરોના કાળની પહેલી ચૂંટણીમાં અંદાજે 47.99 ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે જો કે, પાલિકાની ગત ચૂંટણી જેટલું જ 48 ટકા મતદાન નોંધાતા કોરોના કાળ વચ્ચે પણ પાલિકાની ચૂંટણીમાં થતાં મતદાનની પેટર્ન યથાવત રહેવા પામી હતી.
પાલિકાના 19 વોર્ડ માટે રવિવારે 1295 મતદાન મથકો ખાતે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ વખતે મતદાનના સમયમાં સવારે એક કલાક અને સાંજે એક કલાક એમ બે કલાકનો વધારો સમય આપવામાં આવ્યો હતો. સવારથી જ કેટલાક મતદાન મથકો પર મતદારો મતદાન માટે પહોંચી ગયા હતા તો કેટલાક મતદાન મથકો પર બપોરથી જ કાગડા ઉડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.
જો કે, અંતિમઘડીના મેનેજમેન્ટમાં તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો અને ટેકેદારોએ મતદારોને મતદાન કરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. એક તબક્કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 33 ટકા મતદાન થતાં ઉમેદવારોના પેટમાં ફાળ પડી હતી અને તેના કારણે મતદાન વધારવા માટે વાહનો દોડાવવા પડ્યાં હતા.
ખાસ કરીને ગત ચૂંટણી જેટલું જ મતદાન નોંધાતા વધુ મતદાનનું આયોજન રાજકીય પક્ષોના પેજ પર જ રહ્યું હતું. પાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં 12.47 લાખ મતદારો પૈકી 6.04 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં 279 ઉમેદવારો મેદાનમાં છે અને તેની સામે આ વખતની ચૂંટણીમાં 6.75 લાખ જેટલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો.
23 ફેબ્રુઅરીના રોજ શહેરમાં પોલિટેક્નિક ખાતે વોટ કાઉન્ટિંગ કરવામાં આવશે.. ત્યાર બાદ પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિનું ભવિષ્ય સ્પષ્ટ થશે. પાલિકાની ચૂંટણી બાદ હવે વડોદરામાં મેયરપદના દાવેદારોને લઈને અનેક અટકળો તેજ થઇ છે.
વોર્ડ | કુલ મતદાર | થયેલું મતદાન | ટકાવારી |
1 | 75,331 | 42,392 | 56.27 |
2 | 67,729 | 32,425 | 47.87 |
3 | 65,418 | 32,349 | 49.45 |
4 | 66,949 | 34,398 | 51.38 |
5 | 71,592 | 33,961 | 47.44 |
6 | 82,083 | 40,333 | 49.14 |
7 | 77,555 | 35,561 | 45.85 |
8 | 85,647 | 38,779 | 45.28 |
9 | 85,624 | 38,912 | 45.45 |
10 | 88,529 | 42,900 | 48.46 |
11 | 81,720 | 34,628 | 42.37 |
12 | 79,385 | 37,998 | 47.87 |
13 | 66,896 | 33,267 | 49.73 |
14 | 82,254 | 37,893 | 46.07 |
15 | 75,305 | 33,756 | 44.83 |
16 | 77,570 | 39,393 | 50.78 |
17 | 66,984 | 28,929 | 43.19 |
18 | 71,269 | 37,321 | 52.37 |
19 | 78,372 | 38,873 | 49.6 |
કુલ | 14,46,212 | 6,94,068 | 47.99 |