• વડોદરામાં નશીલા પદાર્થોના વેચાણમાં છેલ્લા કેટલાય સમયથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે
  • અગાઉ અનેક વખત ગાંજા, એમડી ડ્રગ્સ, મ્યાઉં – મ્યાઉં જેવા નશા પ્રેરક પદાર્થોના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો
  • 25 દિવસ બાદ વધુ એક વખત શહેરમાંથી ડ્રગ્સનો કારોબાર પકડાયો
  • એટીએસ અને એસઓજીની ટીમની સરાહનીય સંયુક્ત કામગીરી

WatchGujarat. ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ (ATS) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે એસટી ડેપો ખાતેથી  રૂપિયા 16.30 લાખની કિંમતના એમ.ડી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી પાડી રૂ. 16.51 લાખ ઉપરાંતની મતા કબ્જે કરી હતી. જ્યારે ડિલિવરી આપનાર અને લેનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાત ATS તથા SOG પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી ગઈકાલે રાત્રે સયાજીગંજ વિસ્તારના  છોટાલાલ ભવન ખાતેથી બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમ્યાન પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી 163 ગ્રામ એમ.ડી./એફેડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 16.30 લાખ જેટલી થવા પામે છે.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ અમાન મોહમદહનિફ શેખ તથા મોહંમદ રીઝવાન મોહમદરસીદ ખાન ( બન્ને રહે. આઝાદનગર, ઇન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તેઓની પાસેથી મળી આવેલા રૂ. 20 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રોકડા રૂ. 1,250 તથા ડ્રગ્સના જથ્થા સહિત કુલ રૂ. 16.51 લાખની મત્તા કબજે કરી આરોપીઓની એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અટકાયત કરી છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનનમાં અમાન મોહંમદહનિફ શેખ, મોહંમદ રીઝવાન મોહમદરસીદ ખાન, અમીરખાન લાલા તથા અન્ય એક ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

કપડા પર લખાણને કોડ વર્ડ બનાવાયો

આરોપીઓની પૂછપરછ દરમ્યાન માલ ડ્રગ સપ્લાયર આમીરખાન લાલા ( રહે – નરશાબવલી દરગા, ઇન્દોર,મધ્યપ્રદેશ) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. અને  વડોદરાના એસ.ટી. બસ ડેપો બહાર લાલ ટીશર્ટ તથા માથે કાળી ટોપી કે જેના ઉપર અંગ્રેજીમાં સફેદ અક્ષરે એમ લખ્યું હોય તેવા વ્યક્તિને ડીલીવરી આપવાનું જણાવાતા પોલીસે લેનારની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા હતા.

25 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો

25 દિવસ પહેલા જ શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો હતો. બહુચરાજી રોડ પર મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. પોલીસે 96,200 રૂપિયાની કિંમતનું શિડયુલ ડ્રગ્સ મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીન ડ્રગ્સના ઈન્જેકશન પોલીસે જપ્ત કર્યાં હતા અને ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા તેમજ સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud