• ડો. વિનોદ રાવ પાસેથી મંત્રી યોગેશ પટેલ સહિત ધારાસભ્યોએ વડોદરાની કોરોના સ્થિતિનાં આંકડા મેળવ્યાં.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે 40 મીનીટ બેઠક કરી કોરોના સંક્રમણ અટકાવવા અંગે ચર્ચા કરી.

Watch Gujarat. શહેરમાં કોરોના સંક્રમણ વધવા પાછળ ચૂંટણીનો માહોલ તેમજ ‘શિવજી કી સવારી’ સ્હેજપણ જવાબદાર નથી એવું માનનારા રાજકારણીઓએ ભગવાનના ભરોસે બેસી રહેવાને બદલે સાચી પરિસ્થિતિનો સામનો કરવાની દીશામાં કામગીરી કરી છે. ‘શિવજી કી સવારી’ ફેઈમ મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા અને સીમા મોહીલે સહિત ઓ.એસ.ડી. ડૉ. વિનોદ રાવે વડોદરાની કોરોના સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

કામગીરી કરાતી હોવાનો દેખાડો કે મુખ્યમંત્રીની કડક સૂચનાનું પાલન?

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

‘શિવજી કી સવારી’માં મોટી જનમેદની ઉમટી પડતાં શિવ પરિવારને પુષ્પાંજલી અર્પણ કર્યા વિના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રવાના થઈ ગયા હતાં. ત્યારબાદ કોરોના સંક્રમણ વકરે તો ભગવાન જવાબદાર છે એવું બેજવાબદાર નિવેદન કરીને મંત્રી યોગેશ પટેલે ચકચાર મચાવી હતી. જોકે, હાલના તબક્કે હવે ભગવાનના ભરોસે બેસી રહેવાને બદલે પોતે રાજકારણીઓ કામગીરી કરી રહ્યાં છે એવું પ્રતિત કરાવવા માટે અથવા તો મુખ્યમંત્રીની કડક સૂચનાને પગલે આજરોજ મંત્રી, ધારાસભ્યો અને ઓએસડી ગાંધીનગર દોડી ગયા હતાં.

મંત્રી, ધારાસભ્યો સમાચારો નથી વાંચતા? છેલ્લી ઘડીએ માહીતી મેળવવી પડી!!?

મંત્રી યોગેશ પટેલ દ્વારા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરાયેલી પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, ગાંધીનગર ખાતે વિધાનસભામાં મંત્રીના કાર્યાલયમાં મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો જીતેન્દ્ર સુખડીયા – સીમા મોહીલેએ આજરોજ ડો. વિનોદ રાવ પાસેથી વડોદરાની કોરોના સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમજ મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હાલની કોરોનાની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

એકંદરે, મંત્રી કે ધારાસભ્યો વડોદરામાં શું બની રહ્યું છે એની માહિતી રાખતાં નથી એવું સાબિત થાય છે. ડો. રાવના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ કરાતાં કોરોના પોઝિટીવના આંકડાઓ રોજે રોજ સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ કરાતાં હોય છે પરંતુ, ‘પ્રજાહિત’ના કાર્યોમાં વ્યસ્ત રાજકારણીઓ વડોદરાથી સંપૂર્ણ માહિતી લઈને ગાંધીનગર પહોંચ્યા નહોતાં. ગાંધીનગર પહોંચ્યા બાદ મંત્રી સાહેબે માહિતી મેળવી અને તાજ્જી માહિતી લઈને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા પહોંચ્યા હતાં. અને 40 મીનીટ સુધી ચર્ચા – વિચારણા કરી હતી.

મુખ્યમંત્રીએ વેક્સિનેશન કેન્દ્રો વધારવા સૂચના કર્યું.

પ્રેસનોટ અનુસાર મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરામાં વેક્સીન અને કોરોના ટેસ્ટ માટે 59 સેન્ટર છે. રોજના લગભગ 6000 વેક્સીનેશન કરાય છે. હવે, વેક્સીનેશન કેન્દ્રોની સંખ્યા 150 કરી 25000થી વધુ લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક પુરો કરવો. 8 જેટલાં તંબુ લગાડીને મોટી સંખ્યામાં રેપીડ ટેસ્ટ કરવા તેમજ સંજીવની રથની સંખ્યાં 150થી વધારીને 250 કરવી. એક ટીમ રોજ 25 થી 30 ઘરોમાં જઈ હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની સારવા માટે પ્રવૃત્ત થાય.

‘શિવજી કી સવારી’માં માસ્ક – સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલી ગયેલાં મંત્રી હવે લોકોને જાગૃત કરશે.

પ્રેસનોટ પ્રમાણે યોગેશ પટેલે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં સરકાર દ્વારા નિયત થયેલાં કોરોનાની સારવારના ભાવો અંગેનું બોર્ડ મુકાશે. જેથી લોકોને વધુ પૈસા ચુકવવા ના પડે. આ સુચનાનું ચુસ્તપણે પાલન અને અમલ કરવા સૂચીત કરાશે (અત્યાર સુધી કેટલીક હોસ્પિટલો દ્વારા લોકોને લૂંટવામાં આવ્યા ત્યારે મંત્રીએ કંઈ ના કર્યું?)

વડોદરાના 12 વહીવટી વોર્ડમાં દરેક વોર્ડ દીઠ બે વાહનો દ્વારા માઈક લગાવીને કોરોના અંગે લોકોને જાગૃત કરાશે. જેમાં દરેક લોકોને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વેક્સિનેશન કરાવવું તેમજ ચારથી વધુ લોકો ભેગા ના થાય તે અંગે લોકોને જાગૃત કરાશે. (શિવજી કી સવારી ટાણે મંત્રી યોગેશ પટેલને જનજાગૃતિનો વિચાર ના આવ્યો?)

અત્રે નોંધનિય છે કે, ગાંધીનગર પહોંચેલા મંત્રી સહિતના કાફલાને મુખ્યમંત્રીએ જરૂરીયાત મુજબની ગ્રાન્ટ પૂરી પાડવાની ખાતરી આપી છે. જેનો લાભ વડોદરાની જનતાને થાય છે કે, પછી સેવાના નામે મેવાનો સ્વાદ માણવામાં સફળતા પ્રાપ્ત કરી ચૂકેલાં તત્વોને… એ તો ભગવાન બતાવશે જ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud