• કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો અત્યંત ઝડપથી આગળ વધી રહ્યો છે
  • એક તરફ દર્દીઓનું ભારણ તો બીજી તરફ દવાની અછત ડોક્ટરોને બે તરફથી માર પડી રહ્યો છે
  • રાજ્ય સરકાર જ્યારથી શહેરોનો ઓક્સિજનનો ક્વોટા નક્કી કરતી થઇ છે ત્યારથી વડોદરામાં ઓક્સિજનના પુરવઠાની ઘટ સામે આવી
  • અછત અંગે ચુંટાયેલા કોઇ પણ પ્રતિનીધીએ અત્યાર સુધી અવાજ ઉઠાવ્યો નથી

WatchGujarat. વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. હાલ ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત દેશભરમાં વર્તાઇ રહી છે. તેવા સમયે વડોદરા શહેરમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો મળી રહે તે માટે મહિલા ધારાસભ્ય સીમાબેન મોઇલેએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી વિનંતી કરી હતી. જો કે, મહિલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખતા શહેરમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની વાતનો આડકતરો એકરાર કર્યો હતો.

કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો અત્યંત ઝડપથી આગળ વધી રહ્યો છે. જેને કારણે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયમાં ભારે ઉછાળો આવ્યો છે. એટલું જ નહિ સ્થિતી એ હદે વણસી છે કે, વડોદરામાં હોસ્પિટલ અને સ્મશાનગૃહો બહાર પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. શહેરમાં કોરોના બેકાબુ બનીને સંક્રમણ ફેલાવવાની સાથે કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શ અને ઓક્સિજનની માંગમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.

રાજ્ય સરકાર જ્યારથી શહેરોનો ઓક્સિજનનો ક્વોટા નક્કી કરતી થઇ છે ત્યારથી વડોદરામાં ઓક્સિજનના પુરવઠાની ઘટ સામે આવી રહી છે. જો કે, આ અંગે ચુંટાયેલા કોઇ પણ પ્રતિનીધીએ અવાજ ઉઠાવ્યો નથી. પરંતુ અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોઇલેએ બુધવારે મુખ્યમંત્રીને પત્ર લખીને વડોદરાને દૈનિક 180 મેટ્રીક ટન ઓક્સિજન અને 2 હજાર નંગ જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તેવું આયોજન કરવા માટે વિનંતી કરી હતી.

વડોદરામાં સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે. વડોદરામાં માત્ર સ્થાનિક જ નહિ પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો દવા લેવા માટે આવે છે. એક તરફ શહેરની હોસ્પિટલો પર કોરોનાના દર્દીઓનું ભારણ વધી રહ્યું છે. તો બીજી તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. વડોદરાના તબિબોને બે તરફથી માર પડી રહ્યો છે. મધ્યગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલા વડોદરામાં ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં નહિ મળવો અત્યંત શરમજનક બાબત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud