• રાણાવાસમાં મંજૂલાબેન રમેશભાઇ રાણા સાથે તેમનો અપરીણિત પુત્ર વિમલ અને અન્ય એક નાનો પુત્ર રહેતો
  • મંજૂલાબેનનો દરજીકામ કરતો નાનો પુત્ર વારંવાર માતા-પુત્રને મહેણાં-ટોણાં મારતો
  • બપોરે 12 વાગ્યાના સુમારે પુત્ર વિમલ અને તેની માટે ઘઉંની સાચવણીમાં વપરાતી ઝેરી દવાઓ ખાઇ લીધી
  • વિમલ છેલ્લાં એક વર્ષથી કોઇ કામ-ધંધો કરતો ન હતો – પોલીસ સૂત્ર

WatchGujarat. રવિવારે છાણીમાં માતા-પુત્રે રવિવારે અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ ખાઇ લેતાં પુત્રનું ઘરે જ મોત નિપજ્યું હતું, જ્યારે માતાનું સયાજીમાં મોત થયું હતું. પુત્ર ખેંચની બીમારીથી પીડાતો હતો અને તેનો બીજો પુત્ર મહેણાં-ટોણાં મારતો હોવાથી આઘાતમાં સરી પડી બંનેએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું.

છાણીની પટેલ વાડી પાસે આવેલા રાણાવાસમાં મંજૂલાબેન રમેશભાઇ રાણા સાથે તેમનો અપરીણિત પુત્ર વિમલ અને અન્ય એક નાનો પુત્ર રહેતો હતો. વિમલ છેલ્લાં કેટલાંક વર્ષથી હાથની નસો ખેંચાવાની બીમારીથી પીડાતો હતો. તેને વારંવાર તાવ આવતો હતો. તાજેતરમાં તેને છાણીની ચાર્મી હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાતાં ઘરે લાવ્યા હતા. દરમિયાન વિમલે ખેંચની દવા નિયમિત લેવાનું બંધ કર્યું હતું. ઉપરાંત ફિઝિયોથેરાપીની કસરતો પણ બંધ કરી દીધી હતી. જેને પગલે કંટાળી જઇને મંજૂલાબેનનો દરજીકામ કરતો નાનો પુત્ર વારંવાર માતા-પુત્રને મહેણાં-ટોણાં મારતો હતો.

પરિણામે રવિવારે બપોરે 12 વાગ્યાના સુમારે પુત્ર વિમલે ઘઉંની સાચવણીમાં વપરાતી ઝેરી દવાઓ ખાઇ લીધી હતી. ત્યારબાદ એ જ સમયગાળા દરમિયાન માતાએ પણ એ જ ગોળીઓ ખાઇ લીધી હતી. બપોરે દોઢ વાગ્યાના સુમારે વિમલે બહારથી પરત આવતા વાત પરિવારજનોને કરી હતી. જો કે, પરિવારજનો 108ને ફોન કરે તે અગાઉ જ માતા મંજૂલાબેનની તબિયત પણ કથળી હતી. બીજી તરફ એમ્બ્યુલન્સ આવી ત્યારે વિમલનું પ્રાણપંખેરું ઊડી ચૂક્યું હતું.

મંજૂલાબેનને એસએસજીમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, વિમલ છેલ્લાં એક વર્ષથી કોઇ કામ-ધંધો કરતો ન હતો. તેની માનસિક હાલત પણ સ્થિર ન હતી. આ સ્થિતિ તેની માતા મંજૂલાબેનને પણ સહન થતી ન હતી. છેવટે બંનેએ ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud