• વન વિભાગ દ્વારા લોકડાઉન લાગુ થયા પહેલા વડોદરા શહેર-જિલ્લામાં મગરોની સંખ્યા જાણવા માટે વસતી ગણતરી કરવામાં આવી
  • લગભગ 270 જેટલા મગર વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં રહેતા હોવાનો અંદાજ
  • સિંચાઈ માટેની કેનાલો થકી મોટી સંખ્યામાં મગરો હવે નર્મદા નદીમાં પહોંચ્યા
  • આજવા સરોવર સહિતના લગભગ 50 જળાશયોમાં પણ મગર જોવા મળ્યા

WatchGujarat. વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી મગરોનુ ઘર બની ચુકી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા મગરોની વસતીમાં વધારો પણ થઈ રહ્યો છે. એક સમયે વડોદરામાં મગરની વસ્તીને ધ્યાને રાખીને ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટેનું પ્રપોઝલ પણ આપવામાં આવ્યું હતું.

વન વિભાગ દ્વારા લોકડાઉન લાગુ થયા પહેલા વડોદરા શહેર-જિલ્લામાં મગરોની સંખ્યા જાણવા માટે વસતી ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરીનો અહેવાલ તૈયાર કરીને વન વિભાગે સરકારને સુપરત કરી દીધો છે. જે પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં વિશ્વામિત્રી નદી સહિતના વિવિધ જળાશયોમાં મગરોની સંખ્યા વધીને લગભગ 1,000 પર પહોંચી છે. ગણતરીમાં પુખ્ત વયના મગરો તેમજ મગરોના બચ્ચાને પણ ગણતરીમાં આવરી લેવામાં આવ્યા હતા.

વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ કાર્તિક મહારાજના જણાવ્યા અનુસાર, લગભગ 270 જેટલા મગર વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં રહેતા હોવાનો અંદાજ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી, મહી નદી અને દેવ નદીઓ પણ મગરનુ નિવાસ સ્થાન બની છે. આજવા સરોવર સહિતના લગભગ 50 જળાશયોમાં પણ મગર જોવા મળ્યા છે. આમ કુલ મળીને મગરોની સંખ્યા લગભગ 1,000 પર પહોંચી છે.

વસતી ગણતરી માટે વન વિભાગ દ્વારા 11 ટીમો બનાવવામાં આવી હતી. વસતી ગણતરી દિવસે અને રાતે એમ બે સમયે કરવામાં આવી હતી. વડોદરામાં 17 કિલોમીટરનો વિશ્વામિત્રીનો પટ છે. જેમાં મોટાભાગના મગર ભીમનાથ બ્રિજ થી સેન્ટ્રલ જેલ વચ્ચે તેમજ કમાટી બાગ અને કાલાઘોડા સર્કલ વચ્ચેના વિસ્તારમાં જોવા મળ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, 60 ટકા મગર પાંચ ફૂટ કરતા વધારે લંબાઈના જોવા મળ્યા છે. જ્યારે બીજા મગરો બે ફૂટથી પાંચ ફૂટની લંબાઈ ધરાવતા બચ્ચા હતા.

2019 ના પૂર સમયે 100 જેટલા મગરો વિશ્વામિત્રીની બહાર આવી ગયા હતા

સિંચાઈ માટેની કેનાલો થકી મોટી સંખ્યામાં મગરો હવે નર્મદા નદીમાં પહોંચી ચુક્યા છે. આ જ રીતે વિશ્વામિત્રી નદીના કારણે શહેરને પાણી પૂરુ પાડતા આજવા સરોવરમાં પણ મગરોનો વસવાટ થયો છે. કેનાલો થકી બીજા જળાશયોમાં પણ હવે મગરોએ પોતાનુ ઘર બનાવી દીધુ છે. વડોદરા શહેરમાં 2019 માં પૂર આવ્યુ ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યા હતા. અને તે સમયે લગભગ 100 જેટલા મગરો નદીની બહાર આવી ગયા હતા. મગરોની સંખ્યા બાદ હવે દરેક ચોમાસામાં મગરો બહાર આવવાની ઘટનાઓ બનવા માંડી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud