• માસ્ક નહિ પહેરનાર 3789 રોકી ₹ 37.89 લાખનો દંડ વસુલાયો
  • કુલ જાહેરનામા ભંગના 1629 કેસ, પોલીસે 1524 લોકોને માસ્કનું કર્યું વિતરણ
  • લોકો સ્વયંભુ શિસ્તનું પાલન કરે તે કોરોનાના સંક્રમણની ચેઇનને બ્રેક કરવાની ચાવી છે : DSP ચુડાસમા

WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાવનાર તથા સોશ્યલ મિડીયા દ્વારા પ્રજાને ગુમરાહ કરતા તત્વોને કરફ્યુ અને મહામારી વચ્ચે પોલીસ કાયદાકીય પાઠ ભણાવી રહી છે. કરફ્યુના 10 દિવસમાં જ જાહેરનામા ભંગના કુલ 1629 કેસ કરાયાં છે, જેમાં કરફ્યુ તોડતા 63 ગુના અને 633 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ચેકીંગમાં માસ્ક નહીં પહેરનાર 3789 લોકો ઝપટે ચઢતા 10 દિવસમાં ₹ 37.89 લાખનો દંડ ફટકારી વસુલ કરાયો છે.

ભરૂચ જિલ્લા પોલીસ જિલ્લામાં લોકડાઉનથી માંડીને હાલ ચાલી રહેલા સમયગાળામાં તેમજ રાત્રી કરફયુ જાહેર થયા બાદ હાલમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મંદિર તથા મસ્જિદમાં પુજા – અર્ચના અર્થે ભેગા નહિ થવા અને પોતાના ઘરે જ પુજા – અર્ચના કરવા સમજાવી રહી છે. જેનો વિવિધ ધર્મોના વડાઓ, અનુયાયીઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે.

ભરૂચ અંર અંકલેશ્વર શહેર સહિત 9 તાલુકા મથકના વેપારીઓએ પણ સ્વયંભુ કરફ્યુ પાળી લોકડાઉન જાહેર કરીને વહિવટી તંત્રને સહકાર આપી રહ્યા છે. જિલ્લામાં વધી રહેલા કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન અને જાહેરનામાનું કડકપણે પાલન કરાવા માટે જિલ્લા પોલીસ દ્વારા જાહેરનામાનું સરેઆમ ભંગ કરી કોરોનાનો વ્યાપ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે.

પોલીસે છેલ્લા 10 દિવસમાં આઇ.પી.સી.કલમ 188 મુજબના રાત્રી કરફ્યુ ભંગ અંગેના 63 કેસો અને દિવસે માસ્ક ન પહેરવાના અને સોશ્યલ ડીસ્ટન્સ ના જાળવવા અંગેના જાહેરનામા ભંગના કેસો 1566 અને કુલ જાહેરનામા ભંગના કેસો 1629 કર્યા છે. માસ્ક ન પહેરવા બાબતે 3789 વ્યક્તિઓને રોકી ₹37.89 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

MV એક્ટ 207 મુજબ 633 વાહન ડીટેઈન કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસે માસ્ક ન પહેરનાર વ્યકિતઓને 1524 માસ્કનું વિતરણ કર્યું છે. સોશ્યલ મિડીયાના માધ્યમથી લોકડાઉન અંગેની ખોટી અફવાઓ ફેલાવનાર ઈસમો વિરુધ્ધ અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે . વિસ્તારમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, લોકો સ્વયંભુ શિસ્તનું પાલન કરે તો કોરોનાના સંક્રમણની ચેઈન બ્રેક કરી અને કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે , લોકો સ્વયંભુ શિસ્તનું પાલન કરે તે કોરોનાના સંક્રમણને અટકાવવાની ચાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud