- ચુંટણી ટાણે દારૂની હેરફેર મામલે પોલીસની સતર્ક કામગીરી
- બાતમીના આધારે વોચ ગોઠવીને ત્રણ લોકો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
- નીલ નંદન કોમ્પલેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી સમયે પોલીસ ત્રાટકી
WatchGujarat. ગતરોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હતી. આચાર સંહિતા લાગુ થયાના ગણતરીના કલાકોમાં જ બાતમીના આધારે હરણી પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા રૂ. 7.23 લાખનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. ચુંટણી ટાણે દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ સતર્ક હોવાનું જોવા મળી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા શહેરમાં દારૂ ધુસાડવાની ઘટનાઓ પર લગામ કરવા માટે પોલીસ સતર્ક થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હરણી પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ખુમાનસિંહને અંગત બાતમી મળી હતી કે, નીલ નંદન કોમ્પલેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી કરવામાં આવશે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રે 10-30 કલાકે દારૂની હેરાફેરી કરવા માટે આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ ગાડીઓમાંથી કુલ મળીને રૂ. 7.23 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે કામગીરી દરમિયાન રૂ. 20.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે કાર માલિક જિતેન્દ્ર ઉર્ફે જિતેન કૈલાશ પનવેલ (રહે – ઇંદિરા કોલોની, મકાન નં- 11 રાજગઢ- મધ્યપ્રદેશ), અભીલાષસિંગ ઉર્ફે રિંકુ પ્રેમસિંહ ઠાકુર (ભાટી) (રહે – કિલ્લા મેદાનની બાજુમાં, રાજગઢ-મધ્યપ્રદેશ) અને અમીત શાંતિલાલ માળી (રહે – નાગરવાડા)ની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી હતી. આમ, આચાર સંહિતા લાગુ થયા બાદ દારૂની હેરફેર ડામવા માટે પોલીસ સતર્ક રહી કામ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.