• પોલીસ આ મામલે કૃણાલ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 
  • ડો. ધીરેનની પોલીસે કડકાઇથી પુછપરછ કરતા વટાણા વેરી દઇ Tocilizumab ઇન્જેક્શન વાસદથી ખરીદ્યુ હોવાની કબુલાત કરી
  • સમગ્ર મામલાની તપાસ એ.ઓ.જી દ્વારા કરવામાં આવશે.
  • પીસીબી પોલીસે ઓડિયો ક્લિપના આધારે તપાસ કરી કાળાબજારીમાં સંડોવાયેલા ડોક્ટર અને મેલ નર્સની ગતરોજ ધરપકડ કરી હતી
  • આગામી સમયમાં રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે તેમ છે

WatchGujarat.  કોરોના મહામારી વચ્ચે લોકો જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાનું સામે આવતા પોલીસ ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું હતું. ગત રોજ ડોક્ટર અને મુસ્લીમ મેડીકલ સેન્ટરમાં કામ કરતા મેલ નર્સની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સોમવારે પોલીસે સમગ્ર મામલે કૃણાલ પટેલની અટકાયત કરી તપાસનો દોર લંબાવ્યો હતો.

કોરોના કટોકટી વચ્ચે પણ લોભીયાઓ આર્થિક ફાયદો લેવાનું ચુકતા નથી. કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે કાળા બજારી કરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. લોકો રેમડેસીવીર ઇન્જેક્શન પર પ્રિન્ટ કરવામાં આવેલી કિંમતથી ઉંચી કિંમતે લઇ રહ્યા છે. કાળાબજારીયાઓએ માઝા મુકતા હવે પોલીસ એક્શનમાં આવી છે. ગત રોજ પીસીબીના આધિકારીઓએ વિડીયો ક્લિપના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ડો.ધીરેન દલસુખભાઈ નાગોરા (ઉ.વ.41) (રહે- પાવનધામ સોસાયટી,ખોડીયાર નગર,વારસીયા રીંગ રોડ) ની ધરપકડ કરી હતી. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ડો. ધીરેને, રાહુલ વાળંદ (રહે- મુસ્લીમ મેડિકલ સેન્ટર,હરણખાના રોડ,પાણીગેટ,મુળ રહે-દેવગામ, તા.બાલાસીનોર) પાસેથી ઇન્જેક્શન લીધા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બીજું છટકું ગોઠવીને રાહુલની રંગેહાથ ધરપકડ કરી હતી. ઉપરોકત મામલે પાણીગેટ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે, ત્યાર બાદ પણ ઇન્જેક્શનનું પગેરૂ શોધવા માટે પોલીસ દ્વારા પ્રયાસો ચાલુ જ રાખવામાં આવ્યા હતા.

સોમવારે પોલીસે રેમડેસીવીરની કાળાબજારીમાં સંડોવાયેલા કૃણાલ પટેલની અટકાયત કરી હતી. અને તેનો કોવિડ ટેસ્ટ કરીને વધુ કાર્યવાહી આરંભી હતી. પોલીસે મામલાની ઝીણવટ ભરી તપાસ કરવા માટે આરોપીઓના ટેલીફોન અને બેંક એકાઉન્ટની ચકાસણી પણ કરશે. અને તે માટે ટેકનીકલ એક્સપર્ટની મદદ પણ લેવાશે. ડો. ધીરેન ની કારમાંથી મળી આવેલા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન નો સ્ત્રોત જાણવાની કામગીરી પોલીસે હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ડો. ધીરેન નાગોરાએ બે દિવસ અગાઉ વાસદ ટોલનાકા ખાતે જઇ કોવિડની સારવારમાં વપરાતા Tocilizumab ઇન્જેક્શનની રૂ 30 હજારમાં ખરીદી કરી, વડોદરામાં જરૂરીયાતમંદ વ્યક્તિને રૂ. 43 હજારમાં વેચ્યુ હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે. જેથી ઇન્જેક્શનની કાળાબજારીમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર મામલાની તપાસ હવે SOG દ્વારા કરવામાં આવશે.

લોકોના પ્રાણ પ્રશ્ને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચોતરફથી સરાહના થઇ રહી છે. આગામી સમયમાં રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે તેમ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud