- માસ્કના દંડની વસુલાતને લઇને રોજ નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે
- ગતરોજ સાંજે ફતેહગંજ વિસ્તારમાં ફોન પર વાત કરતી વેળાએ માસ્ક નીચે હોવાને કારણે યુવકને દંડ ફટકારવામાં આવ્યો હતો
- દંડ ભરપાઇ કરવાના રોડકા રૂપિયા ન હોવાને કારણે યુવક પાસેથી પોલીસ દ્વારા વ્યક્તિગત Google Pay એકાઉન્ટનો ઉપયોગ કરાયો
- શહેરમાં માસ્કનો દંડ ભરપાઇ કરવા માટે સંભવિત પ્રથમ વખત ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
WatchGujarat. માસ્કના અમલીકરણને લઇને રોજ રોજ નવી વાતો બહાર આવી રહી છે. થોડાક દિવસ પહેલા મહિલાએ માસ્ક પહેર્યુ હોવા છત્તા તેની પાસેથી માસ્કનો દંડ વસુલતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો કિસ્સો સામે આવ્યો હતો. તાજેતરમાં ફતેહગંજ વિસ્તારમાં ફોન પર વાત કરતી વેળાએ માસ્ક નીચે હોવાને કારણે યુવકને દંડ ફટકારવામાં આવ્યો હતો. યુવક પાસે રોકડ રૂપિયા ન હોવાને કારણે પોલીસ દ્વારા પૈસા વ્યક્તિગત Google Pay એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જો કે પોલીસ દ્વારા માસ્કના દંડની વસુલાત માટે કોઇ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવી નથી. જેને કારણે નવો વિવાદ સપાટી પર આવ્યો છે.
રાહુલ નવીનચંદ્ર પંડ્યાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું ગતરોજ નોકરી પરથી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કલ્યાણ હોટલની સામે ચા પીવા માટે ઉભો હતો. ચા પીઘા બાદ મેં માસ્ક પહેર્યું હતું. દરમિયાન મને ફોન કોલ આવતા હું ચાલતો ચાલતો ફોન પર વાત કરી રહ્યો હતો. અને મારૂ માસ્ક અડધું નીચે હતું. ફોન પર વાત કરતી વેળાએ સીવીલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ મારી પાસે આવ્યા અને મેં માસ્ક નથી પહેર્યું તેમ કહીને મને રૂ. 1 હજારનો દંડ ફટકાર્યો હતો. મારી ભુલ હતી હું દંડ ભરવા માટે રાજી થયો હતો.
પરંતુ મારી પાસે રોકડા પૈસા ન હતા. મેં પોલીસવાળાને જણાવતા તેમણે મને પોલીસ સ્ટેશન જવું પડશે તેમ કહ્યું હતું. પોલીસવાળાએ મને પૈસા ન હોય તો Google Pay મારફતે ઓનલાઇન પૈસા ભરપાઇ કરવાનો વિકલ્પ આપ્યો હતો. મેં પોલીસ દ્વારા આપવામાં આવેલા નંબર પર Google Pay કરી દીધું. અને ત્યાર બાદ મને પૈસા ભરપાઇ કર્યાની રીસીપ્ટ પણ આપવામાં આવી હતી. રીસીપ્ટ પર બુક નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રીસીપ્ટમાં પેન્સીલથી રૂ. 1 હજાર લખ્યા છે. પરંતુ રીસીપ્ટનો નંબરનો ઉલ્લેખ કરાયો છે. રાહુલ પંડ્યા સાથે અન્ય 3 જેટલા લોકોએ પણ માસ્ક દંડના રૂ. 1 હજાર ઓનલાઇન ભરપાઇ કર્યા હતા.
માસ્કના દંડ પેટે પૈસા ચુકવ્યા બાદ વાત રાહુલના ધ્યાને આવી કે, પોલીસ તંત્ર દ્વારા માસ્કનો દંડ ભરપાઇ કરવા માટે ઓનલાઇન પેમેન્ટનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. તો પછી કેવી રીતે દંડના પૈસા પોતાના એકાઉન્ટમાં કોઇ લઇ શકે. રાહુલ પંડ્યાએ માસ્કના દંડના પૈસા ઓનલાઇન વસુલવા અંગે ઝીણવટભરી તપાસ થવી જોઇએ તેવી માંગ કરી હતી. જો માસ્કનો દંડ ભરપાઇ કરવા માટે ઓનલાઇન પેમેન્ટની સિસ્ટમ ન હોય તો કેટલા લોકો પાસેથી આ રીતે પૈસા વસુલવામાં આવ્યા તે અંગે તપાસ થવી જોઇએ તેવી પણ માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ક ન પહેરવા અંગેના દંડની વસુલાતને લઇને રોજ નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અગાઉ પોલીસ કર્મીઓ જોડે લોકોએ દુર્વ્યવહાર કર્યો હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. જો કે, શહેરમાં માસ્કનો દંડ ભરપાઇ કરવા માટે સંભવિત પ્રથમ વખત ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.