વડોદરાના રાજકીય વિશ્લેષક ડૉ જયેશ શાહ

WatchGujarat. તાજેતરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતના સીએ વિજય રૂપાણીને સંદેશો લખીને મહામારી સમયે ભેગા મળીને કામ કરવાનું સુચન કર્યું હતું. ત્યાર બાદ વડોદરાના રાજકીય વિશ્લેષક ડૉ જયેશ શાહ દ્વારા ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો.

પત્ર :-

ભાઈશ્રી હાર્દિક,

આ કપરા કોરોના કાળમાં તારી તબિયતની કુશળતા ચાહું છું. ઈશ્વર તને પ્રજાના કાર્યો કરવા માટે સ્વસ્થ અને તંદુરસ્ત રાખે.

હાર્દિક, બે દિવસ પહેલાં તેં એક ટ્વિટ કર્યું હતું.

“श्री विजय भाई रूपानी ( मुख्यमंत्री, गुजरात ) हम आपसे गुजरात की जनता को कोरोना महामारी से बचाने एवं मदद करने के लिए विनती करते हैं। हमारी कांग्रेस पार्टी के पास ६५ विधायक है तो आप हमें भी काम बताए ताकि हम सरकार की जनता के हित में मदद कर सके। इस महामारी में साथ मिलकर काम करना होगा।“

ભાઈ હાર્દિક, મારે કેટલાંક પ્રશ્નો કરવા છે:

(૦૧) તું ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છે. તારી પાસે કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ છે. જો ખરેખર કામ કરવું હોય, સાચા દિલથી (હા.. સાચા “ડીલ”થી નહીં હોં) કામ કરવું હોય તો તને કોઈ રોકી શકે તેમ નથી. જો કોઈ રોકે તો લોકશાહી રીતે આંદોલન કરવાના ઘણા રસ્તા તારી પાસે છે. જનઆંદોલનનો તો તને બહોળો અનુભવ પણ છે. એટલે ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે કોંગ્રેસ પાસે જે ૬૫ ધારાસભ્યો છે તેમના માટે કામ માંગવા માટે મુખ્યમંત્રીશ્રી પાસે જવાની કોઈ જરૂરિયાત પડે એવી તારી વાત કોઈ માને જ નહીં.

(૦૨) જેને કામ કરવું છે તેને કામ કરવા માટે કોઈને પૂછવા જવાની કે કોઇની પાસે માંગવા જવાની જરૂર રહેતી નથી. આ વાત તારા જેવા સંગઠનકારને કરવાની ન હોય. પાટીદાર અનામત આંદોલન મહિનાઓ સુધી તેં ચલાવ્યું છે એટલે તને એટલી તો ખબર હોય જ કે કામ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે કઢાવી શકાય.

(૦૩) તેં મુખ્યમંત્રી પાસે કામ માંગ્યું છે. તારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોરોના મહામારીના સમયમાં કામ કરવું છે કે ગુજરાતની જનતાની સેવા કરીને કોંગ્રેસને બેઠી કરવી છે? મુખ્યમંત્રી પાસે કામ માંગવા જવું એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે શરમજનક ઘટના કહેવાય.

ભાઈ હાર્દિક, એક ઉદાહરણ સ્વરૂપે વડોદરા શહેર ભાજપે જે સેવાકીય કાર્યો ચાલુ કર્યા છે તે અંગે મારે તને માહિતગાર કરવો છે. વડોદરા શહેર ભાજપના પ્રમુખના સક્રિય પ્રયાસોથી વડોદરા શહેર ભાજપે વડોદરાની જનતાની મદદ માટે ગ્રાઉન્ડ લેવલ ઉપરના સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. કેવી રીતે કાર્ય કરી શકાય તે માટે વડોદરા શહેર ભાજપ શું કરી રહ્યું છે તે તને બતાવવા માંગુ છું. વડોદરા શહેર ભાજપના આ સાત સેવાકીય કાર્યો તરફ એક નજર નાખી જો.

(આ બધા કાર્યો અંગે સોશિયલ મીડિયામાં વડોદરા શહેર ભાજપ સતત પ્રચાર પણ કરી રહ્યું છે – પોસ્ટમાં આ સાતે સેવાકીય કાર્યો કેવી રીતે કરી રહ્યા છે તે હાર્દિક, તારી જાણ માટે ફોટો તરીકે એટેચ કરેલ છે)

(૦૧) વડોદરા શહેરના કોરોનાના દર્દીઓ માટે ટેલિ-કન્સલ્ટેશન સેવા (આ માટે વડોદરા શહેર ભાજપના બે ડોક્ટર્સ નિયુક્ત કર્યા છે અને તે માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે)

(૦૨) વડોદરા શહેરના નાગરિકો માટે કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલો દ્વારા જે બિલ આપવામાં આવે છે તે કોવિડના બિલોની સમસ્યા અંગે વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને મંત્રીના નેતૃત્વમાં એક ટીમ રચવામાં આવી છે અને તેઓએ ઘણા નાગરિકોને બિલમાં પડેલી તકલીફોની સમસ્યા દુર કરવામાં મદદ કરી છે અને કરી રહ્યા છે.

(૦૩) વડોદરા શહેરના નાગરિકોને કોરોનાની વેક્સિનને લગતી માહિતી તથા સુવિધા માટે વડોદરા શહેરના ભાજપના ડૉક્ટર કોર્પોરેટર અને શહેર ભાજપ મંત્રીના નેતૃત્વમાં સેવાઓ આપી રહ્યા છે.

(૦૪) કોરોનાના કારણે હોમ ક્વોરેન્ટાઇન થયેલા કુટુંબો માટે નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરી છે અને આજની તારીખ સુધી હજારો ટિફિન પહોંચાડવામાં આવ્યા છે. આ માટે વડોદરા શહેર ભાજપ મંત્રી અને ઉપપ્રમુખના નેતૃત્વમાં ટીમ ખડે પગે કામ કરી રહી છે.

(૦૫) વડોદરા શહેરના કોરોનાના દર્દીઓ માટે ફ્રી સિટી સ્કેન માટે વડોદરા મહાનગરપાલિકાના ભાજપના બે ડૉક્ટર કોર્પોરેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે.

(૦૬) વડોદરા શહેરના કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના અસ્થિકુંભ સ્મશાનમાંથી કુટુંબીજનો સુધી પહોંચાડવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાના નેતૃત્વમાં ટીમ કાર્યરત છે.

(૦૭) વડોદરા શહેરના કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના અસ્થિ વિસર્જનની સેવા માટે વડોદરા શહેર ભાજપના ત્રણ કાર્યકરોના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી છે. ગઇકાલે વડોદરા શહેર ભાજપના પ્રમુખ સહિતના પદાધિકારીઓએ સામૂહિક પૂજન પછી નદીના જળમાં અસ્થિ વિસર્જન કર્યું હતું.

ભાઈ હાર્દિક, વડોદરા શહેર ભાજપનું ઉદાહરણ આપીને હું ભાજપની ખોટી પ્રસંશા નથી કરી રહ્યો પરંતુ તને એ સમજાવવા માંગુ છું કે કામ કરવું છે તેને બધા રસ્તા મળી રહે છે. વડોદરા શહેર ભાજપ મુખ્યમંત્રીશ્રી પાસે કામ માંગવા માટે ન હોતું ગયું. વડોદરા શહેર ભાજપ પ્રમુખના ડાયનેમિક નેતૃત્વમાં જુદા જુદા પ્રકારના પ્રજાને સીધા સ્પર્શે એવા સેવાકીય કાર્યો તમામ કાર્યકર્તાઓના સહયોગથી હાથ ધર્યા છે અને ખડે પગે રહીને આ સેવાકીય કાર્યો સતત કરી રહ્યા છે.

ભાઈ હાર્દિક, તું આવા કાર્યો હાથ કેમ ન ધરાવી શકે? તું યુવાન છે. તારી પાસે ઘણી લાંબી રાજકીય કારકિર્દી છે. ગુજરાત કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે એમાંથી કેટલા ધારાસભ્યો કોરોનાના કપરા કાળમાં સતત પ્રવૃત્તિશીલ છે એનો સર્વે કરાવી લેજે. વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મારે રૂબરૂમાં વાત થઈ હતી. મેં તેઓને સૂચન કર્યું હતું કે કોરોનાની મહામારીમાં સતત પ્રજાની પડખે ઉભા રહીને જે રીતે ભાજપ કરે છે તે રીતે અસરકારક રીતે સેવાકીય કર્યો હાથ ધરશો તો પ્રજા તમને ભવિષ્યમાં ખોબે ને ખોબે મત આપશે. વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મને જવાબમાં એવું કહ્યું કે એ કાર્યો કરવા માટે અમે પૈસા ક્યાંથી લાવીએ? તેઓની આ વાત સાથે હું સંમત નથી. ગુજરાતના લોકો સેવાકીય પ્રવૃત્તિઓમાં પૈસા આપવા માટે પાછી પાની કરે એવા નથી. ગુજરાતના મહાજનો એમનો ભંડાર ખુલ્લો મુકી દે એવા છે. હા….તમારે ખાતરી આપવી પડે કે તમે સાચી રીતે સાચા દિલથી સેવાકીય કાર્યો કરશો.

ભાઈ હાર્દિક, વ્યૂહાત્મક પણ રચનાત્મક સેવાકીય કાર્યો સમગ્ર ગુજરાતમાં દરેક ગામમાં, દરેક નગરમાં અને દરેક મહાનગરમાં હાથ ધરવાનું શરૂ કર. સેવાકીય કાર્યો થકી જ ગુજરાતની જનતાના દિલ સુધી પહોંચી શકાશે. આ સેવાકીય કાર્યો એકાદ અઠવાડિયા માટે કે ફોટો સેશન માટે નહીં પરંતુ સાચા અર્થમાં કરવા પડશે. જો આવા સેવાકીય કાર્યો સતત બે-ચાર વર્ષ કરતો રહીશ તો ગુજરાતની પ્રજાને એક વિકલ્પ મળી શકશે. લોકશાહીમાં સક્ષમ વિકલ્પ અનિવાર્ય છે અને એવો વિકલ્પ કોંગ્રેસ સિવાય કોઈ આપી શકે જ નહીં.

હું આશા રાખું કે હવે તું ખરેખર સેવાકીય કાર્યો હાથ ધરવાનું શરૂ કરીને ગુજરાત કોંગ્રેસને પાયામાંથી બેઠી કરી શકીશ.

એ જ લિખિતંગ
સક્ષમ લોકશાહીનો પુરસ્કર્તા
એક ગુજરાતી નાગરિક

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud