• જરૂર પડ્યે બાકીના 22 જનરલ બેડને પણ ઓક્સિજન સુવિધા પુરી પડાશે
  • ફીઝીશીયનની મદદમાં વધુ 24 તબીબી અધિકારીની સેવાઓ ઉપલબ્ધ કરાઈ
  • સ્થાનિકકક્ષાએ 44 જેટલી સ્ટાફનર્સની નિમણૂંક સાથે ફરજ ઉપર
  • વિજય નર્સિંગ હોમ લેબોરેટરી અને નર્મદા ડાયગ્નોસ્ટિકસ સેન્ટર સાથે MOU થકી દરદીઓને લોહી તથા HRCTના રિપોર્ટની નિ:શુલ્ક સુવિધા

WatchGujarat. રાજપીપલામાં સરકારી આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના અવિરત પુરવઠા માટે 4 અલાયદી લાઇનની ઇન્સ્ટોલેશનની તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે. સેન્ટ્રલ ઓક્સિજન લાઇન દ્વારા હોસ્પિટલમાં 200 બેડની સુવિધા અંતર્ગત 168 જનરલ અને 10 વેન્ટીલેટર સહિત મળી કુલ 178 ઓક્સિજનવાળા બેડની સુવિધા ઉપલબ્ધ થઇ છે.

જેમાં 3 સ્પેશિયલરૂમમાં ઓક્સિજનવાળા 9 બેડની સુવિધાનો પણ સમાવેશ થાય છે. વધુમાં 22 જેટલા જનરલ બેડને પણ જરૂર પડ્યે ઓક્સિજન સુવિધા પણ પુરી પાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લિક્વીડ ઓક્સિજન માટેની પોટા ટેન્ક, ડ્યુરા ટેન્ક અને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ કરાયો છે.

રાજપીપલામાં 100 બેડની ક્ષમતા સાથે કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારે માત્ર 8 બેડ જ ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ હતાં. ત્યારબાદ સમયાંતરે ઓક્સિજનની સુવિધાવાળા વધુ બેડની જરૂરિયાત મુજબ તેમાં વધારો કરીને હાલની સ્થિતિએ હવે 178 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

રાજપીપલાના સિવિલ સર્જન અને કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ફીઝીશીયનની મદદમાં મેડીકલ ઓફિસરોની ભરતી માટે સ્થાનિક કક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત 12 જેટલા મેડીકલ ઓફિસરોની નિમણૂંક સાથે તેમની સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે.

જિલ્લા પંચાયતમાંથી પ્રતિનિયુક્તિ ઉપર અન્ય 12 જેટલા બોન્ડેડ તબીબી અધિકારીઓની પણ સેવાઓ લેવામાં આવી છે. હાલમાં ફીઝીશીયનની મદદમાં 24 જેટલા તબીબો ફરજ બજાવી રહ્યાં છે, નર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ સ્થાનિકકક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત 44 જેટલી સ્ટાફનર્સની સેવાઓ લઇને તેમને સેવારત કરાયેલ છે.

કોવિડ-19 ની લેબોરેટરીની સુવિધા વધારવા માટે વિજય નર્સિંગ હોમમાં કાર્યરત પટેલ લેબોરેટરી સાથે MOU કરાયેલ છે અને જિલ્લા કલેકટર ડી.એ. શાહની સૂચનાનુસાર દરદીઓના સીટીસ્કેન (HRCT) માટે નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર સાથે MOU કરાયા છે. દરદીઓના લોહી તથા સીટીસ્કેન (HRCT) ના રિપોર્ટની સુવિધા વિના મૂલ્યે પૂરી પડવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud