• વડોદરા અને આણંદના ફાર્માસીસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ એજન્સીઓની મીલીભગતથી ચાલી રહ્યું હતુ રેકેટ
  • 5400ની કિંમતના રેમડેસિવિર ઇન્જેક્શન 16થી 20 હજારમાં વેચાતા
  • વડોદરા અને આણંદથી ક્રાઇમ બ્રાન્ચે 90 ઇન્જેક્શન કબજે કર્યાં
  • કલાલીની શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા વિકાસ પટેલ પણ ઝડપાયો
  • આણંદની જયમન ફાર્માના જતીન પટેલ પાસેથી ખરીદવામાં આવતા હતા ઇન્જેક્શન
  • પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, વડોદરાની ડી.કે એન્ટરપ્રાઇઝના વિવેક પટેલની પુછપરછ હાથ ધરાઇ
  • રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં મેડિકલ એજન્સીઓ અને મેડિકલ સ્ટોરની પોલીસ તપાર કરશે
  • કોઇ પણ પ્રકારના બિલ કે પ્રિસ્ક્રીપ્શન વગર કાળાબજારીયાઓ ઇન્જેક્શનનો વેચતા હતા

 

Dr. ShamSher Singh

WatchGujarat. કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં બેડની અછત, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો કાળો કકળાટ ચાલી રહ્યો છે. તેવામાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે જીવન રક્ષક સમાન રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી રાજ્યભરમાં ચાલી રહીં છે. ભારે અછત વચ્ચે ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે જપ્તા કરાયેલા 90 રેમડેસિવિર ઇન્જેક્શન આવતિકાલે પોલીસ સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આપશે તેવુ શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘએ watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું છે.

કઇ રીતે ચાલી રહીં હતી રેમડેસિવિરની કાળાબજારી

શહેરની મેડિકલ એજન્સીઓ અને હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા શખ્સોની સાંઠગાંઠથી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી ચાલી રહીં છે. જેમાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ઋષી પ્રદિપભાઇ જેધ વચેટીયા તરીકે કાર કરતો હતો. કલાલી ખાતે આવેલી શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા વિકાસ પટેલ પાસેથી ઋષી રૂ. 13,500માં રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદી રૂ. 500 કમિશન ચઢાવી રૂ. 14,000માં વેચતો હતો. જે અંગેની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે છટકુ ગોઠવી રાજ્યના સૌથી મોટા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ઋષી જેધની અટકાયત બાદ શ્રોફ ફાઉન્ડેશનનો કર્મી વિકાસ પટેલ ઝડપાયો

સુભાનપુરા વિસ્તારમાં રહેતા ઋષી જેધની 17 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે અટકાયત કરી હતી. ત્યારબાદ ઋષીની પુછપરછ કરતા કલાલી સ્થિત શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા વિકાસ પટેલ (રહે. સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી) પાસેથી લાવ્યો હોવાનુ ખુલ્યું હતુ. જેથી ઋષીએ વિકાસ પટેલને ફોન કરી વધુ ઇન્જેક્શનની જરૂરીયાત હોવાથી ટેલિફોનીક વાત કરી હતી. વિકાસ પટેલ વધુ 12 ઇન્જેક્શન લઇ ઋષીને આપવા પહોંચ્યાં હતા. જ્યાં અગાઉથી વોચમાં રહેલી પોલીસે વિકાસ પટેલને 12 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો.

વિકાસ પટેલની પુછતાછનો રેલો આણંદની જયનમ ફાર્મા સુધી પહોંચ્યો

કલાલી સ્થિત નાંમકિત શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા વિકાસ પટેલની અટકાયત બાદ પોલીસે તેની કડકાઇથી પુછતાછ કરી હતી. જેમાં આણંદ જયનમ ફર્માના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શનનો જથ્થો મેળવતો હોવાનુ સામે આવ્યું હતુ. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જતીન પટેલના ઘરે દરોડો પાડતા 45 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતા. જેથી પોલીસે જતીન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શ્રોફ ફાઉન્ડેશનના મેડિકલ સ્ટોરના કર્મીએ 75 ઇન્જેક્શન તેના મિત્રોને વેચવા આપ્યાં હતા

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાયેલો વિકાસ પટેલ આણંદની જયનમ ફાર્માના જતીન પટેલ પાસેથી રૂપિયા કમાવવાની લાલચમાં તેના મિત્રોને વેચવા માટે આપતો હતો. જેમાં 75 ઇન્જેક્શન પૈકીના 25 પ્રતિક પંચાલને આપ્યાં હતા. બાકીના 50 ઇન્જેક્શન છુટ્ટાછવાયા જરૂરીયાતમંદોને મનફાવે તેવી કિંમત વસુલતા હતા. આમ પોલીસે વધુ એક વાર છટકુ ગોઠવી પ્રતિક પંચાલ અને મનન શાહને 16 નંગ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યાં હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવરની કાળાબજારી કરનાર શખ્સો પાસેથી જપ્ત કરાયેલા 90 ઇન્જેકશન મામલે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે, આ તમામ ઇન્જેક્શન જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી આવતિકાલે સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવશે.

આમ રાજ્યના સૌથી મોટા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર મામલે શહેરના મોટા મેડિકલ માફીયા, મેડિકલ એજન્સીઓ, હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મીઓની પણ સંડોવાણી હોવાનુ સેવાઇ રહ્યું છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud