• ભરૂચ જિલ્લાના 160 અગરોમા વર્ષે પાકતા 18 લાખ ટન મીઠા સામે આ વર્ષે 12 લાખ ટન ઉત્પાદનની શક્યતા
  • સિઝન 2 મહિના મોડી શરૂ થવા સાથે વાવાઝોડા અને વરસાદના કારણે હજી માર્કેટમાં 2 થી 3 મહિના મોડું મીઠું આવશે
  • 5000 અગારીયા પરિવારોની પણ હાલત કફોડી, રાહત પેકેજ આપવા સરકારી તંત્રને રજુઆત

WatchGujarat. ભરૂચ જિલ્લામાં 40,000 એકરમાં આવેલા 160 મીઠાના અગરને 110 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા અને 4 ઇંચ વરસેલા વરસાદથી મરણતોલ ફટકો પડયો છે. આ વર્ષે મીઠાનું ઉત્પાદન 7 થી 8 ટન ઓછું થવા સાથે રૂ. 50 કરોડના પ્રોડક્શનમાં નુકશાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે. જેને ધ્યાને લઇ મીઠા ઉદ્યોગ માટે રાહત પેકેજ જારી કરવા સરકારી તંત્રને રજુઆત કરાઈ છે.

જિલ્લામાં આવેલા મીઠા ઉધોગને તૌકતે વાવઝોડાથી કમરતોડ ફટકો પડ્યો છે. મીઠા ઉધોગને સૌ પ્રથમ વખત ભર ઉનાળામાં કે જયારે મીઠાનું ઉત્પાદન પૂર્ણ કક્ષાએ ચાલી રહેલ હોય ત્યારે આવા ભયાનક વાવાઝોડાની અસર સૌ પ્રથમવાર વર્તાઇ છે.

વાવાઝોડામાં 4 થી 6 ઈંચ વરસાદ તથા 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલ પવનને લીધે બેવડો માર માર્યો છે. વાગરા, જંબુસર, હાંસોટ વિસ્તારમાં રોજનું અંદાજીત 25,000 મે.ટન થી વઘુ મીઠાનું ઉત્પાદન હતું. જે 15 જુન થી પણ વધુ સમય માટે ઉત્પાદિત થાત તે મીઠાનું ઉત્પાદન 4 થી 6 ઈંચ વરસાદ પડવાને લીધે સંપૂર્ણપણે ધોવાઇ ગયું છે.

જેથી અંદાજીત 7,50,000 ટનથી વધુ મીઠાનું ઘોવાણ થયું છે. મીઠાની સીઝનને ફરીથી શરૂ કરવા માટે હવે દોઢ થી બે મહિનાનો સમયગાળો લાગે છે. આ સંજોગોમાં મીઠાના ઉત્પાદનની મૂળભૂત જરૂરિયાત પાકા પાણી છે જે પકવવા અસંભવ છે. જેથી વરસાદ બાદ શરૂ થતી સીઝનમાં અંદાજે 20% મીઠાનું ઉત્પાદન ઓછું થવાની શકયતા છે.

આ સંજોગોમાં અંદાજે 5 થી 7 લાખ ટનના મીઠાનું ઉત્પાદન વર્ષ 2021-22 ની સીઝન દરમ્યાન ઘટાડો થશે. પવનની ગતિ અને વધુ પડતા વરસાદને લીધે માટીથી બનાવેલ પાળા , તળાવો , કયારા સેકશન , રોડ – રસ્તા ને પારાવાર નુકશાન થયું છે. મીઠાના એકમોમાં 50 % થી વધું માટીનું ઘોવાણ છે જેનો અંદાજીત ખર્ચ 1 એકર દીઠ ₹10000 ગણી શકાય.

ભરૂચ જિલ્લામાં 40,000 એકરથી વધુ મીઠાની જમીનો ફાળવેલ છે. જે જોતા અંદાજીત નુકશાન રૂ. 40 થી 50 કરોડ જેટલું થાય છે. આ ઉપરાંત સોલ્ટ વર્કસમાં આવેલ વીજળીના થાંભલા , વીજ વાયરો , રહેણાંકના પતરા જેવી નુકશાની અલગ છે. સેન્ટ્રલ એન્ડ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ સુલતાન પટેલે સરકાર સમક્ષ નુકશાની અંગે રજુઆત કરી રાહત પેકેજ જારી કરવા માંગ કરી છે.

સરકાર પાસે રાહત પેકેજની મીઠા ઉદ્યોગની માંગણી

જિલ્લામાં વર્ષે 18 લાખ ટન મીઠું ઉત્પાદિત થાય છે. જે પૈકી 20% ખાવામાં અને 80 % અન્ય કંપનીઓમાં વપરાય છે. કુદરતી આપત્તિમાં મીઠા ઉધોગને ફોર્સ મેજર કુદરતી આફતનું સર્ટીફીકેટ આપવું જોઇએ. ભરૂચ જિલ્લાના તમામ મીઠા ઉત્પાદકોને 5,000 રૂપિયા પ્રતિ એકર પ્રમાણે આર્થિક સહાય પૂરી પાડવી. મીઠા ઉત્પાદકોને રૂપિયા 5,000 પ્રતિ એકર પ્રમાણે વગર વ્યાજની લોન બેંકમાંથી મળે તેમજ જિલ્લાનો મીઠા ઉધોગને 2 વર્ષ માટે ભરવાપાત્ર રોયલ્ટીમાંથી રાહત આપવી સહિતમાં યોગ્ય કરવા રજુઆત કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud