• પંચાયતની ચુંટણીમાં પ્રચાર દરમિયાન નસવાડીના હરિપુરા ગામમાં આવાસો અંગે સવાલ પૂછનાર નાગરિકને ધારાસભ્ય અભેસિંહ તડવીએ કાઢી મૂક્યો
  • ધારાસભ્યએ મતદારો સાથે ધમકીના સૂરમાં વાત કરીને મત આપીને ઋણ ચૂકવવા કહી દીધું
  • અભેસિંહ તડવીએ કહ્યું કે, તમને જે યોગ્ય લાગે તે કરજો, મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી

 

WatchGujarat. ચુંટણી ટાણે લોકોના મત માંગવા માટે લોભામણી જાહેરાતો ઉમેદવારો આપતા હોય છે. પરંતુ કેટલીય વખત જાહેરાતો હકીકતમાં પરિણમતી નથી. કોઇ પણ રાજનેતાને કોઇ સવાલ કરે તેવું બિલકુલ પસંદ નથી. જો કોઇ ચુંટાયેલા પ્રતિનિધીને તેમના ચુંટણી સમયે કરેલા વાયદા યાદ કરાવવામાં આવે તો જાહેરમાં તેઓ ઉદ્ધતાઇ પુર્વક વર્તન કરીને પ્રશ્ન પુછનારને અપમાનિત કરી દેતા હોય છે. તેમ છત્તા પોતોના હક માટે ડર બાજુ પર મુકીને લોકો ઉમેદવારોને સવાલો પુછતા જ રહે છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો મતદારો ધમકાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અભેસિંહ તડવી મતદારોને અવાજ બંધ કરાવતા કહે છે કે, અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવું પડશે અને મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી.

મત માંગવા પહોંચેલા ધારાસભ્યએ મતદારોને ધમકી આપતો વિડિયો વાઈરલ

28 ફેબ્રુઆરીએ યોજાનારી વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો અને અગ્રણીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં પ્રચાર દરમિયાન સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો મતદારોને અવાજ બંધ કરવા માટે ધમકી આપી હતી.

તું જા અહીંથી, ખોટી વાત શું કરે છે 

આવાસ અંગે પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનાર નાગરિકને ધારાસભ્યએ ત્યાંથી કાઢી મૂક્યો હતો. વાઈરલ વિડિયોમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી મતદારને ધમકાવતા કહે છે, બંધ, શાંતિ રાખ, કોઇના કહ્યા પર ચડી નહીં જવાનું. સમજ પડે છે ને જે બોલુ છે તે, તો પછી. બધુ કામ થશે ભાઈ. બંધ થા, તું જા અહીંથી, ખોટી વાત શું કરે છે ભાઈ, તમારા આવાસોના મકાન માટે બધુ કહ્યું છે. જોજો, હું આવીશ, આ ગામમાં આવીશ, મત મળશે, અનાજ મળ્યું છે, તમે ખાધુ છે, એટલે ઋણ ચૂકવવું પડશે, તમને જે યોગ્ય લાગે તે કરજો, મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી. સમજો હું સાચી વાત કરૂં છું. અમે કામ કરીને બેઠા છીએ. સરકાર રૂપિયા અને લોન આપે છે. ધારાસભ્ય પણ રૂપિયા આપે. છે.

ધમકીને પગલે લોકોમાં રોષ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાને મળેલા ભવ્ય વિજયનો લાભ લેવા માટે તમામ જિલ્લાઓમાં ભાજપ અગ્રણીઓ મેદાનમાં ઉતરી ગયા છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યએ મતદારો સમક્ષ ધમકીના સૂરમાં વાત કરી હતી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપ-કોંગ્રેસનું પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં 

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનો ચરમસીમાએ પહોંચી ગયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપાને મળેલા ભવ્ય વિજયનો લાભ લેવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મેદાનમાં ઉતરી ગયા છે. તો કોંગ્રેસે પણ પૂરજોશમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. કેટલાક ગામોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને જોરદાર આવકાર મળી રહ્યો છે. તો વળી કેટલાક ગામોમાં ઉમેદવારોને લોકોના રોષનું ભોગ બનવાનો વખત આવી રહ્યો છે, તો કેટલાક સ્થળોએ નેતાઓ ધમકીના સૂરમાં વાત કરીને લોકો પાસે મત માગી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud