• મહિસાગર જિલ્લામાં રહેતી HIV ગ્રસ્ત મહિલાને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લવાયા હતા
  • સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતા તેનો પતિ તેના દેહને કોલ્ડરૂમમાં મુકી નાસી છુટ્યો હતો
  • સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનના એસીપી મેઘા તેવારના માર્ગદર્શન હેઠળ SHE ટીમ કામે લાગી હતી
  • મૃતકની સાસુની આર્થિક સ્થિતી સદ્ધર ન હોવાના કારણે પોલીસે મહિલાની અંતિમ વિધી કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

Watchgujarat. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા મહિલાઓની મદદ માટે SHE ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ મહિલાઓને લગતા અનેક પ્રશ્નોનું સમાધાન લાવવામાં મદદરૂપ થાય છે. તાજેતરમાં રાવપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા HIV ગ્રસ્ત મૃતક મહિલાના વાલી વારસાને શોધી કાઢીને તેની અંતિમ ક્રિયા કરવામાં મદદ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસની સંવેદનશીલ છબી સામે આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર,  મહિસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકામાં જનોડ ગામે રહેતા મનીષાબેન (નામ બદલ્યું છે)ને HIV હોવાને કારણે તેમને સારવાર અર્થે તેમના પતિ 23 ફેબ્રુઆરીના રોજ એસએસજી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં મનીષા બેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં મુકવામાં આવ્યો હતો. તેમના પતિએ કોલ્ડરૂમમાં આવીને બે દિવસમાં પોતાની પત્નીને લઇ જશે તેમ જણાવ્યું હતું. અને કોલ્ડ રૂમમાં મુકવાની ફી પણ ભરી હતી. જો કે ત્યાર બાદથી મૃતક મહિલાનો પતિ તેનો દેહ લેવા માટે આવ્યો ન હતો. જેને લઇ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

રાવપુરા પોલીસ સ્ટેશનના એ.સી.પી મેઘા તેવરે મૃતક મહિલાના વાલી – વારસદારને શોધવા માટે SHE ટીમને કામે લગાડી હતી. SHE ટીમે મહેનત બાદ મૃતકના સાસુ કપિલાબેન મુકેશભાઇ હરિજન (રહે – ગણેશનગર, ન્યુ સમા રોડ, કેનાલ પાસે) ની ભાળ મેળવી તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. કપિલાબેને SHE ટીમ સમક્ષ પોતાની આર્થિક સ્થિતી સારી ન હોવાનું જણાવ્યું હતું. જેને ધ્યાને લઇને પોલીસે મૃતકની અંતિમવિધી પોલીસે જાતે કરી હતી.જેને કારણે પોલીસની સંવેદનશીલ છબી સામે આવી હતી. આમ, SHE ટીમની કામગીરીને પગલે કડક છાપ ધરાવતા પોલીસ કર્મીઓનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં મહિલાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતુ. એસએસજી હોસ્પિટલ રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાને કારણે બિનવારસી મૃતદેહોના નિકાલ તેમન એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરીયાતમંદ લોકોને પોલીસ વિભાગ દ્વારા મદદ કરવામાં આવતી હોય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud