• તબીબ અને સ્ટાફે આયોજન કરતા હોસ્પિટલમાં જ 100 માં જન્મદિનની કેક કપાઈ
  • ભરૂચમાં સેવા માટે અનેક સંસ્થાઓનો પાયો નાખનારાં પુષ્પાબેન પટેલે કોરોના પોઝિટિવ વચ્ચે 100 મો જન્મદિન ઉજવ્યો
  • 98 વર્ષની વયે કર્યું હતું પેરાગ્લાઇડિંગ , 18 વર્ષે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું આજે 100 વર્ષે પણ જાતે કાર ચલાવે છે

WatchGujarat. પુષ્પાબેન પટેલ. ભરૂચમાં કોઈક જ વ્યકિત એવી હશે કે જે આ નામથી અપરિચિત હોય….પોતાનું આખું જીવન લોકોની સેવા માટે ખર્ચી નાખનારાં પુષ્પાબેન કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વચ્ચેની જંગ વચ્ચે રવિવારે પુષ્પાબેને જીવનના વર્ષોની સદીની સફર પુરી કરી છે. જેને લઇને હોસ્પિટલના બિછાને જ તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પુષ્પાબેન અનેક સામાજિક સંસ્થામાં સક્રિય

ભરૂચની રૂંગટા વિદ્યાલય હોય કે સંસ્કાર વિદ્યાધામ, માનસિક દિવ્યાંગ બાળકોની ‘કલરવ’ હોય કે મૂક-બધિરની ‘ધ્વનિ’, અંધજનોની સંસ્થા હોય કે નર્મદા મહિલા ઔદ્યોગિક મંડળી, ઇનરવ્હીલ ક્લબ હોય કે રોટરી કલબ, નવું બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે મહિલા નાગરિક સહકારી બેન્ક, આ બધી સંસ્થાઓમાં પ્રાણતત્ત્વ એટલે કે પુષ્પાબહેન પટેલ. જ્યારે બધી સહકારી બેન્ક ફડચામાં જઈ રહી હતી, ત્યારે ભરૂચની મહિલા બેન્કે પુષ્પાબહેનની રાહબરીમાં રાષ્ટ્ર્રીય કક્ષાએ શ્રેષ્ઠ બેન્કનું પારિતોષિક મેળવેલું.

100 વર્ષે યુવાઓને પણ શરમાવે એવી સ્ફૂર્તિ, તેજ ચાલ, સામેવાળાને બરોબર પારખી લે એવી નજર, માથે લહેરાતા સફેદ બૌયકટ વાળ, ખાદીની ગુજરાતી શૈલીએ પહેરેલી સાડી, મોટે ભાગે સફેદ, પણ ક્યારેક રંગીન પણ હોય. અરે મૂડ આવે તો લાંબા કુરતા સાથે લોંગ સ્કર્ટ પણ પહેરી લે.

ગાંધીજીના પ્રભાવમાં આવી અભ્યાસ છોડી સેવાદળમાં સક્રિય બન્યા

માતા મણિબા અને પિતા ચુનીભાઈનાં પાંચ સંતાનોમાં સૌથી મોટાં પુષ્પાબહેનને એ જમાનામાં તમામ પ્રકારની સ્વતંત્રતા મળેલી. વાંચનનો શોખ હોવાથી પિતાએ ઘરમાં લાઇબ્રેરી કરી આપેલી. જમાનો ગાંધી પ્રભાવનો અને પુષ્પાબહેન એ રંગે રંગાયાં. આંદોલનમાં જોડાયાં. કોલેજનો અભ્યાસ છોડીને સેવાદળમાં સક્રિય બન્યાં.

 

18 માં વર્ષે કાર ચલાવવાનું લાઇસન્સ લીધેલું. તો આજે 100વર્ષે પણ સ્ટીયરિંગ છૂટ્યું નથી !

કામ કરતી વખતે લાંબા વાળ અવરોધરૂપ લાગતાં પિતાએ કાતર મૂકવાનું કહ્યું. ખરેખર કાતર મૂકી. પછી કદી વાળ વધવા ન દીધા. સ્વતંત્રતા પછી ભરૂચ સ્થાયી થયાં. મેડમ મોન્ટેસરીની મુલાકાતે તેમને બાળ શિક્ષણ તરફ વળવા પ્રેર્યા. તો બીજી તરફ આર્થિક રીતે પગભર થવા પેટ્રોલ, કેરોસિન, ડીઝલ ગેસની એજન્સી લીધી. સ્ત્રીઓને પગભર થવા મહિલા સંસ્થાઓ ઊભી કરી. ભારત-ચીન, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુવાન બહેનોને શારીરિક સુરક્ષા માટેની તાલીમ આપી. અપંગ વ્યકિતઓના સંસારી જીવનની ચિંતા કરીને યોગ્ય પાત્ર મળે એ માટે ‘પવિત્ર બંધન’ સંસ્થા ઊભી કરી, જે દર વર્ષે સંમેલન યોજીને યોગ્ય પાત્ર શોધવામાં સહાયરૂપ થાય છે અને લગ્નમાં પણ આર્થિક મદદ કરે છે.

ચાંદની રાતોમાં લોન્ગ ડ્રાઇવ, વરસાદમાં ભીંજાવું અને ગરમા ગરમ ભજીયા ખાવા આજે પણ ગમતો શોખ

તેમના ઘરનું નામ આનંદી. ત્રીજી પેઢી માટે નીનીમાસી કે નીનીફોઈ. ખરેખર આનંદી. એકવાર પૂછેલું કે ‘તમારી પ્રસન્નતા અને ઊર્જાનું રહસ્ય શું ? ‘ જવાબ મળ્યો ‘ગમતું કામ કરવું અને ન ગમતું કરવું પડે તો એને ગમાડી લેવું. ‘ પ્રવાસના શોખીન. દુનિયાભરમાં ફર્યાં છે. બે વર્ષ પહેલાં સાપુતારા 98મે વર્ષે પેરાગ્લાઇડિંગ કર્યું, જેના શરીફા વીજળીવાળા, આચાર્ય ઉપાસના શર્મા અને પ્રાધ્યાપિકા મીનલ દવે સાક્ષી છે ! ચાંદની રાતોમાં લોંગ ડ્રાઈવ પર જવું. વરસતા વરસાદમાં ભીંજાવું અને ગરમાગરમ ભજિયાં ખાવા આજે પણ ગમે છે !

કોવિડ હોસ્પિટલના તબીબ અને સ્ટાફે જ 100મી બર્થ ડે નું કર્યું બેડ પર આયોજન

21મી માર્ચે પુષ્પાબેન જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે 100મા જન્મદિવસે સાથે આઈસક્રીમ ખાવાનું પોતાનાં સ્વજનોને વચન પણ આપેલું હતું. જોકે કોરોના સંક્રમિત થતા તેઓ હાલ ભરૂચની આર.કે. કાસતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના જન્મ દિવસને યાદગાર બનાવવા હોસ્પિટલના તબીબ ડો.મિલાપ શાહ અને તેમની ટીમે વિશેષ આયોજન કર્યું હતું અને સારવાર દરમ્યાન પુષ્પાબહેન પટેલે કેક કાપી તેમના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

95 વર્ષે કુંવારી નામ ન લીધે દુબઈના વિઝા ન મળ્યા તો બીજા વર્ષે અમેરિકાનો પ્રવાસ કર્યો

ઘટના પાંચેક વર્ષ પહેલાંની છે. ભરૂચના સિનિયર સિટિઝન્સ ગ્રુપના કેટલાક સભ્યોએ દુબઈ પ્રવાસનું આયોજન કર્યું હતું. બધાને વિઝા મળવાનો વિશ્વાસ હોવાથી આયોજકોએ દરેકને ઊપડવાની તારીખે મુંબઈ પહોંચી જવાની સૂચના આપેલી. છેક છેલ્લી ક્ષણે આયોજકે દિલગીરી વ્યક્ત કરી કે ગ્રુપના સહુથી સિનિયર સભ્યના નામ આગળ ‘કુમારી’ લાગ્યું હોવાથી દુબઈના નિયમ મુજબ કુંવારી કન્યાને વિઝા મળી શકશે નહિ અને એ સિનિયર સભ્ય 95 વર્ષની વયના કુમારી પુષ્પા પટેલ ‘ચાલો દુબઈનો શેખ બચી ગયો !’ એમ હળવાશથી બોલીને ઘેર પાછા ફર્યાં ! આગલે જ વર્ષે એ અલાસ્કાની કઠિન સફર કરી આવેલાં.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud