• વડોદરા સયાજી હોસ્પિટલનો બાળ રોગ વિભાગ: ચમત્કારનો દાવો કર્યા વગર જ્યાં નિત્ય નવજાત શિશુની જીવન રક્ષાના મેડિકલ મિરેકલ થાય
  • ફેફસાના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે જન્મેલા બચ્ચાની જીંદગીને સારવારથી આપી સ્થિરતા

WatchGujarat. વડોદરાની સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ છે અને માત્ર પૂર્વ કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જ નહિ પરંતુ છેક મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આરોગ્ય સેવાના જરૂરતમંદોને અહી સારવાર સેવા મળી રહે છે.

આ હોસ્પિટલનો બાળ રોગ વિભાગ ડો.શીલા ઐયરના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને આ સમર્પિત ટીમ અધૂરા માસે જન્મેલા, નવજાતથી લઈને બાળ વય સુધીના બચ્ચાઓની જે સારવાર કરે છે, તે મેડિકલ મીરેકલથી કમ નથી. જો કે તેઓ ચમત્કારનો કોઈ દાવો કર્યા વગર સમર્પિત પણે તેમનું આ કામ કર્યે જાય છે.

ખાસ કરીને અધૂરા માસે જન્મતા બાળકોના વિવિધ અંગો, અવયવોનો પૂરતો વિકાસ થયેલો ન હોવાને લીધે જટિલ તબીબી મુશ્કેલીઓ સર્જાય છે તેવી જાણકારી આપતાં ડો.શીલાબેને એક સંવાદમાં જણાવ્યું તાજેતરમાં જ વડોદરા થી લગભગ પોણા બસો કિલોમીટરના અંતરે અલીરાજપુરથી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થાએ જન્મેલી બાળકીને અહી લાવવામાં આવી જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

 

1750 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી આ બાળકીના ફેફસાંનો યોગ્ય વિકાસ થયો ના હોવાથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેની સારવારની અલીરાજપુરમાં ઉચિત સુવિધા ન હોવાથી મધ્ય પ્રદેશ આરોગ્ય તંત્રે આ બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરી હતી.

અહી બાળ રોગ વિભાગની સમર્પિત ટીમે આ સાવ માસૂમ બચ્ચાની તબીબી તકલીફોનો તાગ મેળવી એને સિપેપ વેન્ટિલેટર પર રાખીને સરફેક્ટેન્ટ જેવી મોંઘી દવાઓ આપીને એના સ્વાસ્થ્યને સ્થિરતા આપી છે.હાલના તબક્કે તેની જીવન રક્ષા થઈ છે અને સારવાર ચાલુ છે.શ્વાસની આવી તકલીફ સાથે આટલી લાંબી મુસાફરી કરીને તાજુ જન્મેલું બચ્ચું અહી હેમખેમ લાવી શકાયું એ પણ ચમત્કારથી કમ નથી એવું ડોકટરનું કહેવું છે.

જન્મજાત ખામીઓ સાથે જન્મતા બાળકોની મુશ્કેલીઓ ખૂબ જટિલ હોય છે અને નાજુક ,અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસીજર કરવો અઘરો હોય છે અને ખૂબ બારિકી અને કુશળતા માંગી લે છે. આવો જ એક કિસ્સો જન્મ સમયે આંતરડાનો વિકાસ શરીરની બહાર થયો હોય એવા એક શિશુનો છે.તબીબી વિજ્ઞાન આ વિસંગતિને ગેસ્ટરો સ્કાયાશિશ જેવા અઘરા નામે ઓળખે છે.

આ બાળકના શરીર બહાર વિકસેલા આંતરડાને ખૂબ જટિલ શસ્ત્રક્રિયા દ્વારા શરીરની અંદર મૂળ સ્થાને બેસાડીને તેની હાલત સુધારવામાં આવી અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવ્યા .જેના પરિણામે એની તબિયત સ્થિર થઈ, સુધરી અને માતાપિતા પરિવારને રાહત મળી.

બીજું એક બાળક ડાયા ફ્રેગમેટિક હર્નીયાની મુશ્કેલી સાથે જન્મ્યું હતું. માના પેટમાં જ આંતરડા જેવા અંગોના અવ્યવસ્થિત વિકાસને લીધે આ બાળકના ઉદર પટલમાં ખામી સર્જાઈ હતી.જેનો તબીબી કુશળતા સાથે ઈલાજ કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું.

વધુ એક કિસ્સામાં એક બાળક ને ભરૂચ જિલ્લાના નેત્રંગથી અહી લાવવામાં આવ્યું હતું જેના શરીરમાં અન્ન નળી અને શ્વાસ નળી જોડાયેલા હતા.નાજુક શરીર પર જટિલ સર્જરી ખૂબ કુશળતા સાથે કરી ,આ બંને વાયટલ ઓર્ગન્સને નવેસરથી સ્થાપિત કરીને આ બાળકને નવું જીવન આપવામાં આવ્યું તો જન્મ વખતે જ મોટી ગાંઠ, ઓવેરિયન સિસ્ટ ધરાવતા બાળકને જરૂરી શસ્ત્રક્રિયા દ્વારા સાજુ કરવામાં આવ્યું.

ડો.શીલાબેન કહે છે કે આવા અધૂરા માસે જન્મેલા કે નવજાત બાળકોની શારીરિક અને અવયવ વિષયક ગૂંચવણો તબીબી જ્ઞાનની કસોટી કરનારી હોય છે.પરંતુ અમારા સમર્પિત બાળ રોગ તબીબો ,નર્સિંગ સ્ટાફ જરાય મૂંઝાયા વગર પોતાના જ્ઞાન અને અનુભવજન્ય કુશળતાનો વિનિયોગ કરીને એમને નવું જીવન આપવામાં જરાય પાછીપાની કરતાં નથી.

બાળ સર્જરીના નિષ્ણાત તબીબો, એનેસ્થેટિસ્ટ અને સયાજી હોસ્પિટલની સર્જીકલ ટીમનું નાના બચ્ચાઓની નાજુક અને જટિલ શસ્ત્રક્રિયાઓ ઘણું સંનિષ્ઠ અને સમર્પિત યોગદાન છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે હકીકતમાં બાળ સારવારમાં ઘણી તબીબી શાખાઓના સહયોગથી સમન્વિત કામગીરી અનિવાર્ય છે. કોરોનાના લોક ડાઉનમાં પણ આ વિભાગની કામગીરી એટલી જ ધમધમતી રહી હતી.

આ વિભાગ સાથે સંકળાયેલા એકમોમાં નવજાત બાળકોના આંખના પડદાની, શ્રવણ શક્તિના વિકાસની અને અન્ય જરૂરી તપાસો કરવામાં આવે છે જે તેમને ખૂબ યોગ્ય સમયે જરૂરી સારવાર આપી આજીવન ખામીમાંથી ઉગારી લે છે.

સરકારી દવાખાનાને સાધન, સુવિધા અને સ્ટાફની મર્યાદા હોય છે.આ તમામની વચ્ચે અહી શક્ય તેટલી ઉત્તમ સારવાર લગભગ વિનામૂલ્યે આપવામાં આવે છે.બાળ રોગ વિભાગની આ સમર્પિત સેવા સ્વસ્થ પેઢીના ઘડતરમાં અમૂલ્ય યોગદાન ગણી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud