• સયાજી હોસ્પિટલનો બાળ રોગ વિભાગ કોરોના કાળમાં સંક્રમિત બાળકોની સારવાર ની મેડિકલ મિરેકલ પરંપરા આગળ ધપાવે છે
  • એકાદ મહિના દરમિયાન આ વિભાગમાં કોરોના શંકાસ્પદ 150 જેટલાં બાળકોના ઓપીડી સ્ક્રીનીંગ દરમિયાન 70 બાળકો પોઝિટિવ જણાયા
  • અન્ય એક બાળકને કોરોનાની સાથે લીવરમાં મોટું એબસેસ હોવાથી સારવારમાં બેવડો પડકાર ઉમેરાયો

Watchgujarat. કોરોનાના વર્તમાન બીજા મોજાની વિશેષતા એ છે કે આ વખતે નવજાત બાળકો અને અન્ય નાના બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યું છે અને તેનું મૂળ બહુધા વડીલોને થતો કોરોના છે જેનો ચેપ લગતા બાળકો પણ સંક્રમિત થયાં છે. સયાજી હોસ્પિટલનો બાળ રોગ સારવાર વિભાગ બાળકોની અસરકારક સારવાર માટે જાણીતો છે.

બાળ કોરોનાના પડકાર સામે સારવારની સમુચિત વ્યવસ્થા સાથે આ વિભાગે કોરોના પીડિત બાળકોની સારવારમાં પણ જાણે કે તબીબી ચમત્કાર –  મેડિકલ મિરેકલની પરંપરા જાળવી અને આગળ ધપાવી છે.૬ નવજાત સહિત ૨૫ જેટલા કોવિડ સંક્રમિત બાળકોને યોગ્ય સારવાર આ વિભાગમાં આપવામાં આવી છે અને ૨૩ જેટલા બાળકોને રોગમુક્તિથી નવું જીવન આ વિભાગે આપ્યું છે.વિવિધ પ્રકારની કો મોર્બિડીટીની ભારે જટિલતાને લીધે ભરસક પ્રયાસો કરવા છતાં બે બાળકો ની જીંદગી બચાવી શકાય નથી.

હાલમાં અહી એક પ્રસૂતા માતા જેની ગાયનેક વિભાગમાં પ્રસૂતિ થઈ હતી તે અને તેનું સાવ કુમળું બાળક કોવિડના ચેપની સારવાર હેઠળ છે. આ અંગે જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું કે માતા એ લગભગ બારેક દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો અને ઘેર ગયા પછી માતા અને બાળક બંનેને કોવિડનો ચેપ લાગતા અમારા વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.ખાસ કરીને બાળક ને તાવ,ખાંસી અને શ્વાસ ચઢવા જેવી મુશ્કેલીઓની સારવાર પછી હવે એની તબિયત સ્થિર છે. માતા ને પણ પી.પી.ઈ. કીટ પહેરાવી એની સાથે જ રાખવામાં આવી છે.બાળકને માતાની ધાવણ આપવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને નવજાત અને અન્ય બાળકોને ઘરમાં સંક્રમિત વડીલોથી ચેપ લાગતો હોય તેવું જણાય છે ત્યારે આવા સંજોગોમાં બાળકોને તેમનાથી દૂર અને ચેપ મુક્ત રાખવાની કાળજી લેવી હિતાવહ જણાય છે. તેવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના જન્મથી જ એક કિડની અને ક્રોનિક કિડની રોગ ધરાવતા બાળકને કોવિડનો ચેપ લાગતા તેની પણ પડકારજનક સારવાર આ વિભાગમાં ચાલી રહી છે.

કિડની મૂળે નબળી હોય અને કોરોનાનો ચેપ લાગે ત્યારે કેસ ખૂબ જટિલ બને છે.એટલે આ બાળકને ઓક્સિજન સહિત જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. એટલે બાળક નાનું હોય અને માતા ચેપ ધરાવતી હોય ત્યારે એણે માસ્ક પહેરવાની,શિલ્ડ પહેરવાની અને બાળકને સલામત અંતરે રાખવા જેવી કાળજી લેવી જોઈએ.

છેલ્લા એકાદ મહિના દરમિયાન આ વિભાગમાં કોરોના શંકાસ્પદ 150 જેટલાં બાળકોના ઓપીડી સ્ક્રીનીંગ દરમિયાન 70 બાળકો પોઝિટિવ જણાયા હતાં.આ પૈકી 25 ને દાખલ સારવારની જરૂર પડી. જ્યારે 70 – 80 ટકા બાળકોની હોમ કવોરન્ટાઈન હેઠળ સારવાર શક્ય બની છે.

અન્ય એક બાળકને કોરોનાની સાથે લીવરમાં મોટું એબસેસ હોવાથી સારવારમાં બેવડો પડકાર ઉમેરાયો છે.રાહતની વાત એ છે કે કોરોનાના ચેપ થી આ બાળક ના ફેફસા અને અન્ય અંગો પર મોટો પ્રભાવ પડ્યો નથી.એને લીવર માટે સરજીકલ ડ્રેનેજ સહિત કોરોનાની જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

ડો.શીલાબેન જણાવે છે કે વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા હોય એવા બાળકોને કોરોનાનો ચેપ ઝડપથી લાગી શકે છે.એટલે હાલમાં લોહી ઓછું હોય,કુપોષિત હોય,લાંબા ગાળાની કિડની ની બીમારી હોય,બાળક વિવિધ કારણોસર ઇમ્યુનો કોમ્પ્રોમાઈઝ હોય તો ચેપથી બચાવવા ની સમુચિત કાળજી લેવી ખૂબ જરૂરી છે કારણ કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં ચેપ લાગે ત્યારે આ પ્રકારના બાળકોની સારવાર ખૂબ જટિલ બની જાય છે.

નવજાત શિશુની માતા શિલ્પા પંચાલ અને એક કિડની વાળા બાળકની માતા ચંપા બહેને તેમના વહાલુડાઓને મળી રહેલી ખૂબ સારી સારવાર અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી છે.

બાળકોના અંગો નાના અને અવિકસિત હોય છે.એટલે બાળ રોગોમાં ખૂબ કુશળતા, જ્ઞાન અને અનુભવનો સમન્વય કરી નાજુક સારવાર આપવાની હોય છે.કોરોના ના ચેપથી બાળ સારવારમાં પડકાર વધ્યો છે.પરંતુ,સયાજી ના બાળ રોગ વિભાગની આખી ટીમ પોતાના જ્ઞાન અને કુશળતાના આયુધો અને બાળકોને સાજા કરવાની નિષ્ઠા દ્વારા બાળ કોરોનાના પડકારનો સફળ મુકાબલો કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud