• 2 વર્ષથી કેનેડા જવાનું કોરોનામાં અટવાયા બાદ હવે એર ટિકિટ, હોટલ કવોરંટાઇન અને કોલેજમાં ભરેલી લાખોની ફી અને ડિપોઝીટ સાથે ભાવિ અઘ્ધર
  • MBBS માટે કેનેડામાં એડમિશન લેનાર વિદ્યાર્થીને એર ઇન્ડિયાએ ફ્લાઈટની તારીખ તો વધારી આપી પણ વિઝાને લઈ અનિશ્ચિતતા
  • ભરૂચ જિલ્લામાંથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, દક્ષિણ આફ્રિકા વર્ક પરમીટ, સ્ટુડન્ટ વિઝા કે PR પર જનાર લોકો વિસામણમાં મુકાયા

WatchGujarat.  દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ અગાઉ કેનેડિયન ગર્વર્મેન્ટે ભારતની ફ્લાઈટો પર 30 દિવસનો બેન લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ 15 મે સુધી ફ્લાઈટો બંધ કરી દીધી છે. જેને લઇને ભરૂચ સહિત દેશના તમામ યુવક – યુવતિઓના મનમાં વિદેશ જવા બાબતે એક જ સવાલ ઉઠી રહ્યો છે, કેવી રીતે જઇશ ?

ગત વર્ષથી કોરોનાએ દેશ સહિત દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, વર્ષ 2020 માં દેશમાં કોવિડ-19 ની સ્થિતિ હાલની જેમ બેકાબુ ન હતી. જોકે ભરૂચ જિલ્લામાંથી વિદેશ ઉચ્ચ અભ્યાસ, વર્ક પરમીટ, PR માટે ગત વર્ષે જ કોરોના કાળમાં પણ જિલ્લામાંથી વધુ ફાઈલો મુકાઇ હતી.

હાલની દેશમાં કોરોનાની અત્યંત ખરાબ સ્થિતિને લઈ અગાઉ કેનેડા એ ભારતથી આવતી તમામ ફ્લાઈટો 30 દિવસ માટે બંધ કરી દીધી છે. જે બાદ ઓસ્ટ્રેલિયા એ પણ 15 મે સુધી ભારતીયોની તેમના દેશમાં ઉડાન પર રોક લગાવી દીધી છે.

હવે જિલ્લાના ખાસ કરીને વિધાર્થીઓ અને તેમના વાલીઓ માઠી સ્થિતિમાં મુકાઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી કેનેડા અને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવાનું આયોજન કરી IELTS પરીક્ષા આપી, ત્યાંની યુનિવર્સીટીમાં એડમિશન લેવા સાથે લાખો રૂપિયા ફી અને ડિપોઝીટ ભર્યા છતાં કોરોનાને લીધે તેઓનું જવાનું અટવાઈ ગયું છે.

ભરૂચ જિલ્લામાંથી જ 60 થી વધુ વિધાર્થીઓએ કેનેડા સ્ટડી માટે એપ્લાય કર્યું હતું, જેમનું એડમિશન, હોસ્ટેલ, ફી, ડિપોઝીટ સાથે હોટલમાં કવોરંટાઇન અને ટિકિટ પણ આવી ગઈ હતી. જોકે દેશમાં વધેલા કેસોને લઈ ભારતીય ઉડાનો પર બ્રેક લગાવી દેતા હવે કવોરંટાઇન માટે ભરેલા લાખો રૂપિયા અને ફ્લાઈટની ટિકિટ પણ એડે જાય તેમ છે.

અંકલેશ્વરના ઝૈડ ચોકસીએ કેનેડામાં MBBS માટે એડમિશન લીધું હતું. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લાખો રૂપિયા ભરવા છતાં 2 વર્ષ તેના અહીં જ બગડી ગયા છે. એર ઇન્ડિયાએ તો તેની ટિકિટ 16 મેં સુધી એક્સ્ટેન કરી આપી છે પણ હજી પણ તે જઇ શકશે કે નહીં તેના પર અનિશ્ચિતતા રહેલી છે.

સાજીદ ચોકસી એ જણાવ્યું હતું કે, તેઓ એ પોતાના સંતાન માટે કેનેડા યુનિવર્સીટીમાં ₹ 9 લાખ ફી, ₹5 લાખ ડિપોઝીટ, એરપોર્ટ પાસે હોટલમાં 3 દિવસ કવોરંટાઇનના ₹ 1.20 લાખ અને બાદમાં હોસ્ટેલમાં કવોરંટાઇનના નાણાં ભરી દીધા છે. ફ્લાઈટના ₹48000 પણ આપી દીધા છે. જોકે કેનેડા ક્યારે ભારતીયો માટે ઉડાન શરૂ કરશે તેના પર તેમના દીકરા સહિત જિલ્લાના અન્ય વિધાર્થીઓનું ભાવિ આધાર રાખે છે.

દેશ અને દુનિયામાંથી વહેલી તકે કોરોના મહામારી નાબૂદ થાય તે માટે પણ તેઓ પ્રાર્થના અને દુઆઓ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાંથી જ છેલ્લા 2 વર્ષમાં કેટલાય વિધાર્થીઓ, યુવાનો અને પરિવારોએ સ્ટુડન્ટ, વર્ક વિઝા અને PR માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, રશિયા, UK, સાઉથ આફ્રિકા માટે એપ્લાય કર્યું છે, જેઓની તમામ ફોર્મલિટી પુરી થઈ ગઈ છે. લાખો રૂપિયા પણ ભરી દીધા છે પણ કોરોનાના કારણે તેઓ ક્યારે જઇ શકશે તે કહી શકાય તેમ નથી.

એક તરફ વિદેશની કોલેજોમાં અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે અને અહીંથી લોન લેનારના હપ્તાઓ પણ શરૂ થઈ ગયા છે ત્યારે કોરોના સંક્રમણ કાબુમાં આવે તેના પર જ તમામ મદાર હાલ રહેલો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud