- છાણીના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 વર્ષનાં કિશોર અને કિશોરી બંને એક જ વિસ્તાર રહેતા હતા
- નાનપણથી જ સાથે રહેતાં અને રમતાં કિશોર અને કિશોરી વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા બંધાઇ હતી, જે પ્રેમમાં પરિણમી
- સાથે રહેવા માટે બંન્નેએ ઘર છોડી વાપીમાં સંસાર માંડ્યો
WatchGujarat. ઘરઘત્તા રમવાની ઉંમરે શહેર નજીક આવેલા છાણીમાં રહેતા અને શાળામાં ભણતા છોકરો અને છોકરીએ સાથે રહેવા માટે ઘર છોડ્યું હતું. ઘરેથી પૈસા લઇને જેમ તેમ કરીને છોકરો- છોકરી વાપી પહોંચ્યા હતા. ત્યાં જઇને પોતાનો સંસાર માંડ્યો હતો. જો કે મોબાઇલ શરૂ કરતા પોલીસે તેમનું લોકેશનના આધારે ભાળ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસે છોકરો અને છોકરીને પરત લાવી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
વડોદરાના છાણીના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 વર્ષનાં કિશોર અને કિશોરી બંને એક જ વિસ્તાર રહેતા હતા. બંને અલગ-અલગ સ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરે છે. નાનપણથી જ સાથે રહેતાં અને રમતાં કિશોર અને કિશોરી વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા બંધાઇ હતી. જે પ્રેમમાં પરિણમી હતી. છેલ્લાં 5 વર્ષથી બંને ગળાડૂબ પ્રેમમાં પડ્યાં હતાં. બંને શાળામાં જતી વખતે એકબીજાને મળતાં હતાં. કોરાના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ થઇ ગઇ હોવાથી કિશોર અને કિશોરી ખુલ્લા મનથી એકમેકને મળી શકતાં ન હતાં.
6 દિવસ પછી પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરાઈ
ગત 28 તારીખે સવારે 8-30 વાગ્યે બંને ઘરેથી ભાગી ગયાં હતાં. બંને ઘરમાં જોવા ન મળતાં તેમના પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે તેમનો કોઇ પત્તો ન મળતાં આખરે 31મી ડિસેમ્બરે પોલીસને જાણ કરતાં છાણી પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. જોકે 6 દિવસ પછી પણ બંનેનો કોઇ પત્તો મળી શક્યો ન હતો.
ટ્રેન ન મળતા ખાનગી ટેક્સી કરીને બંન્ને વાપી પહોંચ્યા
પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, વડોદરામાંથી ભાગવાનો પ્લાન બનાવ્યા બાદ બંન્ને રણોલી રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. પરંતુ ટ્રેન ન મળવાને કારણે બંન્ને છકડા મારફતે સયાજીગંજ ખાતે આવ્યા હતા. ત્યાંથી ખાનગી ટેક્સી કરીને તેઓ વાપી પહોંચ્યા હતા. વાપીમાં આવેલી વસાહતમાં રૂ. 500 ના ભાડે રૂમ લીધો હતો અને પોતાનો ઘરસંસાર શરૂ કર્યો હતો. આમ, આ રીતે તેઓએ સાથે રહેવાનું સ્વપ્ન જીવવાનું શરૂ કર્યું હતું.
પૈસા પુરા થતા છોકરાએ કાપડની દુકાનમાં કામ કરવાનું ચાલુ કર્યું
બંન્ને રૂ. 30 હજાર લઇને સુરત ગયા હતા. પરંતુ પૈસા પુરા થતા છોકરાએ કામ શોધવાનું શરૂ કર્યું હતું. નજીકમાં આવેલી કાપડની દુકાનમાં તેને કામ મળ્યું હતું. કપડાની દુકાનમાં છોકરાને દિવસના રૂ. 366 લેખે પ્રતિદીન ચુકવવામાં આવતા હતા. પૈસા પૂરા થતા ઘરસંસાર ચલાવવા માટે છોકરાએ કાપડની દુકાનમાં નોકરી પણ કરી હતી.
મોબાઇલ લોકેશનના આધારે પોલીસને બંન્નેની ભાળ મળી
દરમિયાન છોકરાએ તેનો મોબાઇલ ચાલુ કર્યો હતો. મોબાઇલ ચાલુ કરતાની સાથે તેમની તપાસ કરી રહેલી પોલીસને લોકેશન મળ્યું હતું. લોકેશન મળતાની સાથે પોલીસ એલર્ટ બની હતી. અને બંન્નેને પરત લાવવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. હાલની સ્થિતીએ પોલીસે છોકરીને તેના પરિવારજનોને સોંપી દીધી છે. અને છોકરા સામે દુષ્કર્મનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.