• વડોદરાના કલાકારોને કામ આપવાની મીઠી વાતો કરી પ્રોડ્યુસર દ્વારા કલાકારોનું આર્થિક શોષણ કરાયું.
  • સિરીયલના કલાકારો સહિતના સ્ટાફ સાથે પ્રોડ્યુસર દ્વારા મજૂર જેવું વર્તન.
  • સારો પ્રતિસાદ મેળવનાર સિરીયલ પ્રોડ્યુસરના ગંદા દાવપેચને પગલે બંધ કરવામાં આવી રહી છે.
  • બાકી નાણાં ચુકવવામાં પ્રોડ્યુસર દ્વારા ઠાગાઠૈયા કરાશે તો પોલીસ ફરિયાદ કરવાની કલાકારોની તૈયારી.

Watch Gujarat. જાણીતી ચેનલ પર પ્રસારિત થતી એક સિરીયલનું શૂટિંગ છેલ્લાં 9 – 10 મહિનાથી વડોદરામાં થઈ રહ્યું છે. તાજેતરમાં સિરીયલના આધેડ ક્રિએટિવ હેડ દ્વારા પોતાની દિકરીની ઉંમરની યુવતી પર નજર બગાડવામાં આવી હતી. આ બાબત કલાકારોના ધ્યાનમાં આવતાં પ્રોડ્યુસરોને તાબડતોબ ક્રિએટિવ હેડ બદલી નાંખવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મુંબઈના પ્રોડ્યુસર્સ દ્વારા સિરીયલના કલાકારો સહિતના સ્ટાફ સાથે મજૂર જેવું વર્તન કરવામાં આવતાં, આખરે કલાકારોમાં રોષ ફાટી નિકળ્યો હતો. જેને પગલે ટૂંક સમયમાં સિરીયલ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાતી ટીવી ઇન્ડસ્ટ્રીનું સ્તર ઉંચું નહીં આવવા પાછળના કારણોમાં એક મહત્વનું કારણ પ્રોડ્યુસરોની લોભ લાલસા અને કપટવૃત્તિ છે. એવી જ કોઈ વૃત્તિ સાથે મુંબઈના પ્રોડ્યુસર્સ દ્વારા સિરીયલના શૂટિંગ માટે વડોદરાની પસંદગી કરવામાં આવી હતી. વડોદરાના કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવશે, એમને પ્રસિદ્ધિ મળશે એવી મીઠી વાતો કરીને શહેરના જ મોટાભાગના કલાકારો સાથે ગત ફેબ્રુઆરી 2020માં સિરીયલનું વડોદરા શૂટિંગ શરૂ કરાયું હતું. જોકે, કોરોના કાળ આવી જતાં શૂટિંગ ખોરવાઈ ગયું હતું.

કોરોના કાળ બાદ જુલાઈ માસમાં શૂટિંગ શરૂ થયું ત્યારે સિરીયલના ક્રિએટીવ હેડ તરીકે મુંબઈના એક આધેડ વયના શખ્સને નિયુક્ત કરાયો હતો. ગત ડિસેમ્બર માસમાં ક્રિએટીવ હેડે પોતાનું પોત પ્રકાશ્યું હતું અને સિરીયલના સ્ટાફમાં કામ કરતી એક યુવતીને મેસેજ કરીને I Love You કહ્યું હતું. મેસેજ ઉપરાંત રૂબરૂમાં પણ ક્રિએટીવ હેડ યુવતીની સાથે લાળ લબડાવીને વાતો કરતો હતો.  થોડાક સમય ચૂપ રહેલી યુવતીએ આખરે કલાકારો સાથે આ બાબતની વાત કરી હતી. જેને પગલે રોષે ભરાયેલા કલાકારોએ તાબડતોબ પ્રોડ્યુસરો સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, ક્રિએટીવ હેડના મિત્ર એવા એક પ્રોડ્યુસરે એને ઠપકો આપવાને બદલે યુવતીને ફોન કરી, સાવ નિમ્ન કક્ષાની વાત કરી હતી. આ અંગેની જાણ થતાં કલાકારોએ ચેનલના અધિકારીઓ સુધી આ વાત પહોંચાડી રોષ વ્યક્ત કર્યો હતો. જેને પગલે આખરે પ્રોડ્યુસરોને ક્રિએટીવ હેડને તાબડતોબ મુંબઈ બોલાવી લેવો પડ્યો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર, પ્રોડ્યુસર્સ દ્વારા કલાકારોને નાણાં ચૂકવવામાં મોડું કરવામાં આવે છે. ટેક્સ કાપ્યો હોય તો તેનું સર્ટીફિકેટ કાપવામાં ઠાગાઠૈયા કરાય છે. શૂટિંગ દરમિયાન કલાકારો સહિતનો સ્ટાફ જાણે મજૂરો હોય એ રીતે વર્તન કરાય છે અને સાવ સામાન્ય જરૂરીયાતો પણ પૂરી કરવામાં આવતી નથી. પ્રોડ્યુસર્સના દાવપેચના કારણે જ સિરીયલ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પ્રોડ્યુસર્સ દ્વારા બાકી નિકળતાં નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવશે તો પોલીસ ફરિયાદ સહિતના કાનૂની પગલાં લેવાની કલાકારોમાં ચર્ચા ઉઠી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud