• કોરોના પર નિયંત્રણ મેળવવા માટે મીની કર્ફ્યુ જેવી સ્થિતી લાદી દીધી છે. તો બીજી તરફ વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે
  • કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે કાર્યરત વેક્સીનેશન સેન્ટરમાં ચુંટાયેલા પ્રતિનીધીઓ તથા વ્યવસ્થાપકે મંડપ બાંધવા માટેની પણ દરકાર લીધી નથી
  • આજે સેન્ટરમાં વેક્સીન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરવાની ગંભીર બેદરકારી સામે આવતા યુવકે મચાવ્યો હોબાળો

WatchGujarat. શહેરના કારેલીબાગ ખાતે શરૂ કરવામાં આવેલા વેક્સીનેશન સેન્ટરમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. અહિંયા વેક્સીન લીધા વગર જ વેક્સીન લીધાનું સર્ટીફીકેટ ઇશ્યુ કરવામાં આવતા યુવકે હોબાળો મચાવ્યો હતો. જો આ રીતે વેક્સીનેશન કરવામાં આવશે તો કોરોના સામે જંગ આભાસી જીત મળશે.

રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સમયે સરકારે કોરોના પર નિયંત્રણ મેળવવા માટે મીની કર્ફ્યુ જેવી સ્થિતી લાદી દીધી છે. તો બીજી તરફ વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે. આજથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરી છે. પરંતુ તેવા સમયે વડોદરામાં રસીકરણમાં ચાલતી પોલ ખુલ્લી પાડે તેવો કિસ્સો સામે આવ્યો છે.

કારેલીબાગ ખાતે મેન્ટલ હોસ્પિટલમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ચાલતા મોટાભાગના વેક્સીનેશન સેન્ટરમાં પર લોકોને ઠંડક મળે તે ઉદ્દેશ્યથી મંડપ બાંધવામાં આવ્યા છે. પરંતુ કારેલીબાગ વેક્સીનેશન સેન્ટરમાં ચુંટાયેલા પ્રતિનીધીઓ તથા વ્યવસ્થાપકે મંડપ બાંધવા માટેની પણ દરકાર લીધી નથી. આજે વેક્સીનેશન સેન્ટરનો એક ગંભીર છબરડો સામે આવ્યો હતો. વેક્સીન લેવા માટે આવેલા યુવકને વેક્સીન લીધા વગર જ વેક્સીન લીધાનું સર્ટીફીકેટ મળી ગયું હતું. જેને પગલે સેન્ટર પર પહોંચેલો યુવક અચરજમાં મુકાયો હતો.

યુવકે આ અંગે સ્થળ પર હાજર લોકોને જવાબ પુછતા તેને ગોળ ગોળ વાતો કહેવામાં આવી હતી. આખરે યુવકે હોબાળો મચાવ્યો હતો અને ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના દરમિયાનગીરીથી આખરે યુવકને વેક્સીન મળી હતી. અને સેન્ટર પર પહોંચેલા અન્યને પણ સરળતાથી વેક્સીન મળી રહે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખીય છે કે, કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે થયેલી ઘટના અત્યંગ ગંભીર છે. જેવી રીતે સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ અને મૃત્યુ પામેલા લોકોના આંકડાની માયાજાળ રચવામાં આવી રહી છે. તેવી જ રીતે જો વેક્સીન અંગેની માયાજાળ રચવાનો પ્રયાસ કરાશે તો કોરોના સામે માત્ર આભાસી જીત જ મળશે. આવા ગંભીર મામલે હવે કોર્પોરેશન તંત્ર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરે છે કે નહિ તે જોવું રહ્યું. કોરોના સામેની જંગ નબળી પાડતા લોકો સામે કડક કાર્યવાહી કરવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud